ઊઠી ગયેલી કંપનીઓના કેસમાં ઇન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ ચાલતી પ્રક્રિયામાં છડેચોક જનતાનાં નાણાં ડૂબી રહ્યાં છે

પ્રમોટરોએ લૂંટી લીધા બાદ બૅન્કો રીઝોલ્યુશન પ્લાનમાં મોટાભાગની રકમ માંડી વાળે છે અને ખરીદદાર કંપનીઓને ફાયદો કરાવે છે 

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સરકારને ઊંઘમાંથી બહાર લાવવા કરેલી ટ્વીટઃ હાલમાં એનસીએલટીએ પણ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે

હાલમાં જ આપણે ‘લૂંટો ઇન્ડિયા લૂંટો…’ એ શીર્ષક હેઠળ આઇએલઍન્ડએફએસ તથા ડીએચએફએલના કેસમાં આચરાયેલા કૌભાંડની વાત કરી. ખરું પૂછો તો, સમગ્ર ભારતમાં અત્યારે સામાન્ય જનતાને ધોળેદિવસે લૂંટી લેવાની અને મૂર્ખ બનાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. લોકોને લૂંટવાની પદ્ધતિનાં નામ બદલાઈ રહ્યાં છે, પણ કામ એ જ થઈ રહ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વીટ કરીને વડા પ્રધાનના કાર્યાલયનું આ બાબતે ધ્યાન દોર્યું છે. તેમણે કોઈ કિસ્સાનો નામોલ્લેખ કર્યો નથી, પરંતુ આપણે આ બ્લોગ દ્વારા સતત જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ તેનો પડઘો જ ગોએન્કાએ પાડ્યો છે. હર્ષ ગોએન્કા દેશના સુપ્રસિદ્ધ આરપીજી ગ્રુપના ચૅરમૅન છે. તેમણે ટ્વીટમાં આ મતલબનું નિવેદન કર્યું છેઃ “પ્રમોટરો પોતાનાં નાણાં બાજુએ કાઢી લીધાં બાદ કંપનીને ઇન્સોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ લઈ જાય છે અને બૅન્કરો/એનસીએલટી પાસેથી 80થી 90 ટકા હેરકટ પ્રાપ્ત કરી લે છે. આજકાલ આ નવું ચલણ ચાલ્યું છે. ઘણી બંધી કંપનીઓએ આ રીતે સરકાર – એનસીએલટી પાસેથી આ ગેરલાભ ખાટ્યો છે. જનતાની મહેનતની કમાણી આ રીતે ચોરવા દેવાય નહીં!”

આપણે ડીએચએફએલના કેસમાં આવું થતાં જોયું છે. પિરામલ ગ્રુપે વાધવાન દ્વારા થયેલી 45,000 કરોડ રૂપિયાની ગોલમાલ/ઉચાપતની રિકવરીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો ગણ્યું છે. પ્રમોટર વાધવાન લોકોને લૂંટી ગયા અને હવે રીઝોલ્યુશન પ્લાન દ્વારા કંપની ખરીદનારાઓ કમાઈ રહ્યા છે. જનતાનાં નાણાંનું જે થવાનું હોય તે થાય! ગેરરીતિ દ્વારા ભરપૂર લોન મંજૂર કરનારી બૅન્કો પણ જનતાને નુકસાન થાય છે તેની પરવા કર્યા વગર હેરકટ સ્વીકારી લે છે. 

નોંધનીય છે કે હાલમાં વિડિયોકોન ગ્રુપ માટે મંજૂર થયેલા રિઝોલ્યુશન પ્લાનમાં અરજદારે કુલ લેણી રકમના માત્ર ૪.૧૫ ટકા રકમ ઑફર કરી હોવાની બાબતે એનસીએલટી (નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ)એ પોતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઑફર થયેલી રકમ નગણ્ય કહેવાય એમ કહેતાં તેણે ઉમેર્યું છે કે તમામ લેણદાર બૅન્કોએ ૯૫.૮૫ ટકા હેરકટ સ્વીકાર્યું છે. આ સ્થિતિમાં કમિટી ઑફ ક્રેડિટર્સ તથા અરજદાર કંપનીએ વધુ રકમ ચૂકવવા વિશે વિચાર કરવો જોઈએ.

એનસીએલટીને રીઝોલ્યુશન પ્લાન મંજૂર કરવાની જ સત્તા છે, તેમાં ફેરફાર કરવાની નહીં. પરિણામે, એણે ફક્ત આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. 

