
લેખકઃ જયેશ ચિતલિયા
ગરીબોં કી સુનો, વો તુમ્હારી સુનેગા…..!
ગરીબોને હજારો રૂપિયા કે લાભો આપવાની જાહેરાતો એટલે ચૂંટણીની મોસમ ચાલતી હોવાનો પુરાવો. આ જાહેરાત કરનારા લોકોને જોઈ એક હિંદી ગીત અવશ્ય યાદ આવે, ”ગરીબોં કી સુનો, વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા…” ગરીબોને હજાર રૂપિયા આપવાની વાત કરી જેઓ કરોડો રૂપિયા કમાઈ લેવાના છે તેમની આ યુક્તિ સામે દરેક નાગરિકના મનમાં ગંભીર સવાલો ઊભા થવા જોઈએ….
આજકાલ દેશમાં ચૂંટણીનો માહોલ હોવાથી ગરીબો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવી રહી છે. દરેક રાજકીય પક્ષને ગરીબોની ચિંતા એવી સતાવે છે કે તેમનું દરેક વચન ગરીબો માટે બહાર આવી રહ્યું છે. દેશના કરોડો ગરીબોને માગ્યા વિના વરસે હજારો રૂપિયા આપી દેવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. એક પક્ષે દર વરસે કેટલા રૂપિયા ગરીબોને તે આપશે એની જાહેરાત પણ કરી દીધી છે. રૂપિયા વાપરવાની વાત એક થઈ, અમુક લોકો રોજગારની પણ ખાતરી આપવા લાગ્યા છે. કરજમાફીની વાતો તો હજી બેફામ ચાલે છે. ચોક્કસ કોમને રાજી કરવા (ખરેખર તો એ કોમના હિતમાં પણ નથી) અનેક પગલાં ભરવાની જે જાહેરાતો થઈ રહી છે એ જોઈએ તો મગજ કામ કરતું બંધ થઈ જાય. જે સાંભળી-વાંચીને આપણું મગજ ચકરાવે ચડી જાય છે એ કામ કરવાના વાયદા આ નેતાઓ કરે છે.
હોંશિયાર પ્રજા તો આ સત્ય સમજે છે, પરંતુ ગરીબ-અશિક્ષિત અને પછાત પ્રજાને કોણ સમજાવશે?
કોને આપ્યા તે તમે રહી ગયા!
આમ તો ચૂંટણીમાં કે એની પહેલાં ગરીબો અને પછાતોની જ બોલબાલા હોય છે (અમીરોની બોલબાલા જુદી રીતે હોય છે). બાકી મધ્યમ વર્ગ તો કાયમ મધ્યમાં જ રહી જાય છે. આ વર્ગ સૌથી મોટો છે, પણ તેની કોઈ વોટ બૅન્ક નથી. તેથી રાજકીય પક્ષો મધ્યમ વર્ગની બહુ ચિંતા કરતા નથી. આ વર્ગ કોઈ એક ધર્મ કે કોઈ એક જ્ઞાતિ-જાતિનો પણ હોતો નથી, જેથી ક્યારેય વોટ માટે આકર્ષણનું કેન્દ્ર બનતો નથી. જો કે, તેમને પણ વાયદાઓ કરાતા રહે છે.
ગરીબો અને ખેડૂતોની સમસ્યા ચૂંટણી સમયે રાષ્ટ્રીય સમસ્યા બની જાય છે. આ લોકોને સહાય કરવાની વાત-વાયદા કરતા લોકો ખરેખર આ માટે નાણાં ક્યાંથી આવશે? કઈ રીતે આવશે? એ ભાગ્યે જ જાણતા-સમજતા હોય છે. તેમને અર્થકારણ સાથે કોઈ લેવાદેવા હોતા નથી, તેમનું લક્ષ્ય માત્ર રાજકારણ હોય છે, કેમ કે તેમને મનમાં તો ખબર જ હોય છે – કોને આપ્યા તે તમે રહી ગયા!
