રોકાણ માટે ગ્રાહકોને લલચાવીને લઈ આવનારા ઍજન્ટો અને બ્રોકરોની સામે કેમ કોઈ ઍક્શન નથી લેવાતી?

હવે નો યોર ક્લાયન્ટ્સ (કેવાયસી)ની સાથે સાથે જરૂરી છે નો યોર ઍજન્ટ (કેવાયએ) – નો યોર બ્રોકર (કેવાયબી)

શારદા ચિટ ફંડ કેસમાં સીબીઆઇ અને પોલીસ કમિશનર વચ્ચેના ગજગ્રાહમાં સર્વોપરી અદાલતે મધ્યમ માર્ગ અપનાવીને મામલો થાળે પાડ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચે કોઈ પક્ષને વાંધો ન આવે એ રીતે શિલોંગમાં સીબીઆઇ સમક્ષ હાજર રહેવાનો અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો પોલીસ કમિશનર રાજીવ કુમારને આદેશ આપ્યો છે. સાથે જ સીબીઆઇને કહ્યું છે કે તેમણે રાજીવકુમારની ધરપકડ કરવી નહીં.

આ કેસની તપાસ સર્વોચ્ચ અદાલતના કહેવાથી શરૂ કરાઈ હતી અને કોલકાતામાં સીબીઆઇની ટુકડીને તેનું કામ કરવા દેવાયું નહીં તેથી અદાલતનો તિરસ્કાર થયો એવી અરજી સંબંધે અદાલતે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી, પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ કમિશનર રાજીવકુમારને અદાલતના તિરસ્કાર બદલ નોટિસ મોકલીને 20મી ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે.

અદાલતના આદેશાનુસાર સીબીઆઇએ નોંધાવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કમિશનર રાજીવકુમારની સીધી દેખરેખ હેઠળ કામ કરતી પશ્ચિમ બંગાળ પોલીસના તપાસનીશ અધિકારીએ શારદા કૌભાંડના મહત્ત્વપૂર્ણ પુરાવા (લેપટોપ, મોબાઇલ ફોન, વગેરે) મુખ્ય આરોપીને આપી દીધા હતા. આમ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કેસ સીબીઆઇને સોંપાય તેની પહેલાં એક ષડયંત્રનો હિસ્સો બની અને તેણે તપાસમાં અવરોધ નાખવાનો તથા પુરાવો નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો.

રાજીવકુમાર વતી દલીલ કરનાર એ. એમ. સિંઘવીએ અદાલતના આદેશની સામે દલીલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિઓએ કહેવું પડ્યું, તમે પોલીસ કમિશનર સીબીઆઇ સમક્ષ હાજર થાય એનો વિરોધ શું કામ કરો છો એ સમજાતું નથી?

આ દેશમાં સર્વોચ્ચ અદાલતને અને જનતાને સમજાય નહીં એવી અનેક બાબતો છે. ચિટ ફંડનાં અને સામાન્ય પ્રજાજનોને ઉંચા વળતરની લાલચ બતાવીને તેમની સાથે દગો કરવાનાં અનેક કૌભાંડો થવા છતાં દર થોડા થોડા વખતે વધુ એક કૌભાંડ બહાર આવે છે. આજકાલ દેશમાં ગ્રાહકોનું KYC (નો યોર ક્લાયન્ટ) કરવામાં આવે છે, પરંતુ ગ્રાહકોએ પોતાની રીતે KYA (નો યોર ઍજન્ટ) અને KYB (નો યોર બ્રોકર) કરાવવું જોઈએ!

ફાઈનાન્શિયલ માર્કેટમાં રોકાણકારો માટે કેવાયસી છેલ્લા કેટલાંક વરસોથી અનિવાર્ય બની ગયું છે. તેના વિના એક ડગલું તેઓ રોકાણમાં આગળ ભરી શકાતું નથી. કેવાયસી એટલે નો યોર કસ્ટમર (તમારા ગ્રાહકને ઓળખો). આનો બીજો અર્થ એ છે કે ગ્રાહકનો રોકાણ લેનારી કંપનીને કે તેઓ જેના મારફતે રોકાણ કરતા હોય એવા બ્રોકર-ઍજન્ટને પરિચય હોવો જોઈએ. આ માટે ચોક્કસ ફોર્મ ભરાવી તેનું પાલન કરાવવામાં આવે છે, પરંતુ  ગ્રાહકોને કોઈ કહેતું કે પૂછતું નથી કે તમે તમારા બ્રોકર-ઍજન્ટને ઓળખો છો? ગ્રાહકોના હિત માટે ‘નો યોર બ્રોકર’ (કેવાયબી – તમારા બ્રોકરને ઓળખો) કે ‘નો યોર ઍજન્ટ’ (કેવાયએ – તમારા ઍજન્ટને ઓળખો) કરાવાતું નથી.

