
એનએસઈના કૉ-લૉકેશન કૌભાંડમાં સેબીને પણ એક્સચેન્જની ગંભીર ભૂલચૂક ધ્યાનમાં આવી છે. આમ છતાં ફક્ત દંડ કરવાનો વિચાર થઈ રહ્યો છે.
વ્હીસલ બ્લોઅરે સેબીને ઉદ્દેશીને પહેલો પત્ર લખ્યો હતો અને તેની એક નકલ મનીલાઇફ નામના સામયિકને મોકલી હતી. સેબીએ આ કેસમાં 2017માં એનએસઈ (NSE) તથા 14 વ્યક્તિઓને કારણદર્શક નોટિસ મોકલી હતી. તેમાં એક્સચેન્જના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર્સ – ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણનો સમાવેશ હતો. તેમને નોટિસ મોકલવાનું કારણ એ હતું કે તેઓ એક્સચેન્જમાં કથિત ગેરરીતિઓ થઈ એ સમયે ઉચ્ચ હોદાઓ પર હતા. નોંધનીય છે કે સેબીની નોટિસ આવે તેની પહેલાં જ કેટલાક ઉચ્ચ હોદ્દેદારો 2015 અને 2016માં નોકરી છોડી ગયા હતા. નોટિસ મળ્યા બાદ ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણે જુલાઈ 2017માં કન્સેન્ટ મિકેનિઝમ હેઠળ કેસની પતાવટ કરવાની અરજી સેબીમાં કરી હતી. લાગે છે કે જો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ – CBI) કેસની તપાસ હાથ ધરી ન હોત તો કન્સેન્ટ દ્વારા પતાવટ થઈ પણ ગઈ હોત.
જાણીતા પત્રકાર શાંતનુ ગુહા રેએ ‘ધ ટાર્ગેટ’ નામના પુસ્તકમાં લખ્યા મુજબ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તથા તેમના વિશ્વાસુ સનદી અધિકારી કે. પી. કૃષ્ણન એનએસઈને મદદ કરી રહ્યા હતા અને તેથી જ કૃષ્ણને ધ ટાર્ગેટના મુખ્ય પાત્ર જિજ્ઞેશ શાહ સ્થાપિત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)ની સામે સ્પર્ધામાં પાછળ રહી ગયેલા એક્સચેન્જ – એનસીડેક્સને લાભ કરાવવા માટેની ભલામણ ચિદમ્બરમને મોકલી હતી, જેનો સ્વીકાર થઈ ગયો હતો. નોંધનીય રીતે કૃષ્ણનને કોમોડિટી બજાર સાથે કંઈ લેવાદેવા ન હતું, છતાં તેમણે કોમોડિટી એક્સચેન્જોના બિઝનેસમાં પોતાનું નાક ખોંસ્યું. આ રીતે પી. ચિદમ્બરમ સામે પણ શંકાની સોય તકાઈ છે. વિકિપિડિયામાં કૉ-લૉકેશન કૌભાંડ વિશેના પૅજમાં કહેવાયા મુજબ આ ભૂતપૂર્વ નાણાપ્રધાને વર્ષ 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. નોંધનીય રીતે તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચિદમ્બરમે પોતાના વિશ્વાસુ સી. બી. ભાવેને સેબીના, ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણ તથા અશોક ચાવલાને એનએસઈના અને રમેશ અભિષેકને ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ટોચના હોદ્દા સોંપ્યા. એનએસઈની હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગની સુવિધાનો ઉપયોગ કરીને બ્રોકરોએ ખાસ કરીને વિદેશી સંસ્થાકીય રોકાણકારોને ગેરકાનૂની નાણાં રોકવા માટે મોકળું મેદાન કરી આપ્યું. સેબીએ હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગને લગતી બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને જિજ્ઞેશ શાહ સ્થાપિત એફટી ગ્રુપના સ્ટૉક એક્સચેન્જ – એમસીએક્સ-એસએક્સની ફરિયાદો તરફ દુર્લક્ષ કર્યું.
ભારતમાં હવે તો દરેક જણ જાણે છે કે કોઈ પણ કૌભાંડમાં સત્તાધીશોની મદદથી જ બધા ગોટાળા થયેલા હોય છે. ધ સન્ડે ગાર્ડિયનમાં માધવ નલપતે લખેલા લેખમાં કહેવાયું છે કે હજી સુધી તપાસ ઍજન્સીઓએ ચિદમ્બરમની સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, પરંતુ તેઓ યુપીએ સરકારમાં ઘણા વગદાર હતા એ વાત સાચી છે. તેમની નજીકના અધિકારીઓમાં અરવિંદ માયારામ, કે. પી. કૃષ્ણન, રઘુરામ રાજન, એસ. કે. દાસ, સી. બી. ભાવે, રમેશ અભિષેક, અશોક ચાવલા, ડી. કે. મિત્તલ, અરવિંદ મોદી, યુ. કે. સિંહા, વગેરે સામેલ હતા. સરકારની બહાર તેમની નજીકના લોકોમાં રવિ નારાયણ, ચિત્રા રામકૃષ્ણ, અજય શાહ, વિજય કેળકર, સુસાન થોમસ, સુપ્રભાત લાલા, વગેરેનો સમાવેશ થાય છે.
નાણાં મંત્રાલયના આશીર્વાદ વગર કંઈ કરવું શક્ય નથી એ શું કામ કહી શકાય એની વાતો આવતી કડીમાં…
—————