એનસીએલટીએ વિડિયોકોન ગ્રુપ માટે વેદાંત રીસોર્સીસ ગ્રુપની પ્રમોટર કંપની ટ્વીન સ્ટાર ટેક્નૉલૉજીસનો રીઝોલ્યુશન પ્લાન આ મહિનાના પ્રારંભે મંજૂર કર્યો હતો, પરંતુ તેનો ઔપચારિક આદેશ હાલ અપલોડ કરવામાં આવ્યો છે. 

આદેશમાં ટ્રિબ્યુનલે કહ્યું છે કે કૉર્પોરેટ ઇનસોલ્વન્સી રીઝોલ્યુશન પ્રોસેસ (સીઆઇઆરપી) દરમિયાન ગોપનીયતા જળવાઈ હતી કે નહીં એ બાબતે ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયાએ તપાસ કરવી. તેનું કારણ જણાવતાં ટ્રિબ્યુનલે કહ્યું છે કે લિક્વિડેશન વેલ્યૂ ગોપનીય હોવી જોઈએ, પણ ટ્વીન સ્ટારની બિડ આ વેલ્યૂની આસપાસ હોવાથી આશ્ચર્ય થાય છે. આના પરથી એનસીએલટી વગર બોલ્યે આપણને કહી રહી છે કે અંદરના માણસોએ જ લિક્વિડેશન વેલ્યૂ જાહેર કરી દીધી અને તેથી બિડમાં વધુ બોલી લગાવાઈ જ નહીં. 

વિડિયોકોન ગ્રુપ સામે ૭૧,૪૩૩.૭૫ કરોડ રૂપિયાના કુલ દાવા છે અને તેમાંથી ૬૪,૮૩૮.૬૩ કરોડ રૂપિયાના દાવા મંજૂર કરવામાં આવ્યા છે, પણ રીઝોલ્યુશન પ્લાન ફક્ત ૨,૯૬૨.૦૨ કરોડનો મંજૂર કરવામાં આવ્યો છે, જે કુલ લેણી રકમના માત્ર ૪.૧૫ ટકા થાય છે.

એચ. પી. ચતુર્વેદી અને રવિકુમાર દુરાઇસ્વામીની એનસીએલટીની બેન્ચે કહ્યું છે કે ટ્વીન સ્ટારને રીઝોલ્યુશન પ્લાન હેઠળ આપવામાં આવનારી કુલ રકમના ફક્ત ૮.૮૪ ટકા રકમમાં એટલે કે ૨૬૨ કરોડ રૂપિયામાં વિડિયોકોન ગ્રુપની તમામ ૧૩ કંપનીઓની માલિકી મળી જશે. આ મુદ્દો કમિટી ઑફ ક્રેડિટર્સે ધ્યાનમાં લેવાનો હોય છે અને માનનીય સર્વોચ્ચ અદાલતના અનેક ચુકાદાના આધારે તથા અદાલતી ચુકાદાઓના દાખલાને અનુસરીને રીઝોલ્યુશન પ્લાન મંજૂર કરવામાં આવે છે.

એનસીએલટીએ એ બાબતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ગ્રુપની તમામ ઍસેટ્સનું મૂલ્ય નક્કી કરનારા રજિસ્ટર્ડ વેલ્યૂઅર્સે જેટલું મૂલ્ય નક્કી કર્યું છે એટલું જ લગભગ મૂલ્ય રીઝોલ્યુશન માટે અરજી કરનારી કંપનીએ નક્કી કર્યું છે.

રીઝોલ્યુશન પ્રક્રિયાના નિયમો કહે છે કે લિક્વિડેશન વેલ્યૂ અને ફેર માર્કેટ વેલ્યૂ ગોપનીય રાખવાની હોય છે અને રીઝોલ્યુશન પ્લાન મંજૂર થયા બાદ જ કમિટી ઑફ ક્રેડિટર્સના સભ્યોને તેની જાણ કરવાની હોય છે, પરંતુ કમિટીની ગયા સપ્ટેમ્બરમાં મળેલી બેઠકમાં જ સભ્યોને તેની જાણ કરવામાં આવી હતી. આથી ગોપનીયતાનો ભંગ થયો હોવાની શંકા ઊપજતી હોવાનું એનસીએલટીએ કહ્યું છે. લેણદાર બૅન્કોએ ટ્વીન સ્ટારની ઑફર ગયા ડિસેમ્બરમાં મંજૂર કરી હતી.

