પોતાનાં લક્ષ્યો હાંસલ કરવા માટે ક્યારેક માણસ “If you cannot convince them, confuse them” એવી ચાલબાજીનો ઉપયોગ કરે છે. “If you cannot convince them, confuse them” એ કોણે કહ્યું એના વિશે આપણે ચર્ચા કરવા બેસીશું તો આપણે જે વાત કરવાના છીએ એ ભુલાઈ જશે. આથી મૂળ મુદ્દા પર આવીએ.
આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે 4 ફેબ્રુઆરી, 2019ના રોજ બપોરે 1 વાગ્યા સુધીમાં આવેલા સમાચાર મુજબ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મોકૂફ રખાઈ છે. 3 ફેબ્રુઆરીના રોજ સીબીઆઇની ટુકડી શારદા ચિટ ફંડ અને રોઝ વેલી ચિટ ફંડ કેસ સંબંધે તેને સોંપવામાં આવેલી તપાસ સંબંધે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારના સત્તાવાર બંગલે પહોંચી ત્યારે તેને અંદર જતાં અટકાવવામાં આવી હતી.
સીબીઆઇએ શું કરવું જોઈતું હતું અને પોલીસે શું કર્યું એ બાબતે અત્યારે દેશ આખામાં ચર્ચા ચાલી રહી છે. એ એટલે સુધી કે સંસદનાં બન્ને ગૃહોમાં પણ આ પ્રશ્ન ઉઠાવાયો અને સમગ્ર દેશ સામેના આ સળગતા પ્રશ્ને ગૃહ પણ સળગી ઉઠતાં સંબંધિત અધ્યક્ષે કાર્યવાહી મોકૂફ રાખવી પડી.
બીજી બાજુ, કોલકાતામાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ પ્રશ્ન દેશની રક્ષાનો હોય એ રીતે ‘સેવ ઇન્ડિયા’ લખેલા બેનર સાથે ધરણાં કર્યાં છે. તેમણે પોલીસના સમર્થનમાં અને તપાસ કરવા આવેલી સીબીઆઇની ટુકડીના વિરોધમાં ધરણા શરૂ કર્યા છે. તેમને અનેક રાજકીય પક્ષોએ સાથ આપ્યો છે.

દરમિયાન, રાજીવકુમારે શારદા ચિટ ફંડ કેસની તપાસમાં સહકાર આપવો જોઈએ એવી દાદ માગતી સીબીઆઇની અરજી પર 5 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવાનું સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળની કોઈ પણ ઑથોરિટી કે કોઈ પણ પોલીસ અધિકારી ચિટ ફંડ કૌભાંડ સાથે ચેડાં કરી રહ્યા હોવાનો એક પણ પુરાવો કે સામગ્રી સીબીઆઇ દર્શાવશે તો અદાલત તેમના પર એટલી આકરી થશે કે તેમને પોતાના કર્યા પર અફસોસ થશે. તેમણે તમામ સામગ્રી કે પુરાવો સોગંદનામા દ્વારા રજૂ કરવાનો હુકમ કર્યો છે.
સીબીઆઇએ સર્વોપરી અદાલતના કહેવાથી જ આ કેસમાં તપાસ હાથમાં લીધી હતી તેથી સીબીઆઇએ તેના કામકાજમાં અવરોધ લાવવા બદલે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, પોલીસ મહાનિરીક્ષક અને કોલકાતાના પોલીસ કમિશનર વિરુદ્ધ અદાલતના તિરસ્કારની અરજી કરી હતી. સીબીઆઇનું કહેવું છે કે પોલીસે શારદા ચિટ ફંડ કેસની તપાસમાં ગેરરીતિઓ આચરી હોવાથી રાજીવકુમાર શકમંદ બની ગયા છે. આથી તેમનું નિવેદન લેવા માટે સીબીઆઇની ટીમ તેમના સત્તાવાર નિવાસસ્થાને ગઇ હતી. આ કેન્દ્રીય ઍજન્સીએ કુમારની પૂછપરછ કરવા માટે મમતા બેનર્જીની મંજૂરી માગતો સત્તાવાર પત્ર પણ લખ્યો હતો, પરંતુ તેનું કોઈ પરિણામ નહીં આવતાં તેમણે રાજીવકુમારના બંગલે પહોંચી જવું પડ્યું હતું.