આ વિચારને કડક રીતે અમલમાં મૂકવાનો સમય આવ્યો છે. ઠાવકી સલાહ તો નિયમનકાર આપતા રહે છે, પરંતુ વાસ્તવમાં ગ્રાહકો મધ્યસ્થોના હાથે છેતરાય ત્યારે નિયમનકાર પહેલી રક્ષા મધ્યસ્થોની કરવા દોડે છે. કારણ કે આ મધ્યસ્થો વગદાર-પૈસાદાર હોય છે. તેમની વગ બધી રીતે ઉપર સુધી હોય છે. જ્યારે ગ્રાહકો તો બિચારી પ્રજા.

લોકોએ નાણાં ગુમાવ્યાં હોવાનો એક કેસ નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિ. (એનએસઈએલ)ની પૅમેન્ટ ક્રાઈસિસનો પણ છે. પાંચ વરસથી ઉપર સમય થઈ ગયો છતાં ટ્રેડિંગ ક્લાયન્ટ્સ લાચાર બની પોતાનાં નાણાં પાછાં ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે.

અહીં ટ્રેડિંગ ક્લાયન્ટ શબ્દ મહત્ત્વનો છે. આ કેસ બીજા અનેક કેસ કરતાં ઘણી બધી રીતે જુદો છે. સામાન્ય રીતે રોકાણકારોનાં નાણાં જતાં હોય છે, પરંતુ આ કેસમાં રોકાણકાર નહીં, પરંતુ ટ્રેડિંગ ક્લાયન્ટ્સ હતા. તેમને ઉંચા વળતરની લાલચ આપીને એનએસઈએલમાં ટ્રેડિંગ કરાવાયું હતું.  કાયદાકીય દૃષ્ટિએ તેમને રોકાણકાર કહી શકાય નહીં.

ખેર, પાંચ વરસ પહેલાંની આ ક્રાઈસિસમાં પહેલા દિવસથી આ નાણાં કોણ અને કઈ રીતે ખાઈ ગયું છે અથવા એ નાણાં ચૂકવવાની જવાબદારી ધરાવે છે તે જાહેર હોવા છતાં સરકારી તપાસ ઍજન્સીઓ માત્ર એક્શનના દેખાવ કરી રહી છે, જેમાં નિયમનકારો પણ સામેલ છે. હમણાં-હમણાં નિયમનકાર સક્રિય થયા છે.

એનએસઈએલ કેસઃ પાંચ વરસ સવાલ

પાંચ વરસ માટે આપણે ટ્રેડિંગ ક્લાયન્ટ્સ વતી માત્ર છ સવાલો આ સત્તાવાળાઓને પૂછીએઃ

સવાલ 1 આ આખા પ્રકરણમાં તમને ખબર પડી ગઈ છે કે નાણાં કોણ લઈ ગયું છે, કોણે એક્સચેન્જને ડિફોલ્ટની સ્થિતિમાં નાખ્યું હતું, કોણે આ પૅમેન્ટ ક્રાઈસિસ ઊભી કરી હતી. તેમ છતાં આ ડિફોલ્ટર્સની પાસેથી નાણાંની રિકવરી કરી જેન્યુઈન ટ્રેડર્સ-ગ્રાહકોને તેમનાં નાણાં કેમ અપાતાં નથી?

સવાલ 2 આ ડિફોલ્ટર્સની સંખ્યા માત્ર 20થી 22 છે, તેમાં પણ સાતેક ડિફોલ્ટર્સ જ સૌથી વધુ નાણાં માટે જવાબદાર છે, તો પણ કોઈ રિકવરી ઍક્શન કેમ અમલમાં મુકાતી નથી? આ ડિફોલ્ટર્સની ઍસેટ્સ તમે જપ્ત કરી છે, તેના પર ટાંચ મૂકી છે તો પછી તેને વેચીને નાણાં ઊભાં કરી જેન્યુઈન ટ્રેડર્સને ચૂકવી દઈ આ પ્રકરણને બંધ કેમ કરાતું નથી?