દુનિયા ઝૂકતી હૈ, ઝુકાને વાલા ચાહિયે એ કહેવતને લોકોના નુકસાન માટે વાપરીને લૂંટ ચલાવનારાઓ પ્રત્યે જનતામાં જાગરૂકતા આવે અને સ્થિતિ બદલવા માટે ચોમેરથી ઊગ્ર અવાજ ઊઠે એ આજના સમયની જરૂર છે. 

————————

લૂંટો ઈન્ડિયા લૂંટો! આઇએલઍન્ડએફએસ અને ડીએચએફએલ જેવાં કૌભાંડોમાં સફેદ વસ્ત્રધારી ગુનેગારોને બીજા ‘સફેદ વસ્ત્રધારીઓ’ જ બચાવી લેતા હોય છે

ભૂતપૂર્વ નામચીન નાણાપ્રધાન ચિદમ્બરમના ખાસ મિત્ર-સાથી ગણાતા આઇએલઍન્ડએફએસના ગ્રુપ હેડ રવિ પાર્થસારથિની આખરે ગયા સપ્તાહમાં ચેન્નાઈની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે ધરપકડ કરી. પાર્થસારથિ પર એક લાખ કરોડના સ્કેમનો આરોપ છે. આ બધી બાબતો આગળ વધી રહી છે ત્યારે ડીએચએફએલના વિવાદાસ્પદ પ્રકરણનો વધુ ને વધુ પર્દાફાશ થઈ રહ્યો છે. આ બન્ને ફાઇનાન્શિયલ ગ્રુપે દેશને, સિસ્ટમને, બૅન્કોને અને રોકાણકારોને કેવા ફસાવ્યા છે અને ખોટના ખાડામાં નાખ્યા છે તેની ચર્ચા આગળ વધારીએ ….

– જયેશ ચિતલિયા

ફાઇનાન્શિયલ માર્કેટમાં કલંક સમાન આઇએલઍન્ડએફએસના કેસમાં નવા ડેવલપમેન્ટ મુજબ આ ગ્રુપના હેડ રવિ પાર્થસારથિની ચેન્નાઈના ઈઓડબલ્યુ (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ) એ ધરપકડ કરી હતી, આ રવિ પાર્થસારથિ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનો ખાસ માણસ ગણાય છે અને તેના પર આઇએલઍન્ડએફએસમાં એક લાખ કરોડ રૂપિયાના સ્કેમનો આરોપ છે. આ ધરપકડ 63 મૂન્સ ટેક્નૉલૉજીસે કરેલી પોલીસ ફરિયાદના આધારે થઈ છે. જેણે આ ગ્રુપ સામે જંગ છેડી છે.

આ જ 63 મૂન્સ ટેક્નૉલૉજીસે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિ. (ડીએચએફએલ) સામે પણ લડાઈ છેડી છે. આ ગ્રુપમાં 63 મૂન્સે 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. આ ડીએચએફએલ ગ્રુપની  કાળી કથા પણ જાણવા-સમજવા જેવી છે. કેવા-કેવા લોકો અને કઈ-કઈ રીતે લેભાગુઓ રોકાણકારો, બૅન્કોને લૂંટતાં રહ્યા છે તેનાં આવાં ઉદાહરણ આમ તો ઘણાં હશે, પણ આઇએલઍન્ડએફએસ અને ડીએચએફએલ તેમાં વિશેષ ગણાય. આઇએલઍન્ડએફએસ અને ડીએચએફએલ જેવા કૌભાંડી કારનામા કરનારા વ્હાઈટ કોલર ક્રિમિનલ્સ કહેવાય છે, પરંતુ કમનસીબે આ સફેદ વસ્ત્રધારીને બીજા ‘સફેદ વસ્ત્રધારીઓ’ જ બચાવી લેતા હોય છે. આર્થિક અપરાધીઓ અને રાજકીય અપરાધીઓની વરસોથી સાંઠગાંઠ હોય છે, વાસ્તવમાં આ બન્ને બિઝનેસ પાર્ટનર જ ગણાય.

