એનએસઈએલના ઇન્વેસ્ટરો/બ્રોકરો ખરેખર કોણ હતા અને એમણે શું કર્યું હતું?

આવક વેરા ખાતું હવે કરશે
‘દૂધ કા દૂધ, પાની કા પાની’

તસવીર સૌજન્યઃ ઈકોનોમિક ટાઇમ્સ

એનએસઈએલ કેસ વિશે આપણે ઘણી ચર્ચા કરી છે. જ્યાં હાડોહાડ અન્યાય દેખાતો હોય તેના વિશે, દેખીતી વાત છે કે, વધારે બોલી જવાય. જો કે, આપણે જે બોલીએ છીએ તેને પૂરતું સમર્થન બનનારી ઘટનાઓ પણ બનતી હોવાથી ફરી વાર એ વિષય છેડવો પડે છે.

હાલમાં જાણવા મળ્યું છે કે છ વર્ષ જૂની આ પૅમેન્ટ કટોકટીમાં 13,000 નિર્દોષ રોકાણકારોનાં 5,600 કરોડ રૂપિયા ફસાયાં હોવાનું ગાણું ગવાતું આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા જુદી હોવાની શંકાને પગલે આવક વેરા ખાતાએ તેની ઊંડી તપાસ શરૂ કરી છે.

અગાઉ, સરકાર સ્થાપિત સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે 12,735 ક્લાયન્ટ્સ પાસેથી તેમના કથિત નાણાકીય વ્યવહારો વિશે વિગતો મગાવી હતી, પરંતુ એમાંથી અત્યાર સુધી માત્ર 7,127 લોકોએ જવાબ આપ્યા છે. ક્યાં 13,000 અને ક્યાં 7,217! એમાંય પાછું 7,217માંથી 2,897 ક્લાયન્ટ્સે કરવેરાનાં પોતાનાં રિટર્ન્સ વિશે જવાબ આપ્યો નથી. એ ક્લાયન્ટ્સના દાવાની કુલ રકમ 823.7 કરોડ રૂપિયા છે, પરંતુ તેમણે રિટર્ન્સ આપ્યાં નથી.

આ કેસમાં 230 ક્લાયન્ટ્સના દાવા 27.68 કરોડ રૂપિયા હોવા છતાં તેમણે રિટર્ન્સ ફાઇલ કર્યાં નથી. ઉપરાંત, 14 બનાવટી કંપનીઓએ 15.87 કરોડ રૂપિયાના દાવા કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. આ બધા આંકડાઓમાંથી બહાર આવીએ; એમાંથી એક જ તારતમ્ય નીકળે છે કે દાવા ભલે 13,000 ઇન્વેસ્ટરોના થતા રહ્યા હોય, ખરેખર તો દાવેદારોની સંખ્યા અને તેમના દાવાની સચ્ચાઈ વિશે શંકા ઊપજે એવી અનેક વિગતો છે.

આ જ શંકા સાચી ઠરતી હોય એમ એનએસઈએલના માધ્યમથી ટ્રેડિંગ કરી ચૂકેલા ટ્રેડરો-બ્રોકરોએ કરચોરી કરી હોવાની ફરિયાદને પગલે આવક વેરા ખાતાએ આ તપાસ શરૂ કરી છે. તપાસના અંતે ચોક્કસપણે ‘દૂધ કા દૂધ, પાની કા પાની’ થવાની શક્યતા હોવાનું જરૂરથી કહી શકાય.

નિર્દોષ-બિચારા કહેવાયેલા ટ્રેડરો ખરેખર કોણ હતા, તેમને રોકાણકારોનું નામ આપનારા બ્રોકરો ખરેખર કેવી રીતે તેમના નામે ટ્રેડિંગ કરતા હતા, તેમાં નાણાં લઈને અંતર્ધ્યાન થઈ ગયેલા ડિફોલ્ટરોએ કઈ ભૂમિકા ભજવી, વગેરે અનેક સવાલોના જવાબ આ તપાસને પગલે જાણવા મળી શકે છે. લોકોએ જે નાણાં રોક્યાં તેની સચ્ચાઈ અને સફાઈ વિશે પણ શંકા ઊપજી છે અને તેને લગતી સંખ્યાબંધ ફરિયાદો મળવાને કારણે જ આવક વેરા ખાતાએ તપાસ શરૂ કરી છે.

એનએસઈએલના માધ્યમથી વ્યવહારો કરનારાઓ ખરેખર રોકાણકાર હતા કે પછી ટ્રેડર હતા એ મુદ્દો આવક વેરા ખાતું ચકાસી રહ્યું છે. અખબારી અહેવાલો કહે છે કે આ કોમોડિટી સ્પોટ એક્સચેન્જમાં ખરેખર માલની ડિલિવરી અપાઈ હતી કે કેમ અને તેમાં થયેલી પ્રવૃત્તિઓ ટ્રેડિંગની હતી કે રોકાણની હતી એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

એનએસઈએલના ઇન્વેસ્ટરો/બ્રોકરોમાંથી કેટલાકે પૅમેન્ટ કરવાનું બાકી હતી અને કેટલાકને પૅમેન્ટ મળવાનું બાકી હતું. પોતાને ઇન્વેસ્ટર કહેવડાવતા લોકોએ લાવેલાં નાણાંનો સ્રોત શંકાસ્પદ મનાય છે. એ બધી એન્ટિટીઝે એનએસઈએલ પર થયેલા વ્યવહારો બાબતે આવક વેરાનાં રિટર્નમાં નફો અને ખોટ દર્શાવ્યાં હતાં. એન્ટિટીઝે કરેલા રોકાણની રકમ મૂળ ક્યાંથી આવી હતી અને તેમણે કરેલો નફો કરવેરાનાં રિટર્નમાં દેખાડાયો હતો કે કેમ એ બાબતે ખાતું ઊંડું ઊતર્યું છે.

અહેવાલો મુજબ શંકાસ્પદ વ્યવહારોનો તાળો એનએસઈએલ પર થયેલા વ્યવહારોની નોંધ પરથી મેળવવામાં આવશે. જો કોઈ એન્ટિટીએ બીજાંનાં નાણાંનું રોકાણ કર્યું હોવાનું જણાઈ આવશે તો આવક વેરા ખાતું 1988ના બેનામી ટ્રાન્ઝેક્શન્સ ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી શકે છે.

જાણકારોનું કહેવું છે કે કેટલાક બ્રોકરોએ, કથિત રોકાણકારોએ અને નોન બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે એનએસઈએલના માધ્યમનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ પાછળની હકીકત બહાર આવી જશે. નાણાંનો સ્રોત જાણવા મળશે ત્યારે બીજાના પૅન નંબરનો ઉપયોગ, ક્લાયન્ટ કોડ મોડિફિકેશન અને બેનામી વ્યવહારોની સચ્ચાઈ પણ પ્રગટ થશે. સાથે જ એ પણ બહાર આવશે કે વ્યવહારો કરનારા લોકો ખરેખર રોકાણકાર હતા કે કેમ. વળી, દેશના આર્થિક જગતમાં રોકાણકાર બનીને ફરનારાં કેટલાંક લેભાગુ અને ગુનાકીય તત્ત્વોની સચ્ચાઈ પણ પ્રગટ થતાં મોટું કૌભાંડ બહાર આવવાની પણ શક્યતા છે.

————————-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s