મોનોપોલી તોડવા રચેલી સંસ્થાએ જ રચી મોનોપોલી અને માયાજાળ!

કૉ-લૉકેશન કેસમાં વ્હીસલ બ્લોઅરે અનેક ભયંકર વિગતો બહાર લાવવામાં આપ્યો છે સિંહફાળો

એનએસઈની કૉ-લૉકેશન સુવિધા વિશેની વાતને આગળ વધારીએ. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની કહેવાતી મોનોપોલીને તોડવા માટે એનએસઈની સ્થાપના કરવામાં આવી રહી છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ વખત જતાં એનએસઈ પોતે એક મોનોપોલી બની ગયું અને એ અકબંધ રહે તે માટે લાગતા-વળગતા અને મળતિયા તમામ લોકો સાથે મળીને કામ કરતા રહ્યા.

કૉ-લૉકેશનનો સવાલ છે ત્યાં સુધી એનએસઈએ સેબીની ઔપચારિક મંજૂરી લીધા વિના ડાઇરેક્ટ માર્કેટ એક્સેસના નામે તેનો પ્રારંભ કર્યો. વિકિપિડિયામાં ચોખ્ખું કહેવાયું છે કે પી. ચિદમ્બરમની નિકટના હોવાનું મનાતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરોના લાભાર્થે ડાઇરેક્ટ માર્કેટ એક્સેસ આપવામાં આવ્યું. તેને કારણે એવું બન્યું કે આ ઇન્વેસ્ટરો સીધેસીધા જ સોદાઓ પાડવા લાગ્યા, બ્રોકરોનું વચ્ચે કોઈ નામોનિશાન નહીં. સી. બી. ભાવે, રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણનની મંડળીએ પી. ચિદમ્બરમના આશીર્વાદથી કૉ-લૉકેશન સેવા આપી એવું વિકિપિડિયા બીજી વાર કહે છે.

સી. બી. ભાવે અને રવિ નારાયણનાં નામ અનેક વાર આવશે એવું આપણે પહેલી કડીમાં કહ્યું તેનું આ જ કારણ છે!

વળી, પસંદગીના ટ્રેડરોને વધુ લાભ મળી રહે એ માટે કૉ-લૉકેશન અર્થે ડાર્ક ફાઇબર સ્થાપવામાં આવ્યું. ડાર્ક ફાઇબર ટેક્નિકલ શબ્દ છે. તેને સાદી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે રિઝર્વ બૅન્કની ટંકશાળમાં કે ભાભા અણુ સંશોધન કેન્દ્રની અણુભઠ્ઠીમાં સામાન્ય માણસને જવાનો અધિકાર આપવો. આવો વિશેષાધિકાર સરકારમાં ઉચ્ચ હોદ્દો ભોગવનારી વ્યક્તિના આશીર્વાદ વગર શક્ય નથી.

કૉ-લૉકેશન માટે ટેક્નિકલ વ્યવસ્થા કરી આપનાર પણ કોઈક જોઈએ ને? એમ કામ અજય શાહને સોંપવામાં આવ્યું. તેઓ પણ ચિદમ્બરમના ખાસ માણસ ગણાય છે. તેમણે જ નિફ્ટી50ની સંરચના ઘડી હતી અને હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગમાં વપરાતા ઍલ્ગરિધમની સંપૂર્ણ જાણકારી તેમને હતી. અજય શાહને તેમનાં પત્ની સુસાન થોમસનો અને સુસાનનાં બહેન સુનીતા થોમસનો સાથ મળ્યો. સુનીતા એનએસઈના ટ્રેડિંગ હેડ સુપ્રભાત લાલાનાં પત્ની છે. આ લોકોએ ભેગાં મળીને ઍલ્ગરિધમિક પ્રોગ્રામ એટલે કે સોફ્ટવેર તૈયાર કર્યું, જેનો ઉપયોગ કેસમાં પછીથી પિક્ચરમાં આવેલા ઓપીજી, આલ્ફા ગ્રેપ, વગેરે બ્રોકરોએ કર્યો.