એક સમયે શાહરુખ ખાન જેના બ્રાન્ડ ઍમ્બેસેડર હતા એ દીવાન હાઉસિંગ ઍન્ડ ફાઇનાન્સ લિ. (ડીએચએફએલ) એક યા બીજા કારણસર છેલ્લાં કેટલાંક વરસથી દેવામાં ખૂંપતી ગઈ હતી. જોકે, તેમાં બીજાં પરિબળો કરતાં કંપની મૅનેજમેન્ટનાં પરાક્રમો વધુ જવાબદાર હોવાનું કહેવાતું હતું, જે હવે વાજતે-ગાજતે બહાર આવી ગયું છે અને વિવાદોના વમળમાં અટવાયું છે. ડીએચએફએલે તેના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)નાં નાણાં પરત કરવામાં વિલંબ કરવાને પરિણામે રૅટિંગ ઍજન્સીઓ ક્રિસિલ અને ઈકરાએ તેના રૅટિંગને ડિફોલ્ટ કેટેગરીમાં મૂકી દીધું હતું. કેર રૅટિંગ ઍજન્સીએ તો આ કંપનીના લોંગ ટર્મ ડેટ સાધન (એનસીડી) તેમ જ  ફિકસ્ડ ડિપોઝિટને પણ ડિફોલ્ટ રૅટિંગ આપ્યું હતું, જેને પગલે  કંપનીના આશરે 58,000 કરોડના પેપર્સ ડિફોલ્ટ કેટેગરીમાં આવી ગયા હતા. આ ઘટનાથી રોકાણકારોના વિશ્વાસને એવો આઘાત લાગ્યો કે ડેટ સાધનોમાં પોતાનાં નાણાં ઉંચી સલામતી ધરાવતા હોવાનું માનતા રોકાણકારોનો ભ્રમ વધુ એકવાર તૂટ્યો હતો.    

રવિ પાર્થસારથિ

સિક્યોર્ડ સાધનોની સલામતી કેટલી?

ડીએચએફએલે બૅન્કોનાં કરજ પણ ડૂબાડી દીધાં હોવાથી આ મામલો ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ ગયો હતો. જોકે, એમાં બૅન્કોનાં નાણાં પાછાં મળવાનો મૂળ મુદ્દો બાજુએ રહી ગયો અને ડીએચએફએલના પ્રમોટરે સંપત્તિ વેચીને કરજ ચૂકવવા માટે કરેલી ઑફર વિશે ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. ડીએચએફએલને અપાયેલા ઉંચા રૅટિંગને કારણે રોકાણકારો ભોળવાઈ ગયા હતા. હાલના અંદાજ મુજબ ડીએચએફએલે 87,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવવાની નીકળે છે. આ કિસ્સામાં ફિક્સ્ડ ડિપોઝિટ ધારકોને આશરે 75 ટકા તથા બોન્ડધારકોને 60 ટકા નુકસાન થવાનું અનુમાન મુકાય છે. આમ, ઇન્સોલ્વન્ટ કંપની બને છે અને નાદાર તેના નાના રોકાણકારો બને એવો ઘાટ છે.

રિઝોલ્યુશન સાથે એક રૂપિયાના વેલ્યુએશનનો પ્લાન

કપિલ વાધવાન

દરમિયાન, નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) માટેના પિરામલ ગ્રુપના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ આદેશ લાગુ પડશે કે નહીં એનો આધાર ઍપેલેટ ટ્રિબ્યુનલ અને સર્વોચ્ચ અદાલતમાં આવનારા અપીલના પરિણામ પર નિર્ભર છે. પિરામલે ગ્રુપે ડીએચએફએલ માટે 37,250 કરોડ રૂપિયાનો રિઝોલ્યુશન પ્લાન સુપરત કર્યો છે. કમિટી ઑફ ક્રેડિટર્સ, રિઝર્વ બૅન્ક તથા કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા આની પહેલાં જ આ પ્લાનને મંજૂરી આપી ચૂક્યાં છે. જોકે, ડીએચએફએલના અગાઉના પ્રમોટર કપિલ વાધવાને નૅશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રિબ્યુનલના આદેશ સામે સ્ટે અર્થે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ઍપેલેટ ટ્રિબ્યુનલે પ્રમોટર કપિલ વાધવાનની સેટલમેન્ટ ઑફર વિશે વિચારણા કરવા માટે કમિટી ઑફ ક્રેડિટર્સને અપાયેલા નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ના આદેશ પર સ્ટે મૂક્યો છે. આમ, આ કેસ હવે સર્વોચ્ચ અદાલત પાસે છે એવા સંજોગોમાં ટ્રિબ્યુનલે પિરામલનો પ્લાન મંજૂર કર્યો છે. 

