ખરેખર, મતદાન માટે દૃઢ મનોબળની જરૂર પડે છે!

સૌજન્યઃ જન્મભૂમિ

આ વખતે મુંબઈના મતદારોના મનોબળની આકરી કસોટી થવાની છે. 29મી એપ્રિલે મતદાનનો દિવસ હોવાથી રજા હશે. 28મીએ રવિવારની રજા હશે અને પહેલી મેએ મહારાષ્ટ્ર દિવસની રજા હશે. શનિવારે જેને ઑફિસ ચાલુ હશે એ એક દિવસની કેઝ્યુઅલ લીવ લઈ લેશે તો તેને શનિવારથી લઈને બુધવાર સુધીની રજા મળી જશે અને સરસ મજાનું વૅકેશન માણી શકાશે. ખરેખર, લોભામણી તક છે. તેથી જ કહેવું પડે કે મતદાન કરવા માટે દૃઢ મનોબળની જરૂર પડે છે અને આ વખતે ખરી કસોટી છે.

હૃદય પર પથ્થર મૂકી દેજો, પણ મતદાન કર્યા વગર રહેતા નહીં. આવું બે-ચાર દિવસનું વૅકેશન માણવાની બીજી અનેક તક મળશે, પરંતુ પાંચ વર્ષ સુધી લોકસભાની ચૂંટણી નહીં થાય અને તમારી મરજી મુજબનો ઉમેદવાર તમારા પ્રતિનિધિ તરીકે મોકલવાની બીજી તક પાંચ વર્ષ સુધી નહીં મળે.

બડાઈની વાત નથી, પણ આપણી લોકશાહી દુનિયામાં વખણાય છે. ભારતને લોકો માનથી જુએ છે અને એ માન આપણું પોતાનું પણ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આવેલા આંકડા અનુસાર ગુરુવારે પ્રથમ ચરણમાં થયેલા મતદાનમાં મણિપુરમાં 78 ટકા કરતાં વધારે મતદાન થયું છે. આ દેશના ઘણા લોકો જેમના ચહેરાને જોઈને તેમને વિદેશી માણસો માની બેસે છે એવા મણિપુરના લોકોએ દેશ આખાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં છે. મૂછે હો તો નથ્થુલાલ જૈસીની જેમ કહી શકાય, મતદાન હો તો મણિપુર જૈસા.

ચાલો, આપણે પણ કહેવત પ્રમાણે મૂછોને વળ ચડાવીને કહીએ કે આપણે આ લોકશાહીના જતન માટે મોટા પ્રમાણમાં મતદાન કરીશું.

પાંચ દિવસની રજાના લોભમાં દેશનાં અમૂલ્ય પાંચ વર્ષ બગડે નહીં એ વાતની કાળજી લેવાની આપણે બધાએ જરૂર છે, એવું કહીએ તો જરાપણ અતિશયોક્તિ નહીં કહેવાય.

જો કોઈને એમ લાગતું હોય કે મારા એકલાના મતદાનથી કોઈ ફરક પડવાનો નથી, તો તેમણે કદાચ સાંભળ્યું હશે કે બધા જ આવું વિચારશે તો કોઈ જ મતદાન કેન્દ્રમાં નહીં દેખાય. બીજા કરે કે ન કરે, મારે તો મતદાન કરવાનું જ છે એવા દૃઢ નિશ્ચય સાથે મતદાન કરવા જજો અને આજુબાજુવાળાને પણ સાથે લઈને જજો. જો મતદાન નહીં કરો અને કોઈ નકામો ઉમેદવાર ચૂંટાઈને આવશે તો પછી પાંચ વર્ષ સુધી ભોગવવું પડશે. એ વખતે પછી કોઈને ગાળો ભાંડવાનો કોઈ અર્થ નથી. આ વખતે તો ચૂંટણી પંચે સાર્વત્રિક ચૂંટણીને દેશનો તહેવાર ગણાવ્યો છે. આ તહેવાર માટે એટલું ચોક્કસ કહી શકાયઃ અસલી મજા સબ કે સાથ આતા હૈ.

પ્રથમ ચરણ કરતાં વધારે મતદાન કરીશું એવી ચડસાચડસી પછીના તબક્કાઓમાં થાય એવી સદિચ્છા સાથે આપણે આ વિચારક્રાંતિની જ્યોતને આગળ લઈ જઈએ.

——–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s