- ગુનેગારોને ભાવતું મળી જાય એવો સત્તાવાળાઓનો વ્યવહાર
- નામ-ઠામ જાહેર હોવા છતાં NSEL કેસમાં બચી ગયા છે ડિફોલ્ટરો-બ્રોકરો
ભારતમાં કાળાં નાણાંના દૂષણને નાથવા માટે છેલ્લાં કેટલાંય વર્ષોથી જાણે અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ આ ગેરરીતિ અનેક કિસ્સાઓમાં વર્ષોથી બેધડક ચાલી રહી છે. આવક વેરા ખાતાએ કાળું નાણું પકડ્યાના ઢગલાબંધ કિસ્સાઓ બનવા છતાં બધા કિસ્સા ક્યાં રફેદફે થઈ જાય છે તેની ખબર નથી પડતી. તેનું એક જ કારણ છે અને એ છે કે તપાસ વર્ષો સુધી ચાલ્યા કરે છે અને ખરા ગુનેગારોને ઉની આંચ પણ આવતી નથી.
હજી સોમવારે એટલે કે 10મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આવક વેરા ખાતાએ આશરે 20,000 કરોડ રૂપિયા મૂલ્યનાં મની લૉન્ડરિંગ અને હવાલાના કામકાજનો પર્દાફાશ કર્યો છે, પરંતુ પહેલા જ દિવસથી આ કેસની તપાસ વિશે શંકા જાગે એવું કામ થયું છે.
અખબારોમાં મોટા મથાળે આ કાર્યવાહીના અહેવાલો આવ્યા છે, પરંતુ ખાતાએ જે ત્રણ ગ્રુપની વિરુદ્ધ કાર્યવાહી થઈ છે તેમનાં નામ જાહેર કર્યાં નથી. આ કિસ્સામાં હવાલા, બોગસ બિલિંગ અને શેરના ગેરકાયદે વ્યવહારો થયેલા જોવા મળ્યા છે. આ બધા કાળા ધંધા કરવા માટે બનાવટી બિલો બનાવાયાં હતાં, ડઝનેક બનાવટી કંપનીઓ રચવામાં આવી હતી અને શેરના વેચાણ દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સના બનાવટી દાવા કરવામાં આવ્યા હતા.
અખબારી અહેવાલોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે આવક વેરા ખાતાએ આરોપીઓનાં નામ જાહેર કર્યાં નથી. નાના ચોરને પકડી લેવાય ત્યારે પણ તેમનાં નામ-ઠામ જાહેર થાય છે, તો પછી દિલ્હીના આ કૌભાંડમાં નામ નહીં જણાવવા પાછળનું કારણ શું?
દેશની નાણાકીય માર્કેટમાં ઉંડે સુધી સડો વ્યાપી ગયો હોવાનું ઉક્ત કૌભાંડ દ્વારા ફરી એક વખત સ્પષ્ટ થઈ રહ્યું છે. અહીં NSEL (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)નું પ્રકરણ યાદ આવ્યા વગર રહેતું નથી. આ કેસ યાદ આવવાનાં પણ અનેક કારણો છે. તેમાં જે રીતે કાર્યવાહી થઈ છે એવાં પગલાં બીજા કોઈ કિસ્સામાં લેવાયા હોવાનું દેખાતું નથી. તપાસ ઍજન્સીઓએ નામ લીધા પછી પણ બ્રોકરો અને ડિફોલ્ટરો વિરુદ્ધ કાર્યવાહી થતી ન હોય તો દેખીતી વાત છે કે ખોટું કામ કરનારાઓને ભાવતું મળી જાય છે.
NSEL કેસમાં બ્રોકરો અને ડિફોલ્ટરોએ ગેરરીતિઓ અપનાવી હોવાનું સ્પષ્ટ હોવા છતાં દ્વેષપૂર્ણ કાર્યવાહીમાં એ એક્સચેન્જની સ્થાપક કંપની FTIL (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ)ની સામે જ નિશાન તાંકવામાં આવ્યું. તેને કારણે ડિફોલ્ટરો અને બ્રોકરોને બખ્ખાં થઈ ગયાં.