પી. ચિદમ્બરમ

ડીએચએફએલને હસ્તગત કરવાની બિડ પિરામલ ગ્રુપે મૂકીને ડીએચએફએલની તેમ જ ફાઇનાન્સ કંપનીઓની અને સિસ્ટમની ગંભીર મજાક ઉડાવી હોય એવું લાગે છે. આ મજાકની મજા એ છે કે પિરામલ ગ્રુપે ડીએચએફએલના કહેવાતાં ડૂબેલાં નાણાંમાંથી કોઈ રિકવરી નહીં થાય એવું કહીને તેનું વેલ્યુએશન માત્ર એક રૂપિયાનું મૂક્યું છે, વાહ! ભારતના, સંભવત વિશ્વના, કૉર્પોરેટ ટેકઓવરનો આ એકમાત્ર કિસ્સો હશે. આ સાથે પિરામલ કૅપિટલ ઍન્ડ હાઉસિંગ ફાઇનાન્સે નૅશનલ ટ્રિબ્યુનલમાં તેનો રિઝોલ્યુશન પ્લાન મૂકતાં ડીએચએફએલની એસેટ્સ માટે રૂ।. 37,250 કરોડનું વેલ્યુએશન મૂક્યું છે.

પિરામલના પ્લાન સામે પડકાર

ડીએચએફએલને હસ્તગત કરવાના પિરામલ ગ્રુપના આ પ્લાન સામે ડીએચએફએલના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં રૂ।. 200 કરોડનું રોકાણ ધરાવનાર 63 મૂન્સ ટેક્નૉલૉજીસે પડકાર ફેંક્યો છે. તેના મતે પિરામલનો પ્લાન કાયદાથી વિરુદ્ધ છે અને બૅન્કો તથા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સધારકોના હિતમાં નથી. કંપનીના લેણદારો પાસેથી માત્ર એક રૂપિયો નહીં, બલકે રૂ।. 45,000 કરોડ મળવા જોઈએ એવી દલીલ કરાઈ છે. ઇન્સોલ્વન્સી એકટ હેઠળ ઍક્વિઝિશનનો આ પ્રથમ કેસ છે. ડીએચએફએલે લેણદાર બૅન્કોને નાણાં ચૂકવવામાં ડિફોલ્ટ કર્યા બાદ રિઝર્વ બૅન્કે તેનો કેસ નવેમ્બર 2019માં એનસીએલટીને રિફર કર્યો હતો. લેણદાર બૅન્કોએ આ કંપની પાસેથી 87,000 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. હવે દીવાન હાઉસિંગ તેના લેણદારો-રોકાણકારોમાંથી કેટલાને દિવાના અને કેટલાને પરવાના બનાવે છે એ આગામી સમય કહેશે. બાકી, આપણા દેશમાં વ્હાઇટ કોલર ક્રિમિનલ્સને મોટાભાગે જલસા હોય છે. તેમને સજા થાય તોપણ દેખાવ પૂરતી હોય છે.

સૌજન્યઃ ગુજરાત ગાર્ડિયન

—————————–

ભારતીય ફાઇનાન્શિયલ સેક્ટર પર કલંક સમાન કૌભાંડ

  • જયેશ ચિતલિયા

આઈએલઍન્ડએફએસ નામના જાયન્ટ ગ્રુપમાં છેલ્લાં 20 વર્ષથી ગરબડ-ગોટાળા ચાલતાં રહ્યાં. વાડ ચીભડાં ગળતી રહી અને નિયમનકારી સત્તાવાળાઓ માત્ર જોતા રહ્યા. આપણે તેની એક ઝલક જોઈએ, જે તેના ફોરેન્સિક ઑડિટમાં બહાર આવી છે. આર્થિક ક્ષેત્રે કેટલાંક કૌભાંડ નાના કદનાં હોય તોપણ તેની ચર્ચા ભરપૂર થાય છે અને કેટલાંક સ્કેમ ભયાનક મોટાં અને વ્યાપક હોવા છતાં તેની ચર્ચા થવાને બદલે તેને ઢાંકી દેવાના પ્રયાસ કરાય છે, કારણ કે તેમાં સરકારી અધિકારીઓ, મોટાં માથાં, વગદારો હોય છે. આવાં સ્કેમનાં મૂળ પણ એટલાં ઊંડાં અને ગૂંચવણભર્યાં હોય છે કે તેનું તારણ કાઢતાં વર્ષો નીકળી જાય છે. એ પછી તેના પર કમિટી, તપાસ, ઑડિટ, કોર્ટ કેસના નામે સાચાં-ખોટાં નાટકો ચાલ્યા કરે છે અને સત્ય પર બળાત્કાર થયા કરે છે અથવા તો અસત્યને સત્યના પહેરવેશ પહેરાવી દેવામાં આવે છે. પ્રજા સુધી આ હકીકત પહોંચતી જ નથી અને સમય સાથે લોકો તેને ભૂલવા માંડે છે. સરકારને અને સ્થાપિત હિતોને તેમાં જ રસ હોય છે. આવા અમુક કિસ્સામાં હાલ આઇએલઍન્ડએફએસ તેમ જ ડીએચએફએલ ચર્ચાસ્પદ બન્યા છે, જેના કારનામાનો પર્દાફાશ થઈ રહ્યો હોવાથી સત્ય બહાર આવી રહ્યું છે, કિંતુ એ પછી સરકાર નક્કર પગલાં લે તો વાત બને, તેને ખરો અંજામ મળે. લાખો રોકાણકારોનાં ડૂબેલાં નાણાં તેમને પરત મળે અને અપરાધીઓને સજા થાય તો ખરું. આજે આપણે આઇએલઍન્ડએફએસના કિસ્સાની ચર્ચા કરીએ.