ત્રીજી ફેબ્રુઆરીએ બન્યું એવું કે કોલકાતા પોલીસે સીબીઆઇની આઠ અધિકારીઓની ટીમને જ અટકમાં લઈ લીધી અને સીબીઆઈની સ્થાનિક કચેરીને ઘેરી લીધી. છેલ્લે રાત્રે આઠેક વાગ્યાના સુમારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે એ કચેરીએ પહોંચીને પોલીસોને દૂર કર્યા.
આ સમગ્ર ઘટના બંધારણીય કટોકટી હોવાનું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું છે અને તેથી તેઓ દેશ બંધારણ બચાવોનું સૂત્ર લઈને ધરણાં પર બેઠાં છે. તેની સામે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં બંધારણીય તંત્ર પડી ભાંગ્યું છે. દેશના ગૃહપ્રધાન રાજનાથ સિંહે પણ આ ઘટનાને અભૂતપૂર્વ તથા દેશના સમવાયીતંત્રની સામેનું જોખમ ગણાવી છે.
આપણે હજી આ કેસમાં 470ની આસપાસ શબ્દો લખ્યા છે, પણ વધુ લખવા જઈએ તો 4700 શબ્દો પણ લખી શકાય છે. જો કે, આપણે અંગ્રેજીની ઉક્તિ પ્રમાણેના આ Beating Around The Bushની વાત કરવાને બદલે સત્યની ખોજ કરવાની છે.
આ સમગ્ર પ્રકરણનો મૂળ મુદ્દો શારદા ચિટ ફંડ અને રોજ વેલી ચિટ ફંડમાં લાખો લોકોએ ગુમાવેલા અબજો રૂપિયાનો છે. આજની તારીખે એ સવાલ સાવ વિસરાઈ ગયો છે અને પોલીસ સાચી કે સીબીઆઇ સાચી તેની ચર્ચા થવા લાગી છે.
આવું કેમ? સર્વોચ્ચ અદાલતે સાચું જ કહ્યું છે કે જો આ કેસમાં પશ્ચિમ બંગાળની કોઈ પણ ઑથોરિટી કે કોઈ પણ પોલીસ અધિકારી ચિટ ફંડ કૌભાંડ સાથે ચેડાં કરી રહ્યા હોવાનો એક પણ પુરાવો કે સામગ્રી સીબીઆઇ દર્શાવશે તો અદાલત તેમના પર એટલી આકરી થશે કે તેમને પોતાના કર્યા પર અફસોસ થશે.
સર્વોપરી અદાલતનો ગુસ્સો વાજબી છે. ચિટ ફંડના કેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મની લૉન્ડરિંગ થયું હોવાનું અને રાજકીય સાંઠગાંઠ હોવાનું જણાઈ આવ્યા બાદ તેણે જ સીબીઆઇને આ કેસની તપાસ હાથમાં લેવાનું કહ્યું હતું. એક તો 2013માં બહાર આવેલાં આ બન્ને કૌભાંડોમાં નાણાં ગુમાવનારા દેશના સામાન્ય નાગરિકોને ન્યાય મળી રહ્યો નથી ત્યાં આવી રીતે બે ઍજન્સીઓ અને રાજકીય પક્ષો વચ્ચે હુંસાતુંસી ચાલે એ અનિચ્છનીય બાબત છે.
આ કૌભાંડો માત્ર પશ્ચિમ બંગાળમાં નહીં, આસપાસનાં રાજ્યો – આસામ, ઓરિસા, બિહાર અને ત્રિપુરામાં પણ લોકોના પૈસા ચાઉં કરી જવા માટે ઘડાયાં હતાં. તેમાં બે સંસદસભ્યો – કુણાલ ઘોષ અને શ્રૃંજય બોઝ, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક રજત મજુમદાર, ફૂટબૉલ ક્લબના ટોચના અધિકારી દેવવ્રત સરકાર અને પશ્ચિમ બંગાળન પરિવહન પ્રધાન મદન મિત્રાની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં માત્ર સુદિપ્ત સેન નામના કૌભાંડીને ત્રણ વર્ષની જેલ થઈ હતી.
