રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ, રાજકારણ…………..
એકનો એક શબ્દ વારંવાર વાંચીને પણ ત્રાસ છૂટતો હોય તો સતત રમાતા રાજકારણથી કેટલી તકલીફ થાય એ વિચારી જુઓ.
પુલવામામાં આતંકવાદી હુમલામાં મોટી સંખ્યામાં સૈનિકો શહીદ થયા અને તરત જ રાજકારણ ચાલુ. ભાંગ્યો પાપડ પણ તોડી નહીં શકનારા અથવા ઘરમાં જમવા બેસે ત્યારે પોતાનો ગ્લાસ પણ ભરીને નહીં બેસનારાઓ આ હુમલાની ઘટના બાદ 56ની છાતીને પડકારવા લાગ્યા. પછીથી જનતાનો રોષ જોઈને બોલવા લાગ્યા કે અમે સરકારની અને સલામતી દળોની સાથે છીએ.
પુલવામા હુમલા વિશે જે વાંચ્યું-વિચાર્યું તેના પરથી અત્યારે તો એમ જ લાગે છે કે ભારતને વિદેશી દુશ્મનોથી નહીં, પણ અંદરના લોકોથી જ ખતરો વધારે છે. ઇતિહાસ આ વાતનો સાક્ષી છે અને ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે.
આ દેશનો રાજકારણી સત્તા હાંસલ કરવા માટે સામ-દામ-દંડ-ભેદ એ બધાનો એકસામટો ઉપયોગ કરી શકે એટલો બિહામણો છે. પુલવામા ઘટના સંબંધે ચર્ચા કરવી હોય તો ઢગલાબંધ મુદ્દાઓ છે, પરંતુ આ સમય ચર્ચા કરવાનો નહીં, દેશની એકતા ટકાવી રાખવાનો અને દેશદ્રોહી તત્ત્વોને વીણી-વીણીને સખતમાં સખત સજા કરવાનો છે.
આતંકવાદી હુમલા થયા બાદ તેનો આકરો જવાબ આપવો જોઈએ, દુશ્મન દેશને ખતમ કરી દેવો જોઈએ, સરકારે શું કરવું જોઈએ એ બધા વિશે ઘણું બધું જોવા-સાંભળવા મળશે, પરંતુ જ્યાં સુધી દેશનો એકેએક નાગરિક પોતાનું કામ જવાબદારીપૂર્વક અને નીતિપૂર્વક નહીં કરે ત્યાં સુધી બધાં વાતોનાં વડાં જ રહેશે.
‘ઉરી’ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળ્યો એ જોઈને હાલનો સત્તાધારી પક્ષ ફરીથી સત્તા પર આવી જશે એવી ભીતિ હોવાથી કેટલાંક અનિષ્ટ તત્ત્વોએ પુલવામામાં હુમલો કરાવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મુદ્દો પણ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક ગંદું રાજકારણ ખેલાયું છે.
દેશને દિવસ-રાત ચૂસી લેવાનું કામ કરનારા રાજકારણીઓના કાફલા પસાર થતા હોય ત્યારે એક ચકલુંય ફરકી ન શકે, પણ દેશની રક્ષા કરનારા સેંકડો સૈનિકોની અવરજવરના માર્ગ પર અચાનક એક વાહન આવીને લોહિયાળ આતંક સર્જી જાય એ વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
પત્રકારો સારી રીતે જાણે છે કે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન જેવા મહાનુભાવો ક્યાંય પણ જવાના હોય તો તેમના પ્રવાસની ઝીણામાં ઝીણી વિગતો સલામતીરક્ષક ઍજન્સીઓ પાસે હોય છે અને તેમાં ક્યાંય કોઈ ચૂક ચલાવી લેવાતી નથી. રાજકારણીઓ પર ક્યારેક શાહીથી, તો ક્યારેક પગરખાથી પ્રહાર કરવાની ઘટના બને છે, કારણ કે તેમના સુધી કોઈ શસ્ત્રધારી પહોંચી શકતો નથી. આથી જ અહીં વિચાર એ આવે છે કે સેંકડોની સંખ્યામાં સૈનિકોનો કાફલો જઈ રહ્યો હોય ત્યારે કોઈ ઇન્ટેલિજન્સ ઍજન્સી એ માર્ગ વિશે માહિતી પૂરી પાડે છે કે નહીં? નિઃશસ્ત્ર રાજકારણીઓ સુરક્ષિત રહી શકે છે, પણ અદ્યતન શસ્ત્રો ધરાવતા સૈનિકોએ શહીદી વહોરી લેવી પડે છે એવું કેમ? અહીં રાજકારણીઓ સુધી શસ્ત્રધારી પહોંચાડવાનો નહીં, પણ સૈનિકોની અને દેશની સુરક્ષા માટે આવશ્યક પગલાં ભરવાનો મુદ્દો છે.