રૂપિયા આપવાથી ગરીબી દૂર ન થાય
સવાલ એ છે કે ગરીબોને દર વરસે હજારો રૂપિયા આપી દેવામાં આવે તો શું ગરીબી દૂર થઈ જાય? ગરીબી આ રીતે દૂર થઈ જ શકે નહીં. કામ કર્યા વિના નાણાં આપવાં એ પ્રજાને પોકળ અને પાયમાલ કરવાની પદ્ધતિ કહેવાય. ગરીબો-પછાતોને રાહત આપી શકાય, સબસિડી આપી શકાય, વધારાની સુવિધા આપી શકાય, પણ તેમને માત્ર નાણાં આપતાં રહેવાથી તેમનો વિકાસ થઈ શકે નહીં, તેઓ કાયમ ગરીબ જ રહે. વેનેઝુએલા જેવા દેશની દશા જગતમાં જાણીતી છે, જેણે પોતાના દેશમાં ગરીબોને નાણાંની લહાણી કરીને દેશની બરબાદી કરી છે તે જગજાહેર છે. ખરેખર તો ગરીબોને હજારો રૂપિયા આપવાને બદલે તેમને રોજગાર આપવાની વાત થવી જોઈએ. તેમને આત્મનિર્ભર બનાવવાનાં કામ થવા જોઈએ. કેટલીય સરકારી યોજના આ હેતુસર ચાલી રહી છે અને લાખો લોકો તેમાં કામ પણ કરે જ છે. તો પછી વોટ માટે નોટ આપવાની આ રાજનીતિ શા માટે ચાલી જાય છે? ગરીબોને હજાર રૂપિયા આપવાની વાત કરનારા પછીથી સત્તા પર આવી કરોડો રૂપિયા કમાવાના હોય છે.
ટૂંકમાં, ગરીબોને નાણાંની આડેધડ લહાણી કરવાથી એક ભયંકર ખોટી પરંપરા ઊભી થઈ શકે છે. જેને લીધે સમાજને-રાષ્ટ્રને ગંભીર નુકશાન થઈ શકે છે.
પ્રત્યેક પાંચ વરસે મામા આવીને ભાણિયાને લૂંટી જાય છે!
એક કાલ્પનિક પ્રસંગ છે, પણ ચૂંટણીના માહોલમાં વાસ્તવિકતાથી જરાક પણ દૂર નહીં લાગે.
એક નદીના ઘાટ પર એક ગામડિયો નાહવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં એક માણસ બૂમો પાડતો આવે છે અને તે ગામડિયાને કહે છે, ”અરે મને નહીં ઓળખ્યો? હું તારો દૂરનો ચંદુમામો.”
પેલો કહે છે, ”મને ઓળખાણ ન પડી.”
મામો કહે છે, ”એ તો હું ઘણાં વરસ પછી આવ્યો ને એટલે તું ભૂલી ગયો હોઈશ.”
ગામડિયો તેની વાત માની લે છે અને પોતાનાં કપડાં ઉતારી નદીમાં નાહવા ઊતરે છે, કારણ કે મામો તેનાં કપડાં સાચવવાનું વચન આપે છે.
થોડીવાર પછી ગામડિયો નદીની બહાર આવીને જુએ છે તો ત્યાં કોઈ હોતું નથી, તેનાં કપડાં લઈને કથિત મામો અદૃશ્ય થઈ ગયો હોય છે.
એ મામો એટલે રાજકારણી અને કપડાં વિનાનો થઈ ગયેલો પેલો ગામડિયો એટલે પ્રજા.
આવા મામા દર પાંચ વરસે આવે છે અને પ્રજાનું ધ્યાન રાખવાનું વચન આપીને લૂંટીને ચાલ્યા જાય છે.
ભાણિયો હવે સમજી જાય એવી આશા રાખીએ.