અત્યાર સુધી આક્ષેપો થયા છે કે મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસના અનેક નેતાઓ સુદિપ્ત સેન અને તેમની કૌભાંડી કંપની શારદા ગ્રુપ સાથે સંકળાયેલા હતા. બેનર્જીએ પોતે શારદાની બે કચેરીઓનું ઉદઘાટન કર્યું હોવાનું પણ બોલાયું છે. આવામાં સર્વોચ્ચ અદાલત રાજ્યની તપાસ ઍજન્સીઓ પાસેથી તપાસ લઈને કેન્દ્રીય ઍજન્સીને સોંપે એ સ્વાભાવિક હતું. રાજીવ કુમાર અગાઉ આ કૌભાંડોની તપાસ માટે નિમાયેલી રાજ્યની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા હતા.
હવે સવાલ એ જ છે કે જો તપાસ કરીને લોકોનાં નાણાં પાછાં અપાવવાનો જ સવાલ મુખ્ય હોય તો આમાં રાજકારણ કેમ વચ્ચે આવી રહ્યું છે? દેશના બંધારણ સામે જોખમ ઊભું થાય એવું સીબીઆઇ અને કોલકાતા પોલીસ કમિશનરની ઘટનામાં શું છે? ખરી રીતે તો દેશના નાગરિકોનાં નાણાં ખવાઈ જાય અને છતાં તેમને ન્યાય મળે નહીં એ ઘટના બંધારણનીય સિદ્ધાંતોનો ભંગ કરનારી કહેવાય. છ વર્ષ પૂરાં થવા આવ્યાં હોવા છતાં લોકોનાં નાણાં મળે એવું કંઈ કરવાને બદલે તપાસના નામે કિન્નાખોરી જ કેમ ચાલી રહી છે?
ભારતમાં આટઆટલાં ચિટ ફંડ આવી ગયાં અને એ ઉપરાંત પણ અનેક કૌભાંડો થઈ ગયાં, જેમાં લાખોની સંખ્યામાં સામાન્ય નાગરિકોએ પોતાની પરસેવાની કમાણી ગુમાવી છે, પણ તેમને નાણાં પાછાં અપાવવા માટે કોઈ નક્કર કાર્ય થયું હોવાનું ક્યારેય જોવા મળ્યું નથી. ઉલટાનું, કોઈ મડદું જોઈને ગીધોનાં ટોળાં ભેગાં થાય એમ કૌભાંડોમાં લોકોની આશાઓ-આકાંક્ષાઓનું મડદું પડે ત્યારે રાજકીય પક્ષો ગીધની જેમ તૂટી પડે છે. લોકોને ન્યાય અપાવવાના નામે તેઓ પોતપોતાનો સ્વાર્થ સાધતાં જોવા મળે છે. કૌભાંડોમાં તપાસ આગળ વધવાને બદલે ગોળ-ગોળ ઘૂમ્યા કરતી હોય છે.
જો લોકોનાં નાણાં પાછાં અપાવવાનો સવાલ હોય તો કોઈએ તેમાં ખોટું લગાડવાની જરૂર નથી. કોઈ તપાસ કરવા આવ્યું કે ગયું તેનો વિવાદ નિરર્થક છે. જો પારદર્શકતા હોય તો તપાસ કરવામાં અને તપાસમાં સહકાર આપવામાં કોઈ જ વાંધો હોવો જોઈએ નહીં. ખરો પ્રશ્ન લોકોને ન્યાય અપાવવાનો હોય તો ન્યાયના રખેવાળોએ ન્યાયના જ પક્ષમાં વર્તન કરવું જોઈએ, કોઈ રાજકીય પક્ષની શેહમાં કે તેના ઇશારે નહીં.
અગાઉ કહ્યું એમ, સીબીઆઇ અને કોલકાતા પોલીસ કમિશનરના કેસની પળેપળની વિગતો મીડિયા આપતું રહેશે, પણ કોઈ માણસ મૂળ મુદ્દા સુધી જઈને તેની ચર્ચા કરવાનું મુનાસિબ નહીં માને. આવામાં જનતાએ જ જાગૃતિ કેળવવી રહી.
——————