ફાઇનાન્શિયલ સેક્ટરમાં કલંકિત કામકાજ

આઇએલઍન્ડએફએસ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસ (આઇએલઍન્ડએફએસ) છે, પરંતુ એણે ફાઇનાન્શિયલ સેક્ટરને કલંક લાગે એવી કુસેવા કરી હોવાનો આરોપ મૂકી શકાય એવાં કામ તેણે કર્યાં છે. આ કંપનીની કામગીરીનાં કાળાં પરિણામ 2018થી બહાર આવવાના શરૂ શરૂ થયાં હતાં. સપ્ટેમ્બર 2018માં સિડબીની 1,000 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યો હતો. એ જ વખતે તેની એક પેટા કંપનીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 500 કરોડ રૂપિયાની લોન પણ ચૂકવી નહીં. એ ઘટનાના ગણતરીના દિવસોમાં કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે આઇએલઍન્ડએફએસ ગ્રુપના બોર્ડને સુપરસીડ કરીને નવા બોર્ડની રચના કરવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ અરજી કરી. આ ગ્રુપ દેશ માટે કોરોના જેવી આફત સમાન બની ગયું, કારણકે સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને બ્રોકરેજ પાસે આ ગ્રુપના 11 લાખ કરોડ રૂપિયા કરતાં વધુના બોન્ડ હતા. આઘાતજનક વાત એ છે કે આ ગ્રુપને ડબલ એ પ્લસ ક્રેડિટ રૅટિંગ મળ્યું હતું, જ્યારે કે સંપૂર્ણ ગ્રુપમાં ગુપચુપ અનેક ગરબડો ચાલતી હતી અને તેણે ડિફોલ્ટ કર્યા બાદ ક્રેડિટ રૅટિંગ ઍજન્સીઓએ તરત જ તેનું રૅટિંગ ઘટાડી દીધું હતું.

વીસ-વીસ વરસથી ગોટાળા

સરકારે જાણીતા બૅન્કર ઉદય કોટકના અધ્યક્ષસ્થાને રચેલા નવા બોર્ડને સમસ્યાનો હલ લાવવાની જવાબદારી સોંપી, પરંતુ તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર સમસ્યા ઉકેલાવાને બદલે ગ્રુપના સમગ્ર તંત્રમાં અને દેશના નાણાકીય તંત્રમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છતું થતું ગયું છે. હાલમાં ગ્રાન્ટ થોર્નટન કંપની દ્વારા એક ફોરેન્સિક ઑડિટના અહેવાલની જાહેરાત થઈ. ગ્રાન્ટ થોર્નટને આઇએલઍન્ડએફએસ એન્જિનિયરિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (આઇઈસીસીએલ)નું ફોરેન્સિક ઑડિટ કરીને તેનો અહેવાલ 6 મે 2021ના રોજ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપમાં 2018થી નહીં પણ છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા છે અને તેમાં ગ્રુપના સંચાલકો પણ સંડોવાયેલા હોવાની શંકા છે. નવાઈની વાત તો એ છે કે સરકારે જે નવા બોર્ડની નિમણૂક કરી છે તેણે પણ ફોરેન્સિક ઑડિટર ગ્રાન્ટ થોર્નટન (જીટી)ને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં ગલ્લાંતલ્લાં કર્યાં છે. નોંધનીય છે કે વરિષ્ઠ નિવૃત્ત સરકારી અમલદારોને નવા બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના અખત્યાર હેઠળ પણ ગ્રુપમાં હજી ગરબડ ચાલી રહી હોવાનું કહેવાય છે. ચાળીસેક કિસ્સાઓમાં તો ઑડિટ માટે બૅન્ક સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યાં નથી.