આખા કૉ-લૉકેશન કૌભાંડમાં જોવા જેવી વાત એ છે કે અત્યાર સુધીમાં એનએસઈનું અનેક કંપનીઓએ ફોરેન્સિક ઑડિટ કર્યું છે, પરંતુ તેના અહેવાલ જાહેર કરવામાં આવ્યા નથી. અજય શાહ ઘનિષ્ઠ રીતે આ કેસમાં સંકળાયેલા છે અને તેમનું નામ ઓપીજી સિક્યૉરિટીઝમાં તથા કૉ-લૉકેશન કૌભાંડમાં તેમની ભૂમિકા સંબંધે એફઆઇઆરમાં પણ લખવામાં આવ્યું છે. આમ છતાં, તેમની સામે કોઈ કાર્યવાહી થતી હોય એવું દેખાયું નથી. સીબીઆઇએ તેમને આરોપી ગણાવ્યા છે. સીબીઆઇએ કહ્યા મુજબ શાહે એનએસઈ માટે લોબિંગ કર્યું, કારણ કે તેઓ નાણાં મંત્રાલયમાં વગ ધરાવતા હતા. તેમણે સંશોધનના નામે એનએસઈનો ટ્રેડિંગ ડેટા ભેગો કર્યો હતો, જેનો ઉપયોગ કરીને તેમણે ચાણક્ય નામનું ઍલ્ગરિધમનું સોફ્ટવેર બનાવ્યું. એ સોફ્ટવેર ઓપીજી સિક્યૉરિટીઝ જેવા કેટલાક પસંદગીના બ્રોકરોને વેચવામાં આવ્યું હતું. વેચાણ ઇન્ફોટેક ફાઇનાન્શિયલ્સ દ્વારા થયું હતું, જેમાં સુસાન અને સુનીતા થોમસ બન્ને ડિરેક્ટર હતાં. સીબીઆઇની કાર્યવાહી બાદ સેબીએ તેમને એનએસઈ સાથેના ડેટા શૅરિંગના કરારનો ભંગ કરવા બદલ કારણદર્શક નોટિસ મોકલી. કૉ-લૉકેશન વિશે પત્ર લખનાર વ્હીસલ બ્લોઅરે આરોપ મૂક્યો છે કે અજય શાહે એનએસઈમાં ચાલતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોના અને પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે થતા વ્યવહારોમાંથી પણ લાભ ખાટ્યો છે. અજય શાહની બાબતે સંસદમાં નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પોન રાધાકૃષ્ણન પણ નિવેદન આપી ચૂક્યા છે, જેમાં તેમણે ડેટાના દુરુપયોગની વાત કરી છે. આવક વેરા ખાતાએ અજય શાહના સ્થળે નવેમ્બર 2017માં દરોડો પાડ્યો હતો. નવાઈની વાત છે કે તેમની પાસેથી બજેટને લગતી કેટલીક રજૂઆતો તથા અત્યંત ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા હતા. એવું મનાય છે કે નાણાં મંત્રાલય અજય શાહના વડપણ હેઠળની નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સ ઍન્ડ પોલિસીને દર વર્ષે 1 કરોડ રૂપિયા ચૂકવતું હતું. ઉપરાંત, તેમને નિફ્ટી50ની રચના કરવા બદલ તગડી રોયલ્ટી પણ મળતી રહી છે. ખરી રીતે તો આ ઉદ્યોગના નિયમ પ્રમાણે એક જ વખત રોયલ્ટી ચૂકવવામાં આવે છે.

મોનોપોલી તોડવા માટે રચાયેલા એનએસઈએ કેવી માયાજાળ રચી એ આપણે કૉ-લૉકેશન કૌભાંડ બહાર આવતાં જોઈ શક્યા છીએ.

વધુ વિગતો માટેઃ https://en.m.wikipedia.org/wiki/NSE_co-location_scam; https://www.pgurus.com/nse-the-whole-co-location-based-trading-is-illegal/#_ftn3


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s