આતંકવાદ એ ઘણી જ મોટી સમસ્યા છે. એકાદ-બે હુમલા કરી લેવાથી તેનો અંત નહીં આવે. લાંબા ગાળાનું આયોજન કરીને તેનો અંત લાવવાની જરૂર છે. એ કરવા માટે દેશહિતના પ્રશ્નોમાંથી રાજકારણનો અંત લાવવાની જરૂર છે.
————————————-
પુલવામામાં આતંકવાદી હુમલો: આપણે સૌએ શું કરવું, શું ન કરવું (સૌજન્યઃ સૌરભ શાહ)
ન્યુઝવ્યુઝઃ સૌરભ શાહ
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯
રિવેન્જ ઈઝ અ ડિશ બેસ્ટ સર્વ્ડ કોલ્ડ. મારિયો પુઝોની ‘ગૉડફાધર’ નવલકથાએ આ ઈટાલિયન કહેવતને વર્લ્ડ ફેમસ કરી. વેરની વસૂલાત ઠંડે કલેજે કરવાની હોય.
અત્યારે આ વખત નથી જિંગોઈઝમનો, આ વખત નથી આક્રોશની બેજવાબદારીભરી અભિવ્યક્તિનો, અત્યારે વખત નથી વડા પ્રધાનને સલાહ આપવાનો કે સર્જિકલ સ્ટ્રાઈક કરો, ૩૭૦ હટાવી દો, ઓપન વૉર ડિક્લેર કરો. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ કહીને પ્રાઈમ મિનિસ્ટર ઑફ ઈન્ડિયાને સલાહ આપવાની આપણી કોઈ હેસિયત નથી. મોદી જાણે છે કે શું કરવું, નહીં જાણતા હોય તો એમની પાસે નૅશનલ સિક્યુરિટી ઍડ્વાઈઝર અજિત દોભાલ સહિતના ડઝનબંધ નિષ્ણાત, અનુભવી અને રાષ્ટ્રપ્રેમી સલાહકારો છે. આપણે કેટલું જાણીએ છીએ ડિફેન્સ સ્ટ્રેટજી વિશે. ઘરમાં રસોડામાં ટિંડોળાનું શાક બનતું હોય ત્યારે એમાં કેટલો ગોળ પડે એની જેઓને ગતાગમ નથી એ લોકો મંડી પડયા છે દેશના વડા પ્રધાનને સલાહ આપવા: સર્જિકલ સ્ટ્રાઈક કરો, યુદ્ધ કરો.
પાકિસ્તાન હવે જાણે છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. આ વખતે પાકિસ્તાનની પૂરેપુરી તૈયારી હશે. ભારત સર્જિકલ સ્ટ્રાઈક કરે એવી ઉશ્કેરણી કરવા માટે પણ આ હુમલાનું આયોજન થયું હોઈ શકે છે, જેથી આ વખતે એલ.ઓ.સી. પાર કરનારા ભારતીય જવાનોને પોતાના છટકામાં સપડાવીને તેઓ પાછા ભારતભેગા ન થાય એવી રીતે એમને ટૅકલ કરવા. આવું પ્લાનિંગ હોઈ શકે છે. મોદી અને દોભાલ શું આ વાતની કલ્પના નહીં કરી શકતા હોય એવું તમે માનો છો?
ખુલ્લેઆમ યુદ્ધ જાહેર કરવું શક્ય નથી. અમેરિકામાં કોઈ મેઈડ ઈન ઈન્ડિયા ચંપલ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ફેંકે તો એ માટે ભારત જવાબદાર છે એવું ન કહી શકાય.