નવું બોર્ડ નામ માત્રનું?

આઇઈસીસીએલના મૅનેજિંગ ડિરેક્ટર સહિતના આ સંચાલકોએ ગ્રુપમાં ચાલી રહેલી ગરબડ વિશે પોતાના અંગત ઈમેઇલ મારફતે સત્તાવાર સંદેશવ્યવહાર કર્યો હતો. એ બધી વિગતો દેશના માથે બેઠેલી આ આફતને સમજવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ નવા બોર્ડની મહેરબાનીથી એ પણ શક્ય બન્યું નથી. નવા બોર્ડે જીટીને એ સંદેશવ્યવહારની વિગતો પૂરી પાડી નથી તેમ છતાં જીટીને જેટલી માહિતી અને ડેટા મળ્યા તેના પરથી પણ ગંભીર કૌભાંડો અને ગોટાળાઓનો પર્દાફાશ થયો છે. આઇઈસીસીએલે પોતાના કાર્યકાળમાં જેટલો ખર્ચ કર્યો તેમાંથી લગભગ 80 ટકા ખર્ચ કોઈને કોઈ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો, પરંતુ તેમાંથી ફક્ત 22 ટકા ડેટા જીટીને પૂરો પાડવામાં આવ્યો હતો. પરિણામે, જીટી એ કંપનીના પ્રોજેક્ટ વિશે સર્વાંગી વિશ્લેષણ કરી શકી નથી.

જીટીએ તો 2019ની 13મી જૂનથી ડેટા માગવાનું શરૂ કર્યું હતું પરંતુ અનેક ઇમેલ કર્યા પછી પણ માત્ર 22.5 ટકા પ્રોજેક્ટને લગતી 25થી 30 ટકા જેટલી જ માહિતી મળી. છેલ્લે તો ગયા વર્ષે 7 ઑક્ટોબરના રોજ કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે જીટીને ઈમેલમાં કહી દીધું કે બધો ઉપલબ્ધ ડેટા આપી દેવાયો છે, વધુ ડેટા નથી. દેખીતી વાત છે કે નવા બોર્ડ ઑફ ડિરેક્ટર્સની પરવાનગી વગર સીએફઓ આ ઇમેલ કરી શકે નહીં.

ભ્રષ્ટાચારના ભોરિંગ સમાન

કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે પેન્શન ફંડ પેન્શન ફંડ, સરકારી સંસ્થાઓ, બોન્ડ ધરાવતા સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓનાં નાણાંની રિકવરી માટે આઇએલઍન્ડએફએસમાં નવા બોર્ડની રચના કરી હતી, પરંતુ આજે લગભગ ત્રણ વર્ષે એવી પરિસ્થિતિ છે કે ગ્રુપની એક કંપની વિશે પણ ફોરેન્સિક ઑડિટ પૂરું કરવામાં ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે. શું નિવૃત્ત સરકારી અમલદારોની નિમણૂક આના માટે કરવામાં આવી હતી? સરકારે ઉદય કોટકના ચૅરમૅનપદે નીમેલા નવા બોર્ડમાં મૂકેલા ભરોસાનું શું? નોંધનીય છે કે રવિ પાર્થસારથિ લગભગ 25 વર્ષ સુધી આ મહાકાય ગ્રુપના વડા હતા અને તેનો ભાંડો ફૂટ્યો એના થોડા જ સમય પહેલાં તેમણે પદ છોડયું હતું. જીટીના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે હજી પણ જૂના સંચાલકોના વફાદારો ગ્રુપમાં સક્રિય છે અને તેઓ બધા ભ્રષ્ટ વ્યવહારોના ઢાંકપિછોડા કરવા માગે છે. જનતાના નાણાંની રિકવરી કરવાની નવા બોર્ડ સહિત કોઈને પડી નથી. ફોરેન્સિક ઑડિટની ટીમને સહકાર નહીં આપવા બદલ શું નવું મૅનેજમેન્ટ જવાબદાર નથી? તેનું પરિણામ એ આવશે કે 40,000 કરોડ રૂપિયાના નુકસાન માટે જવાબદાર લોકો બચી જશે અને નુકસાન સહન કરનારાઓના હાથમાં બાબાજી કા ઠુલ્લુ આવશે.