NSELમાં બ્રોકરો ગ્રાહકોને ઉંચા વળતરની લાલચે ટ્રેડિંગ કરવા ખેંચી લાવ્યા અને ડિફોલ્ટરો લોકોનાં નાણાં લઈને ભાગી ગયા એવું તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ ઘટના બન્યાનાં પાંચ વર્ષ પછી પણ એ બન્નેમાંથી કોઈને સજા થઈ નથી. બીજી બાજુ, આ કેસમાં એક્સચેન્જ ચલાવવા બદલ કંપનીને અને તેના પ્રમોટરોને દોષિત ગણીને તેમની પાસેથી ગ્રુપ કંપનીઓમાંનો સ્ટેક વેચાવી દેવાયો છે અને તેમને નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરવામાં આવ્યા છે. બ્રોકરો અને ડિફોલ્ટરોની સામે ફક્ત દેખાડવા માટે કાર્યવાહીનું નામ લેવામાં આવી રહ્યું છે. બ્રોકરોને નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરવાની વાતો થઈ, પરંતુ હવે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા માત્ર તેમની પાસેથી બ્રોકરેજની કેટલી રકમ લીધી હતી તેની વિગતો માગી રહી છે.
નાણાં ખાતાના ભૂતપૂર્વ પ્રધાન અર્જુન રામ મેઘવાળે સંસદમાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે NSEL કેસનાં નાણાં 24 ડિફોલ્ટરોની પાસે ગયાં હતાં. આમ છતાં, ડિફોલ્ટરોની સામે કાર્યવાહીનું નામોનિશાન અત્યારે જોવા મળતું નથી.
માત્ર એકને જ જવાબદાર કેમ ગણવામાં આવે છે?
NSELના કોન્ટ્રેક્ટ તો ગ્રાહકસંબંધી બાબતોના મંત્રાલયે 5 જૂન, 2007ના રોજ બહાર પાડેલા ગેઝેટ નોટિફિકેશન અનુસાર ઘડવામાં આવ્યા હતા. એ કોન્ટ્રેક્ટ ગેરકાનૂની હતા એવો કોઈ ચુકાદો આવ્યો નથી. વળી, એક્સચેન્જે વારંવાર તેના બ્રોકરોને સર્ક્યુલર મારફતે કહ્યું હતું કે તેમણે કોઈ પણ ગ્રાહકને ઉંચા વળતરની લાલચ આપવી નહીં. આમ, જો એક્સચેન્જના કોન્ટ્રેક્ટમાં ગરબડ ન હતી તો ક્યાં હતી એ એક સવાલ છે. ધારો કે એમ માની લઈએ કે કોન્ટ્રેક્ટ ગેરકાનૂની હતા, તો એક્સચેન્જની સાથે સાથે નિયમનકાર અર્થાત્ ફોરવર્ડ માર્કેટ્સ કમિશન, બ્રોકરો (જેઓ કાનૂની અને કાયદાપાલન ખાતાં ધરાવે છે), ટ્રેડરો (જેઓ હવે સહાનુભૂતિ મેળવવા તથા સત્તાવાળાઓને ગેરમાર્ગે દોરવા પોતાને રોકાણકાર કહેવડાવી રહ્યા છે) અને ડિફોલ્ટરો (જેઓ નાણાં લઈને બેઠાં છે અને પાછાં વાળવાનું નામ લેતા નથી) એ બધા જ લોકો આરોપી ગણાય. જો આવું જ હોય તો કાયદાની દૃષ્ટિએ બધા સાથે સમાન વ્યવહાર થવો જોઈએ.
કાયદાની નજરમાં બધા સમાન હોવાથી હવે બધા દોષિતો સામે જ કાર્યવાહી થાય, કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહ કામ કરી ન જાય એ જરૂરી છે. અત્યારે તો ફક્ત એક્સચેન્જ અને તેના સ્થાપકો વિરુદ્ધ કાર્યવાહી ચાલતી દેખાઈ રહી છે. આ કામ હવે માત્ર ન્યાયતંત્ર સુધારી શકે છે.
——————