સવાલ 3 આ સમગ્ર પ્રકરણમાં હવે તો મોટા-મોટા બ્રોકરોનાં કરતૂતો પણ ખુલ્લાં પડી ગયાં છે. (જે હકીકતમાં ક્યારનાંય બહાર પડી ગયાં હતાં) તો પછી તેમની સામે ઍક્શન લેવા માટે કોની રાહ જોવાઈ રહી છે? આ વિષયમાં સીરિયસ ફ્રૉડ ઈન્વેસ્ટિગેશન ઑફિસ (એસએફઆઈઓ)એ હાલમાં સ્પષ્ટ કહ્યું છે કે બ્રોકરોએ એક્સચેન્જની પ્રૉડક્ટ્સનું મિસ-સેલિંગ કર્યું હતું, રોકાણકારોને ગેરમાર્ગે દોરીને, ખોટાં પ્રલોભનો અને ખાતરી આપીને સોદા કરવા માટે ખેંચ્યા હતા. અમુક બ્રોકરોએ તો ગ્રાહકોના કોડ નંબરનો દુરુપયોગ કરીને તેમની જાણબહાર સોદા કર્યા હતા. કેટલાક બ્રોકરોએ આવા સોદા માટે ફાઈનાન્સ પૂરું પાડ્યું હતું, કેટલાકે મની લૉન્ડરિંગ કર્યું હોવાના અને રોકડમાં સોદા કર્યા હોવાના પણ આરોપ છે, જેનું વર્ણન ચાર્જશીટમાં પણ છે. આ જ બધી વાતો મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (ઈઓડબલ્યુ)ની ચાર્જશીટમાં પણ છે. સેબીએ આવા સંખ્યાબંધ બ્રોકરોને નોટિસ આપી છે, આવા બ્રોકરો ફિટ ઍન્ડ પ્રોપર ગણાય કે કેમ એવા સવાલો ઊભા કર્યા છે. આટલું બધું હોવા છતાં કેમ માત્ર અને માત્ર વાતો જ છે, દોષિતો સામે ઍક્શન લઈને ન્યાય કેમ તોળાતો નથી?

સવાલ 4 આ સોદાઓમાં બ્રોકરો અને ટ્રેડર્સને માલ વેરહાઉસીસમાં નહીં હોવાની જાણ હતી તેમ છતાં કેમ સોદા કર્યા અને કરાવ્યા? અને નહોતી ખબર તો તપાસ કેમ ન કરાવી? આ બાબતમાં ત્યારનું રેગ્યુલેટર એફએમસી (ફોરવર્ડ માર્કેટ કમિશન) જાણતું હતું અને નિયમિત વિગતો મેળવતું હતું, છતાં તેણે કેમ એ જ સમયે ઍક્શન લીધી નહીં?

સવાલ 5 આ આખા કેસમાં પ્રમોટર કંપની ફાઈનાન્શિયલ ટેક્નૉલૉજીસ અને તેના સ્થાપક જિજ્ઞેશ શાહ સામે તરત જ બધી ઍક્શન આવવા લાગી હતી. ખરેખર તો તપાસ પૂર્ણ થઈ નહોતી છતાં ઍક્શન લેવાઈ. તેમને અને તેમની કંપનીને ફિટ ઍન્ડ પ્રોપર નથી એવું જાહેર કરી દેવાયું હતું. તેમણે કે તેમની કંપનીએ નાણાં લીધાં નથી એવું મુંબઈ વડી અદાલત કહી ચૂકી છે, પણ તેમની પાસેથી બધું ઝૂંટવી લેવાયું છે. હવે જ્યારે બ્રોકરો-ડિફોલ્ટર્સ ખુલ્લા પડી ગયા છે ત્યારે તેમની સામે ઍક્શન લેવામાં અને તેમની પાસેથી નાણાં રિકવર કરી ખરા ટ્રેડિંગ ક્લાયન્ટ્સને પરત અપાવવામાં નિયમનકાર, સરકાર કે સંબંધિત સત્તાવાળાઓને કોણ રોકે છે? શું હજી કોઈ પોલિટિકલ લૉબી આમાં કામ કરી રહી છે, કે પછી સ્થાપિત હિતો હજી પણ રાજકીય વગ ચલાવી રહ્યા છે? આ ટ્રેડર્સ વર્ગ પોતે પણ કેમ હવે જોરશોરથી બૂમો પાડતો નથી?