આતંકવાદીઓ પાસે પાકિસ્તાનના માર્કાવાળા હથિયાર કે અન્ય ચીજવસ્તુઓ મળે એનાથી એ પુરવાર ન થઈ જાય કે આતંકવાદીઓને પાકિસ્તાન સરકારનો ટેકો છે.
પાકિસ્તાની શાસકો અને લશ્કરી સત્તાવાળાઓ તો પાગલ છે. ભારત સામે પોતાની રક્ષા કરવાના બહાના હેઠળ મિસાઈલથી અણુ બૉમ્બ છોડી નાખે. નાગાને નહાવું શું અને નીચોવવું શું. પોતે તો આમેય બરબાદ થયેલું રાષ્ટ્ર છે. ભારતને ગંભીર નુકસાન કરવાની તમન્ના પૂરી પાડવાની તક પાકિસ્તાનને તાસકમાં મૂકી આપવાની મૂર્ખામી નરેન્દ્ર મોદી ન કરે.
મોદી સ્ટ્રેટેજીના માણસ છે. અને રણનીતિઓ ઠંડે કલેજે ઘડાતી હોય છે. અમેરિકા અને ચીન બેઉ ભારતના દોસ્તાર છે. અમેરિકા ઘણે બધે અંશે હવે પાકિસ્તાનની ખિલાફ છે. ચીન અત્યારે ભારત અને પાકિસ્તાન બેઉને વારાફરતી રમાડે છે. પણ વિશ્વના મોટા ભાગનાં રાષ્ટ્રો ભારતનું કહ્યું માનતા થઈ ગયા છે. આમાં સાઉદી અરેબિયા જેવા ઈસ્લામિક રાષ્ટ્રો પણ આવી ગયાં. આતંકવાદના મુદ્દે યુનો આપણે જે કહીએ તે કરવા તૈયાર છે. આ બધાનો મતલબ એ કે યુદ્ધ જાહેર કર્યા વિના ભારત રાજકીય,આર્થિક તેમ જ લશ્કરીય રીતે પાકીસ્તાનને સીધું દોર કરી શકે એમ છે.
કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીને બોલાવીને મોદી ભવિષ્યમાં કેવાં પગલાં લેવાં એ વિશે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. એમના પર આપણે પ્રેશર ન લાવીએ. એમને એમનું કામ કરવા દઈએ. આપણે ટિંડોળાના શાકમાં ગોળ નાખતાં શીખીએ.
ખંધાર અપહરણ યાદ છે? મને બરાબર યાદ છે. ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના શુક્રવારે કાઠમંડુથી દિલ્હી જવા ઉપડેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર આઈસી વનએઈટફોરનું અપહરણ કરીને એને અમૃતસર, લાહોર, દુબઈ જેવાં લોકેશન્સ પર લઈ ગયા પછી અફઘાનિસ્તાનમાં ખંધાર ઍરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. વિમાનમાં ૧૫ ક્રુ મેમ્બર્સ સહિત ૧૭૩ પેસેન્જર્સ અને ૩ અપહરણકર્તા હતા. આમાથી ૨૭ પેસેન્જર્સને દુબઈમાં છોડી મૂકવામાં આવ્યા પણ એમાંના ઘણા પર છુરીથી હુમલો કરવામાં આવ્યો. કેટલાક ગંભીર રીતે જખ્મી થયા, એક પેસેન્જરનું મોત થયું.
બાકીના મુસાફરોના ભારત સ્થિત સગાંવહાલાઓએ કાગારોળ મચાવી કે અમારા સગાને હેમખેમ ભારત પાછા લાવો. મીડિયાએ આ કાગારોળને લાઉડસ્પીકર આપ્યું. વાજપેયી સરકાર ભારે પ્રેશર હેઠળ આવી ગઈ. જનાક્રોશ ભભુકી ઉઠશે તો દેશમાં પરિસ્થિતિ બેકાબુ બની જશે એવી દહેશતથી સરકારે શરણાગતિ સ્વીકારી લીધી. રક્ષામંત્રી જસવંતસિંહ ભારતની જેલમાં સબડતા ત્રણ ખૂંખાર આતંકવાદીઓને વાજતેગાજતે પોતાની સાથે ખંધાર લઈ ગયા અને એમના બદલામાં બાકીના ક્રુ વત્તા પેસેન્જરોને છોડાવી લાવ્યા. કોણ હતા એ ત્રણ આતંકવાદીઓ? યાદ કરો?
