
ભારતમાં બળાત્કાર અને નાણાકીય કૌભાંડોના કિસ્સાઓ વચ્ચે શું સામ્ય છે? બન્ને પ્રકારના કિસ્સાઓમાં આરોપીઓને સજા થવામાં બહુ વાર લાગે છે અથવા તો પૂરતી સજા થતી નથી. આ જ કારણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ બન્ને પ્રકારના ગુનાઓએ માઝા મૂકી છે.
નાણાકીય ડિફોલ્ટ અત્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, જેવા લોકો નાણાકીય સમસ્યાઓ સર્જીને દેશની બહાર ચાલ્યા ગયા છે. બીજી બાજુ, નૉન પરફોર્મિંગ ઍસેટ્સની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ (IL&FS) જેવા વિશાળ સમૂહે ડિફોલ્ટ કર્યો હોવાથી ભારતમાં અત્યારે પ્રવાહિતાની વિકરાળ સમસ્યા ઊભી થઈ છે. આ ગ્રુપનું કરજ 91,000 કરોડ રૂપિયા જેટલું તોતિંગ છે.
દેશની અગ્રણી ICICI બૅન્કના કેસમાં પણ પારિવારિક હિત માટે બૅન્કના મોભીએ નબળી કંપનીને લોન આપી અને તેને કારણે નીતિમત્તાનો પ્રશ્ન ખડો થયો. તાજેતરના અહેવાલ મુજબ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) આ બૅન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને જેમને લોન મળી હતી એ વિડિયોકોન કંપનીના સ્થાપક વેણુગોપાલ ધૂત વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યાં છે, જેથી તેઓ દેશની બહાર જઈ શકે નહીં.
નાણાકીય કૌભાંડોની વાત આવે ત્યારે જેને સૌથી મોટું નાણાકીય કૌભાંડ કહેવાયું હતું એવી એનએસઈએલ (NSEL – નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પૅમેન્ટ કટોકટીનો ઉલ્લેખ કર્યા વગર રહેવાય નહીં. જુલાઈ 2013માં સર્જાયેલી આ નાણાકીય કટોકટીના કેસમાં ડિફોલ્ટરોની સામે કોઈ જ કાર્યવાહી નહીં થઈ હોવાનું પરિણામ એ આવ્યું છે કે હવે દેશમાં ડિફોલ્ટર કરવો એ જાણે રમત વાત થઈ ગઈ છે.
હાલમાં પ્રગટ થયેલી વિગતો મુજબ NSELના કિસ્સામાં નાણાં મંત્રાલયની સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (SFIO) તપાસ પૂરી કરીને આપેલા અહેવાલમાં ડિફોલ્ટરોની બાબતે આશ્ચર્યજનક વિગતો જણાવવામાં આવી છે. ડિફોલ્ટરો કઈ રીતે કાયદાને ગણકારતા નથી એનું જ્વલંત ઉદાહરણ NSELનો કિસ્સો છે.
SFIOના અહેવાલ અનુસાર આ કેસમાં 22 ડિફોલ્ટરો છે, પરંતુ બધાએ તપાસનીશ સત્તાને પોતાનાં અકાઉન્ટ્સ અને વાઉચર્સ બતાવ્યાં નથી. તેમની લાયેબિલિટી 5,600 કરોડ રૂપિયાની હોવાનું પણ તપાસનીશ સત્તાને જોવા મળ્યું છે. NSELમાં ટ્રેડિંગ કરી ચૂકેલા ટ્રેડિંગ ક્લાયન્ટ્સનાં બધાં નાણાં આ 22 ડિફોલ્ટરો પાસે છે અને તેમણે તેનો ઉપયોગ પોતાની બૅન્ક લોન ચૂકવવા, વર્કિંગ કૅપિટલ માટે, જૂના બિઝનેસની ખોટ સરભર કરવા, રિયલ એસ્ટેટ તથા લક્ઝરી કાર ખરીદવામાં વાપર્યાં હતાં. પાંચ વર્ષથી થઈ રહેલી તપાસમાં ચોખ્ખેચોખ્ખું જોવા મળ્યું છે કે ડિફોલ્ટરોએ NSELના ટ્રેડિંગ ક્લાયન્ટ્સનાં નાણાં પોતાની કંપનીઓ તથા સંબંધિત વ્યક્તિઓ સુધી ડાઇવર્ટ કર્યાં હતાં.
NSELની કટોકટી જાહેર થયા બાદ તરત જ તત્કાલીન નિયમનકાર ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (FMC) સમક્ષ ડિફોલ્ટરોએ કબૂલ કર્યું હતું કે તેમણે 5,600 કરોડ રૂપિયા ચૂકવવાનાં નીકળે છે. આ નાણાં તેઓ કેવી રીતે પાછાં વાળશે એનો પ્લાન પણ તેમણે FMCને સુપરત કર્યો હતો.
આટલું દીવા જેવું સ્પષ્ટ હતું, છતાં આજે પાંચ વર્ષ બાદ શું ચિત્ર છે? ડિફોલ્ટરો હજી સુધી કાયદાથી પર રહ્યા છે. આ દેશના કાયદા જાણે તેમના માટે બન્યા જ નથી એવું દેખાઈ રહ્યું છે.
ડિફોલ્ટરોએ છેતરપિંડી અને દગાખોરી કરી હતી, હિસાબના ચોપડામાં ગરબડ કરી હતી, અનેક ઠેકાણે હિસાબ બરોબર રાખ્યો ન હતો તથા કંપનીઝ ઍક્ટની કલમો હેઠળ અનેક ચૂક કરી હતી. આથી તેમની વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને કંપનીઝ ઍક્ટની અનેક કલમો હેઠળ ખટલો ચલાવવો જોઈએ, એવું SFIOના અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 17 ડિફોલ્ટિંગ કંપનીઓ બંધ કરાવવાની, તેમની વિરુદ્ધ આવક વેરા ધારો, કાળાં નાણાંવિરોધી કાયદો અને બેનામી પ્રોપર્ટીવિરોધી કાયદા હેઠળ કામ ચલાવવું જોઈએ એવી ભલામણ પણ કરવામાં આવી છે.
ડિફોલ્ટરોએ પોતાની લાયેબિલિટી સ્વીકારી લીધી હોવા છતાં આટલાં વર્ષો બાદ હજી પણ તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી માટેની ભલામણ જ થઈ રહી છે એ બાબત દેશવાસીઓ માટે આઘાતજનક નહીં તો બીજું શું છે?
————