સવાલ 6 આ કેસમાં મોટા બ્રોકરોનો બહુ મોટો હાથ છે એની જાણ ઈઓડબલ્યુએ એફએમસીને 2015માં જ કરી દીધી હતી. તેમ છતાં એ સમયના એફએમસી ચૅરમૅને તે રિપોર્ટ પર કોઈ જ ઍક્શન લીધી નહોતી. આ રિપોર્ટ તાજેતરમાં બહાર આવ્યો છે. તત્કાલીન એફએમસી ચૅરમૅન હાલ  સરકારી ખાતામાં ઉંચા હોદ્દા પર છે. તેમને કેમ કોઈ સવાલ કરાતો નથી? તેઓ ધારત તો આ કટોકટી સર્જાતી રોકી શકે એમ હતા. છતાં તેમણે કોઈ નક્કર પગલાં લીધાં નહોતાં અને લીધાં ત્યારે માત્ર સ્થાપિત હિતોની રક્ષા માટે લીધાં. આનો જવાબ કોણ માગશે? હવે આ સમગ્ર પ્રકરણનું નિરાકરણ અને ન્યાય અદાલત લાવી શકે છે. હવે છેલ્લી આશા અદાલત પાસે જ રાખી શકાય એમ છે.

અન્ય કેસો પણ છે!

આ પ્રકરણને તો પાંચ વરસ ઉપર થયાં છે, જયારે હાલમાં આઈએલએફએસ પ્રકરણની પૅમેન્ટ કટોકટી બહાર આવી. તેમાં કોણ જવાબદાર હતું? કેમ તેમાં પણ ઢીલું વલણ અપનાવાય છે? આમાં રોકાણકારોને થયેલા નુકશાનનું શું? માર્કેટની અને ફાઈનાન્શિયલ સેક્ટરની વિશ્વસનીયતા ઘટી તેનું શું? રૅટિંગ ઍજન્સીઓ પર મુકાયેલા ભરોસાનું શું?

આ પહેલાં પંજાબ નૅશનલ બૅન્કને છેતરી જનાર નીરવ મોદીનું શું થયું? તેનાં નાણાંની રિકવરી ક્યાં પહોંચી? આ નીરવ મોદી તેમ જ મેહુલ ચોક્સીની કંપનીઓના શેરમાં નાણાં રોકનારા રોકાણકારોને ન્યાય મળશે? તેમનાં નાણાં ડૂબ્યાં એ માટે કોણ જવાબદાર? બૅન્કોના અબજો રૂપિયા  ડૂબી ગયા છે અને હજી રિકવરી માટે ફાંફાં મારવા પડે છે તેનું શું ?  

રોકાણકારોના હિતોની રક્ષા ભ્રમ છે?

હર્ષદ મહેતા, શારદા સ્કેમ, સહારા સહિતના અનેક કેસોમાં રોકાણકારોને ક્યાં અને કેટલો ન્યાય પ્રાપ્ત થયો છે? પ્લાન્ટેશન કંપનીઓ હોય કે વેનિશિંગ કંપનીઓના આઈપીઓ હોય કે ડિમેટ કૌભાંડ હોય, આખરે સહન તો રોકાણકારોએ જ કરવાનું આવે છે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જના કૉ-લૉકેશન  કેસની ગરબડ ક્યારની ચર્ચામાં છે અને તેમાં તો અત્યાર સુધીનો સૌથી મોટો ગોટાળો બહાર આવશે એવું ચર્ચા છે, છતાં મામલો જાણે ભુલાવી દેવા માટે સમય જાણીજોઈને લંબાવાતો હોય તેમ કામ થઈ રહ્યું છે. તેમાં પણ બહુ મોટાં માથાં અને મોટા બ્રોકરો સામેલ છે. નિયમનકાર સંસ્થા સ્વાયત્ત છે, સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, મજબૂત છે, અસરદાર છે, કડક અને ન્યાયી છે એવી ભ્રમણામાં રોકાણકારોને કયાં સુધી રાખવામાં આવશે?   

—————