પુલવામામાં ૧૦૦ કિલોથી વધુ સ્ફોટક સામગ્રીની એસયુવીથી આત્મઘાતી હુમલો કરીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ૪૦થી વધુ જવાનોનો જાન લેવાનું જેણે કાવતરું ઘડ્યું તે, જૈશ-એ-મોહમ્મદનો લીડર મૌલાના મસૂદ અઝહર, જેણે ૨૦૦૧માં દિલ્હીમાં પાર્લામેન્ટ પર હુમલો કરાવ્યો હતો.
બીજો અહમદ ઉમર સઈદ શેખ, જેણે ડેનિયલ પર્લ નામના વૉલ સ્ટ્રીટ જર્નલ દૈનિકના ઈઝરાઈલી પત્રકારનું અપહરણ કરીને ખૂન કરાવ્યું.
અને ત્રીજો મુશ્તાક અહમદ ઝર્ગર, જે પીઓકેમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાનું કામ કરતો હતો.
મસૂદ અઝહરને સરકારે પ્રજાના દબાણ હેઠળ આવીને છોડી મૂક્યો ન હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત. માટે જ અત્યારે વખત નથી મોદીને સલાહ આપવાનો. વેવલી કવિતાઓ કે વાયડા વૉટ્સએપ મેસેજીસને ફોરવર્ડ કરવાની પ્રવૃત્તિ બંધ કરીએ. મનોમન શહીદોના આત્માની સદ્ગતિ માટે પ્રાર્થના કરીએ અને જો ખરેખર દેશદાઝ વ્યક્ત કરવી હોય તો એમનાં કુટુંબીઓ પાસે જઈને એમને ભરપૂર આર્થિક મદદ કરીને સાંત્વન આપીએ કે અમે તનમનધનથી શહીદોના પરિવારજનો સાથે છીએ. આવું કરવાની ત્રેવડ કે દાનત કે સગવડ ન હોય તો સમજી શકાય એમ છે. ઈન ધૅટ કેસ ચૂપ રહીએ. મોદીને એમનું કામ કરવા દઈએ. બાકી, અત્યારે આપણે સૌ જે કરી રહ્યા છીએ તે કંઈ દેશદાઝ વ્યક્ત કરવાનો સહી તરીકો નથી.
જયહિંદ.
આ જ લેખ તમે નીચે આપેલી લિન્ક પર પણ વાંચી શકો છો:
https://www.newspremi.com/gujarati/pulwama-attack/
————————————————
WhatsApp Group : 9004099112
Facebook – http://www.fb.me/saurabh.a.shah
Telegram – https://t.me/saurabhshahgoodmorning
Email – hisaurabhshah@gmail.com
News portal – http://www.newspremi.com
order books online – BookPratha- http://bit.ly/bookpratha or DhoomKharidi- http://bit.ly/dhoomkharidi or BookShelf- https://bit.ly/2InV9s7
© Saurabh Shah
————————————-
પુલવામા આતંકી હુમલોઃ શહીદો માટે આપણે શું કરી શકીએ? (સૌજન્યઃ હર્ષલ પુષ્કર્ણા)
–Harshal Pushkarna
આ લખી રહ્યો છું ત્યારે આંખો ભીની છે, હ્યદય ગમગીનીમાં ડૂબેલું છે, ક્રોધની જવાળા ભભૂકી રહી છે, ભારત તરફથી કડક જવાબી કાર્યવાહી થાય તેવી ઝંખના સતત ઉછાળા મારી રહી છે…
…પણ આ તમામ લાગણીઓ વચ્ચે સ્વસ્થ-સાબૂત મને એક સંદેશ અથવા તો એક દિશારાહ આ વાંચનાર સૌ કોઈને આપવી છે.
