વર્તમાન સમયમાં લોકો અન્યાય સહન કરીને પોતાને ઘણા પ્રેક્ટિકલ માનવા લાગ્યા છે. ખરી રીતે તો ન્યાય માટે ન લડવું એ અન્યાયનો સ્વીકાર છે અને અન્યાયનો સ્વીકાર એ સત્યની તેમ જ સાહસિકતાની હત્યા છે. યાદ રહે, સમાજમાં દુર્જનોની સંખ્યા અને શક્તિ ત્યારે જ વધે છે, જ્યારે સજ્જનો નિષ્ક્રિય રહે છે.
સત્ય અને ન્યાયની વાત આવે ત્યારે સવાલ એક વ્યક્તિનો યા એક મુદ્દાનો જ નથી રહેતો, પણ સમગ્ર સમાજ અને સંસારનો બની જાય છે, જેનો આપણે માનવી તરીકે એક મહત્ત્વનો હિસ્સો છીએ.
‘સત્યમેવ જયતે’ માત્ર એ સૂત્ર કે સિદ્ધાંતને કારણે વિજયી થઈ જવાતું નથી; એના માટે સતત લડવું પડે છે. સત્યને જીતાડવા માટે સાહસ કરવું પડે છે. સચ્ચાઈ માટેની લડત સામે અવિરત અવરોધો-પડકારો આવતાં રહે છે અને કસોટીઓ થતી રહે છે. આ લડત એક પ્રકારની ક્રાંતિ હોય છે, જેનો ઉદગમ એક વ્યક્તિ અને એક વિચારથી પણ સંભવ બની શકે છે.
આપણા સમાજમાં ‘આ અન્યાય છે, અન્યાય છે’ એવો દેકારો મચાવનારા ઘણા હોય છે, લાખો-કરોડોમાં હોય છે, પરંતુ અન્યાય સામે લડનારો કોઈક જ વીર હોય છે.
અમે આ બ્લોગ મારફતે સત્યને વધુ બુલંદ બનાવવા માગીએ છીએ અને અન્યાય સામેની લડતને વધુ મજબૂત-નક્કર બનાવવા માગીએ છીએ. આ બ્લોગમાં અમારું ફોકસ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે – સાહસિકતાના ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે થતા અન્યાય, ભેદભાવ અને શોષણ સામે અવાજ ઊઠાવવાનું રહેશે. તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને આપણે રાષ્ટ્રીય હિતનું કાર્ય કરી શકીએ છીએ. આમાં લોકોને ઝંઝોળવા પડશે, જગાડવા પડશે. વિચારો આપવા પડશે. આ કાર્ય આ બ્લોગ – ‘વિચાર ક્રાંતિ’ કરશે.
અમે અહીં અન્યાય સામેની લડતના સાચા કિસ્સા-અહેવાલ મૂકીશું. આ વિષયના વિચારો મૂકીશું. અન્યાય અને અસત્યને ઉઘાડાં પાડવાનો અમારો યત્ન રહેશે. સત્ય અને ન્યાય માટે લડનારાઓને સાથ આપીશું. આ બધું અમે એક ભારતીય નાગરિક તરીકે કરીશું. આમાં અમારો કોઈ અંગત સ્વાર્થ કે હિત નહીં હોય. આ એક વૈચારિક ક્રાંતિ છે; અને રહેશે. આપ અહીં આવીને, બ્લોગ વાંચીને વધુ ને વધુ લોકોને જાગ્રત કરવાની ભૂમિકા ભજવશો એવી અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે. મળતાં રહીશું અહીં, નિયમિત…સત્યની રક્ષા માટે અને અન્યાય સામેની લડાઈ માટે….
આપનાં વિચારો-મંતવ્યો-પ્રતિભાવો જણાવવા ઈ-મેલ કરોઃ vicharkranti2019@gmail.com