
જે કેસમાં આશરે 60,000 કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોય એ કેસમાં ફક્ત દંડ ભરીને છૂટવાનું શક્ય છે ખરું? સામાન્ય બુદ્ધિ તો ના પાડે છે, પરંતુ જો દેશની સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા – સેબીની વાત કરીએ તો આ સંસ્થામાં ચાલતી કન્સેન્ટ મિકેનિઝમ નામની વ્યવસ્થા હેઠળ એ શક્ય છે.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના કૉ-લૉકેશન કેસમાં જો ન્યાયતંત્ર વચ્ચે આવ્યું ન હોત તો કદાચ કન્સેન્ટ મિકેનિઝમ મારફતે કેસ રફેદફે થઈ ગયો હોત. મદ્રાસ વડી અદાલતે કન્સેન્ટનો ઉપયોગ કરવા દેવા સામે મનાઈ ફરમાવી હોવાથી અત્યારે સેબીએ આ કેસમાં તપાસ આગળ ચલાવવાનું વલણ અપનાવ્યું છે.
8 એપ્રિલ, 2019ના હિન્દુ બિઝનેસલાઇન અખબારના અહેવાલ મુજબ મદ્રાસ વડી અદાલતના આદેશને અનુલક્ષીને આ કેસમાં પતાવટ કરવા માટેની 19 અરજીઓ સંબંધે વિચારણા પણ હાલ મુલતવી રખાઈ છે. વડી અદાલતે નિયમનકારને કહ્યું હતું કે NSEએ કરેલી કન્સેન્ટની અરજી સંબંધે કોઈ વિચારણા પણ કરવી નહીં અને આદેશ પણ બહાર પાડવો નહીં.
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અગાઉ 9 બાદ હવે બીજા 13 ટ્રેડિંગ મેમ્બર્સ વિરુદ્ધ ફોરેન્સિક ઑડિટ અને તપાસ કરવાનો આદેશ સેબીએ આપ્યો છે.
સેબીએ કૉ-લૉકેશન સંબંધે NSEના 14 અધિકારીઓને કારણદર્શક નોટિસ મોકલી છે. તેમાંથી 13 જણે કન્સેન્ટની અરજી કરી છે, જ્યારે એકનું કહેવું છે કે આ કૌભાંડ બહાર આવ્યા પછી પોતે એક્સચેન્જમાં જોડાયા છે.
કૉ-લૉકેશન કૌભાંડ વિશે એક વ્હીસલ બ્લોઅરે જાન્યુઆરી 2015માં પત્ર દ્વારા જાણ કરી હતી. વ્હીસલ બ્લોઅરે જણાવ્યું હતું કે અમુક ટ્રેડિંગ મેમ્બર્સને બીજાઓ કરતાં પહેલાં ડેટા મળી જતો હતો અને તેઓ એક્સચેન્જના સેકન્ડરી સર્વરનો ઉપયોગ કરીને હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ દ્વારા નફો કરી લેતા હતા. 2010થી 2014ના પાંચ વર્ષના ગાળામાં તેમણે 60,000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હોવાનું અનુમાન છે.
આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને સેબી તથા આવક વેરા ખાતું તપાસ કરી રહ્યા છે. એક્સચેન્જના અને સેબીના કેટલાક અધિકારીઓ તથા બ્રોકરોના માણસો આ કેસમાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે.
એનએસઈએ જાન્યુઆરી 2010માં કૉ-લૉકેશન સેવા પોતાના સભ્યોને આપવાની શરૂઆત કરી હતી. એ મુજબ બ્રોકરો અમુક ફી ચૂકવીને પોતાનાં સર્વર એક્સચેન્જના પરિસરમાં રાખી શકતા હતા. તેને લીધે એક્સચેન્જના ટ્રેડિંગ એન્જિનમાં થતા ખરીદી-વેચાણના સોદાના ડેટા બીજાઓ કરતાં પહેલાં મેળવી શકતા હતા. તેમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ અર્થાત્ ઍલ્ગરિધમિક ટ્રેડિંગનો સાથ મળ્યો અને બ્રોકરો એક સેકંડથી પણ ઓછા સમયમાં એક્સચેન્જમાં હજારો સોદાઓ કરવા સમર્થ બન્યા. રિટેલ રોકાણકારોને ડેટા મળે તેનાથી ઘણા પહેલાં બ્રોકરોને કૉ-લૉકેશન સુવિધા દ્વારા ડેટા મળી જાય અને તેઓ તેનો ઉપયોગ કરીને બીજા તમામ રોકાણકારો કે ટ્રેડરો કરતાં આગળ રહી શકે.
દેશના અગ્રણી ગણાતા એક્સચેન્જમાં આવી અલગ પ્રકારની સેવા શરૂ કરવાની હોય ત્યારે નિયમનકાર પાસેથી અપેક્ષિત છે કે તેઓ તેના વિશે જાહેર ચર્ચા કરાવે અને સંબંધિતોના અભિપ્રાય મગાવે. આમ છતાં, આ કેસમાં એવું કંઈ થયું નથી. જ્યારે આ સુવિધા શરૂ થઈ ત્યારે એનએસઈના મૅનેજિંગ ડિરેક્ટરપદે રવિ નારાયણ હતા અને સેબીના ચેરમેનપદે સી. બી. ભાવે હતા.
આ બન્ને પદ પરની વ્યક્તિનાં નામ લખવાં જરૂરી છે, કારણ કે હવે પછીની ચર્ચામાં તેમનો અનેક વાર ઉલ્લેખ આવશે.
કૉ-લૉકેશન અને એનએસઈ વિશે વધુ વાતો આવતી કડીમાં……..