આ કેવું?

એનએસઈ અને એનએસઈએલ સાથેના વ્યવહારમાં આટલો તફાવત કેમ?

તસવીર સૌજન્યઃ medium.com

આજથી લગભગ છ વર્ષ પહેલાં નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)માં 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી. તેને કૌભાંડ તરીકે ખપાવી દેવાઈ. એ પ્રકરણનો ઉકેલ લાવવાને બદલે તેને વધુ ને વધુ ગૂંચવી દેવાયું. એટલું જ નહીં, જેનો ઉપાય છ મહિનામાં સંભવ હતો તેને છ વર્ષ સુધી અદ્ધર રખાયું છે.

NSEL પ્રકરણમાં મુખ્ય જવાબદાર-દોષિત ડિફોલ્ટરોને પકડીને તેમની પાસેથી નાણાંની વસૂલી કરવાને બદલે એ એક્સચેન્જની સ્થાપના કરનાર પ્રમોટર કંપની અને તેના સ્થાપક સામે જ  સતત ઍક્શન લેવામાં આવી. હવે જ્યારે હકીકત બહાર આવતી જણાય છે ત્યારે પણ ગુનેગારોને છાવરવાની કોશિશ ચાલુ છે.

કોઈને થશે કે આ વાત અત્યારે શા માટે કરાઇ રહી છે? તેનો સીધો જવાબ એ છે કે 5,600 કરોડ કરતા દસગણું મોટું કૌભાંડ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના કૉ-લૉકેશન પ્રકરણમાં થયું હોવા છતાં તેની સામે ઍક્શન લેવાનું સરકાર અને રેગ્યુલેટર સતત ટાળી રહ્યાં હોવાની  પ્રતીતિ થાય છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જના કેસમાં નિયમનકારની ઍક્શન મૅનેજમેન્ટ સામેય નહીં, બ્રોકરો વિરુદ્ધ પણ નહીં અને સંડોવાયેલા અધિકારીઓ સામે પણ નહીં. આવું થઈ રહ્યું છે તેથી જ સવાલ થાય છે, આવું કેમ?

વાહ રે, નિયમનકારનો ન્યાય. આ જ બાબત બીએસઈ સાથે થઈ હોત તો તરત જ 24 કલાકમાં શું ને શું કરી નાંખ્યું હોત. હજી પણ એનએસઈને આ વિષયમાં માફી આપી માત્ર દંડ લઈ છોડી મૂકવાની વેતરણ ચાલી રહી છે, કારણ કે તેમાં મોટાં માથાં છે, વગદાર લોકો અને લૉબી છે. સરકારના ચોક્કસ પ્રધાનના તેમના પર ચાર હાથ છે. તેનાથી વિપરીત, નૅશનલ સ્પોટ એક્સચેન્જના કિસ્સામાં એ જ ચોક્કસ પ્રધાન વિરોધી રહ્યા છે અને એનએસઈની સામે કોઈ સ્પર્ધા ઊભી ન થાય એ માટે પહેલેથી જ પ્રયત્નશીલ રહ્યા છે. એ પ્રધાન કોણ છે એના વિશે અગાઉ લખાઈ ગયું છે અને જગજાહેર છે તેથી તેમનું નામ લખવાની જરૂર નથી (હા, વાંચકો ચોક્કસપણે કમેન્ટ દ્વારા એ નામ લખી શકે છે).

અત્યાર સુધી દેશના હિતના ભોગે એનએસઈની અઢળક ફેવર કરાઈ છે. ફેવર તો એક વખત ચલાવી લેવાય, પરંતુ તેને કારણે અન્ય સમકક્ષ સંસ્થાઓને અઢળક અન્યાય કરાયો છે.

વિચારક્રાંતિ અન્યાય સામે અવાજ ઊઠાવે છે તેથી આ વાતને અહીં મૂકવી જરૂરી છે. આ અન્યાય માત્ર એક ઉદ્યોગસમૂહ સાથે થયો છે એવું નથી, રાષ્ટ્ર સાથે પણ થયો છે. કઈ રીતે તેની વાત હવે કરીશું. ચોક્કસ મિનિસ્ટર અને અધિકારીઓએ મળીને મેક ઈન ઈન્ડિયાની સક્સેસફુલ સ્ટોરીને કઈ રીતે ખતમ કરી તેની દાસ્તાન વારંવાર યાદ આવ્યે રાખે છે, કારણ કે……વાત કરીશું આગળની કડીમાં…

————————

ખરેખર, મતદાન માટે દૃઢ મનોબળની જરૂર પડે છે!