કાશ્મીરમાં (કે પછી ભારતના કોઇ અન્ય સ્થળે) આતંકવાદી હુમલો થાય એટલે પ્રજા તરીકે આપણે સરકારોના તથા ઈન્ટેલિજન્સ ખાતાના માથે આકરા શાબ્દિક પ્રહારો શરૂ કરી દઈએ છીએ. સરકાર આમ નથી કરતી અગર તો તેણે આમ કરવું જોઇએ એવા સૂઝાવો ખુરશી-સોફામાં બેઠા બેઠા આપણે બહુ સહજ રીતે આપતા હોઇએ છીએ. રાષ્ટ્રવાદની જ્વાળા એકાએક સળગવા માંડી હોય તેમ શહીદ જવાનોને સલામી આપતા સંદેશા એકમેકને આંગળીના ટેરવે ફોરવર્ડ કરીને એક હિંદુસ્તાની હોવાનો ગર્વ (કે જાણતા અજાણતા દેખાડો) કરી લઇએ છીએ.
આજે સવારથી મને પણ ઘણા ફોરવર્ડેડ સંદેશા મળ્યા ત્યારે મનમાં સહજ વિચાર આવ્યો કે આપણી રાષ્ટ્રભક્તિ આપણા જવાનોનું લોહી રેડાય ત્યારે જ શા માટે જાગ્રત થાય છે? અને તે પણ અમુક કલાકો પુરતી? એકાદ દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જાય છે?
દેશવાસીઓમાં દેશના પ્રહરીઓ માટે (સિપાહીઓ માટે) આદર-પ્રેમ હંમેશાં રહે અને રાષ્ટ્રપ્રેમ અખંડ જ્યોતની જેમ સતત કાયમ રહે એ ખાતર #SiachenAwarenessDrive (www.siachenawarenessdrive.org) અંતર્ગત હું ઠેર ઠેર ફરીને વિના મૂલ્યે કાર્યક્રમો કરતો હોઉં છું.
આજે આવો કોઇ કાર્યક્રમ નથી. રખે હોત તો તેમાં એક સંદેશ જરૂર આપત કે, પુલમાવા આતંકી હુમલા બદલ સરકારો પર દોષના ટોપલા નાખવાને બદલે કેટલાક સવાલ ખુદને પૂછી જુઓઃ
દેશના સિપાહીઓ માટે મેં પોતે શું કર્યું છે?
સરકાર તેનું કામ કરશે. આપણે તેને આપણો અવાજ (સૂઝાવો, ક્રોધ વગેરે) જરૂર પહોંચાડી શકીએ અને લોકશાહીમાં એમ કરવું ખોટું પણ નથી. પરંતુ વાત આટલેથી અટકે તે યોગ્ય નથી. આગુ સે ચલી આતી દોષારોપણની ઘરેડમાંથી હવે જરા બહાર નીકળીએ?
જવાબ ‘હા’ હોય તો એક સૂઝાવ રજૂ કરું છું.
પુલવામામાં શહીદ થયેલા CRPFના 37 જવાનોની નામાવલિ આપી છે. આ શહીદો માટે શ્રદ્ધાંજલિના ફોરવર્ડડેડ સંદેશા સોશ્યલ મિડિયામાં ફરતા કરવાને બદલે શક્ય હોય તો તેમના પરિવારજનોને (થોડા દિવસો પછી) રૂબરૂ જઈને મળો. સાથે યથાશક્તિ થોડીક રકમ લેતા જાવ. શહીદની વિધવા પત્નીના હાથમાં તે રકમ મૂકો. એક ભારતીય નાગરિક તરીકે તે કરવા જેવું કર્મ છે તેમ રાષ્ટ્રધર્મ પણ છે.
શહીદ સૈૈનિકના પરિવારનું સરનામું નીચેની કચેરીથી (થોડા દિવસો પછી) ઇ-મેલ કરીને યા ટપાલ લખીને મળી શકશે.
Directorate General
Central Reserve Police Force,
Block No.-1, C.G.O. Complex,
Lodhi Road, New Delhi-110 003
E-mail : igadm.crpf.gov.in
મારા દેશનો દરેક સૈનિક મારો હિરો છે, મારો આપ્તજન છે. આજે એકસામાટાં ૩૭ આપ્તજનોને ગુમાવી દીધાના શોકમાં મારે ત્યાં રસોઇનો ચૂલો ચેતશે નહિ.
Harshal Pushkarna
http://www.siachenawarenessdrive.org
————————————-