
ધારો કે તમે કોઈની સાથે સાપસીડી રમી રહ્યા છો. તમે સાપના મોં પાસે આવો ત્યારે સામેવાળો કહે છે કે હવે સાપ તમને ખાઈ ગયો હોવાથી તમારે નીચે ઊતરી જવું પડશે. પછીથી જ્યારે તમે સીડીના ખાનામાં આવો છો ત્યારે તમને એમ કહે છે કે તમે એ સીડી નહીં ચડી શકો; સીડી તો ફક્ત ડેકોરેશન માટે રાખવામાં આવી છે.
સીડીના ખાનામાં આવ્યા બાદ તમને જ્યારે સામેવાળા તરફથી ઉપરની દલીલ સંભળાવવામાં આવે ત્યારે એ સાપસીડી રમત નહીં રહેતાં, ચાલબાજી, દગો બની જાય છે.
જો રમત રમતી વખતે પણ આવી ચાલબાજી આપણને વસમી લાગતી હોય તો વાસ્તવિક જીવનમાં બનેલી આવી ઘટના માટે શું કહેવું! નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના દુનિયાથી વેગળા કેસમાં આવી જ ચાલબાજી કરવામાં આવી છે.
જે હારે એ ખેલાડીને એમ થતું હોય છે કે હવે આ રમત પતે તો સારું, પરંતુ રમતના નામે જે ચાલબાજી કરતું હોય તેને તો રમત કાયમ માટે ચાલ્યા કરે એવી જ ઈચ્છા હોય છે. NSELનું પ્રકરણ આવું જ છે.
કોઈ જ પ્રકારનો તર્ક ચાલે નહીં એવા આ પ્રકરણમાં ચાલબાજીની ચરમસીમા થઈ ગઈ છે. સરકાર પોતે જ ઈચ્છતી હતી કે દેશમાં કોમોડિટી ક્ષેત્રે સ્પોટ એક્સચેન્જ શરૂ થાય. આથી તેણે કેટલાક લોકોને સામેથી નિમંત્રણ આપ્યું કે તમે આવું કોઈ એક્સચેન્જ સ્થાપો. એ નિમંત્રણને માન આપીને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)ની સ્થાપક કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડે (FTIL – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ) NSELની સ્થાપના કરવાનું નક્કી કર્યું.
FTIL માટે કોમોડિટી સ્પોટ એક્સચેન્જ બે ગરજ સારનારું વેપાર સાહસ હતું. એક, નવસર્જન માટે જાણીતી કંપનીને કોમોડિટીના વેપાર ક્ષેત્રે એમસીએક્સ બાદ બીજું નવસર્જન કરવાની તક મળે અને બે, એમસીએક્સના વાયદા બજારને હાજર બજારનો સાથ મળે તો કોમોડિટી ક્ષેત્રને વધુ સારી રીતે વિકસાવી શકાય.
સરકારી તંત્રે એનએસઈએલની સ્થાપના કરવા દીધી અને તેને ફોરવર્ડ કામકાજ કરવાની પણ છૂટ આપી. તેને એક દિવસીય ફોરવર્ડ કોન્ટ્રેક્ટ ચલાવવાની પણ સુવિધા મળી. ગ્રાહકસંબંધી બાબતોના મંત્રાલયે તેને ફોરવર્ડ કોન્ટ્રેક્ટ્સ રેગ્યુલેશન ઍક્ટ હેઠળ આ સુવિધા આપી હતી. આમ, સરકારના નિમંત્રણને પગલે શરૂ થયેલા આ એક્સચેન્જના કામકાજને સરકારનું સમર્થન હતું. છતાં, જ્યારે કેટલાક લેભાગુ તત્ત્વો એક્સચેન્જમાં ગોટાળા કરી ગયા, એટલે કે એક્સચેન્જ સાપના મોં પાસે આવ્યું ત્યારે તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે એવું નિવેદન કર્યું કે એક્સચેન્જમાં પહેલા જ દિવસથી ગેરકાનૂની રીતે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તેથી એક્સચેન્જને સાપ ખાઈ ગયો.
એક્સચેન્જ પહેલા જ દિવસથી ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના નિયમન હેઠળ હતું. ફોરવર્ડ માર્કેટ્સ કમિશને તેને કેટલાક ખુલાસા પૂછ્યા અને એક્સચેન્જે તેના જવાબ પણ આપ્યા હતા. ખુલાસા સ્વીકારી લીધા હોય એમ કમિશન કંઈ બોલ્યું નહીં અને પછી અચાનક જ એક્સચેન્જને કહ્યું કે તેણે નવા સોદા શરૂ કરવાનું બંધ કરવું અને બધા ઊભા સોદાની પતાવટ કરી દેવી. આવું ઓચિંતું પગલું ભરાવાને લીધે એક્સચેન્જનું ચક્ર ઊભું રહી ગયું અને ગેરરીતિઓ કરી ચૂકેલા ટ્રેડરોએ ડિફોલ્ટ કરીને પૈસા આપવાનું માંડી વાળ્યું. ડિફોલ્ટના સ્વરૂપે ફરી સાપ આવ્યો ત્યારે ચાલબાજોએ કહ્યું, સાપ તમને ખાઈ ગયો. એ જ ડિફોલ્ટરોએ ફોરવર્ડ માર્કેટ્સ કમિશન સાથેની મીટિંગમાં પોતાની જવાબદારી સ્વીકારી અને પોતે નાણાં ચૂકવી દેશે એવી બાંયધરી આપી. ડિફોલ્ટરોએ ગુનાની કબૂલાત કરી હોવાથી એક્સચેન્જ સીડી ચડવાના ખાનામાં આવી ગયું. આમ છતાં, ચાલબાજોએ તેને એ સીડી ચડવા દેવાને બદલે એક્સચેન્જની પેરન્ટ કંપની એટલે કે એફટીઆઇએલને સાણસામાં લીધી અને તેની વિરુદ્ધ પગલાં ભરવાની શરૂઆત કરી.
સાપસીડીનો આ ખેલ કેવી રીતે આગળ વધ્યો એ જોઈશું હવે પછી…
—–