આ વખતે મુંબઈના મતદારોના મનોબળની આકરી કસોટી થવાની છે. 29મી એપ્રિલે મતદાનનો દિવસ હોવાથી રજા હશે. 28મીએ રવિવારની રજા હશે અને પહેલી મેએ મહારાષ્ટ્ર દિવસની રજા હશે. શનિવારે જેને ઑફિસ ચાલુ હશે એ એક દિવસની કેઝ્યુઅલ લીવ લઈ લેશે તો તેને શનિવારથી લઈને બુધવાર સુધીની રજા મળી જશે અને સરસ મજાનું વૅકેશન માણી શકાશે. ખરેખર, લોભામણી તક છે. તેથી જ કહેવું પડે કે મતદાન કરવા માટે દૃઢ મનોબળની જરૂર પડે છે અને આ વખતે ખરી કસોટી છે.

હૃદય પર પથ્થર મૂકી દેજો, પણ મતદાન કર્યા વગર રહેતા નહીં. આવું બે-ચાર દિવસનું વૅકેશન માણવાની બીજી અનેક તક મળશે, પરંતુ પાંચ વર્ષ સુધી લોકસભાની ચૂંટણી નહીં થાય અને તમારી મરજી મુજબનો ઉમેદવાર તમારા પ્રતિનિધિ તરીકે મોકલવાની બીજી તક પાંચ વર્ષ સુધી નહીં મળે.

બડાઈની વાત નથી, પણ આપણી લોકશાહી દુનિયામાં વખણાય છે. ભારતને લોકો માનથી જુએ છે અને એ માન આપણું પોતાનું પણ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આવેલા આંકડા અનુસાર ગુરુવારે પ્રથમ ચરણમાં થયેલા મતદાનમાં મણિપુરમાં 78 ટકા કરતાં વધારે મતદાન થયું છે. આ દેશના ઘણા લોકો જેમના ચહેરાને જોઈને તેમને વિદેશી માણસો માની બેસે છે એવા મણિપુરના લોકોએ દેશ આખાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં છે. મૂછે હો તો નથ્થુલાલ જૈસીની જેમ કહી શકાય, મતદાન હો તો મણિપુર જૈસા.

ચાલો, આપણે પણ કહેવત પ્રમાણે મૂછોને વળ ચડાવીને કહીએ કે આપણે આ લોકશાહીના જતન માટે મોટા પ્રમાણમાં મતદાન કરીશું.

પાંચ દિવસની રજાના લોભમાં દેશનાં અમૂલ્ય પાંચ વર્ષ બગડે નહીં એ વાતની કાળજી લેવાની આપણે બધાએ જરૂર છે, એવું કહીએ તો જરાપણ અતિશયોક્તિ નહીં કહેવાય.

જો કોઈને એમ લાગતું હોય કે મારા એકલાના મતદાનથી કોઈ ફરક પડવાનો નથી, તો તેમણે કદાચ સાંભળ્યું હશે કે બધા જ આવું વિચારશે તો કોઈ જ મતદાન કેન્દ્રમાં નહીં દેખાય. બીજા કરે કે ન કરે, મારે તો મતદાન કરવાનું જ છે એવા દૃઢ નિશ્ચય સાથે મતદાન કરવા જજો અને આજુબાજુવાળાને પણ સાથે લઈને જજો. જો મતદાન નહીં કરો અને કોઈ નકામો ઉમેદવાર ચૂંટાઈને આવશે તો પછી પાંચ વર્ષ સુધી ભોગવવું પડશે. એ વખતે પછી કોઈને ગાળો ભાંડવાનો કોઈ અર્થ નથી. આ વખતે તો ચૂંટણી પંચે સાર્વત્રિક ચૂંટણીને દેશનો તહેવાર ગણાવ્યો છે. આ તહેવાર માટે એટલું ચોક્કસ કહી શકાયઃ અસલી મજા સબ કે સાથ આતા હૈ.

પ્રથમ ચરણ કરતાં વધારે મતદાન કરીશું એવી ચડસાચડસી પછીના તબક્કાઓમાં થાય એવી સદિચ્છા સાથે આપણે આ વિચારક્રાંતિની જ્યોતને આગળ લઈ જઈએ.

——–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s