સત્યમ ગ્રુપ સાથે કનેક્શન

વાચકોને જાણીને નવાઈ લાગશે કે આઇઈસીસીએલ મૂળ માયતાસ ઇન્ફ્રા લિમિટેડ કંપની હતી, જે કૌભાંડી સત્યમ ગ્રુપનો કિસ્સો હતી. આમ, આઇઈસીસીએલનાં મૂળ અને કુળ કૌભાંડથી જ ભરેલાં છે. તેમાં આઇએલઍન્ડએફએસે ઘટાડો કરવાને બદલે વધારો જ કર્યો છે.

સત્યમ ગ્રુપમાં અકાઉન્ટિંગની ગરબડ બહાર આવી ત્યારે આઇએલઍન્ડએફએસે વર્ષ 2009માં આઇઈસીસીએલની ખરીદી કરી હતી. 2010-11માં માયતાસ ઇન્ફ્રાનું નામ બદલીને આઇઈસીસીએલ કરવામાં આવ્યું અને એના બીજા જ વર્ષથી એમાં ભૂત ગયા અને પલિત જાગ્યાની જેમ વધુ ગોટાળા થવા લાગ્યા. આઇએલઍન્ડએફએસ માયતાસ ઇન્ફ્રાનું પુનરુત્થાન કરશે એવી ધારણા હતી, પરંતુ જીટીના આ અહેવાલ પરથી તો એવું જ લાગે છે કે ખરીદી કરનારા ગ્રુપે કંપનીની મથરાવટી મેલી ને મેલી જ રાખી અને એનો ઉપયોગ પોતાના ગોરખધંધાઓ માટે કર્યો.

પાયાનો સવાલ શું છે?

હવે સવાલ એ છે કે જીટીના અહેવાલ બાદ શું નવું બોર્ડ દેશની નૅશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઑથોરિટીને આ બધા ગોરખધંધાની જાણ કરશે? શું ફોરેન્સિક ઑડિટરને માહિતી નહીં આપવા બદલ નવા બોર્ડને જવાબદાર ગણવામાં આવશે? શું સરકાર નવા બોર્ડ સામે કોઇ પગલાં લેશે? છેલ્લે, સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે સામાન્ય નાગરિકોનાં નાણાંનું આટલી હદે સત્યાનાશ કરનારાઓને ક્યારે અને શું સજા થશે અને રોકાણકારોને એમનાં નાણાં કઈ રીતે-ક્યારે પરત મળશે?

(સૌજન્યઃ ગુજરાત ગાર્ડિયન)

——————

માત્ર બે કંપની, ફસાયા લાખો ઇન્વેસ્ટર્સ, અટવાયા અબજો રૂપિયા

ફાઇનાન્સ કંપનીઓના ‘ફંડા’માં ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ!

કેટલીક ફાઇનાન્સ કંપનીઓ જાયન્ટ ગ્રુપ બની ગયા બાદ એમાં ઘણી ગોલમાલ ચાલુ થઈ જતી હોય છે, પરંતુ તેનો ભાંડો ફૂટે છે ત્યારે તેના અંત સમયે બૅન્કો, નાણાં સંસ્થાઓ, બોન્ડધારકો સહિતની નાની-મોટી હસ્તીઓ તેમાં ફસાઈ ગઈ હોય છે. આવી મહાકાય કંપનીઓના ગ્રુપમાં થતી છેતરપિંડીનાં કાળાં કારનામાં સમજવાં જોઈએ, કેમ કે ફાઇનાન્શિયલ માર્કેટ અને સિસ્ટમમાં ખદબદતા કૌભાંડનો પર્દાફાશ થાય ત્યારે આપણી સામે ખરા અર્થમાં રોકાણની શિક્ષા (સજા અને સબક) બને છે…

  • જયેશ ચિતલિયા

તાજેતરમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં બે નામો સતત ચર્ચાનો વિષય બન્યાં છે, એક, આઇએલઍન્ડએફએસ અને બે, ડીએચએફએલ. આ બન્ને કંપનીઓ વચ્ચે ત્રણ બાબત કોમન છેઃ 1) બન્નેમાં લાખો રોકાણકારોનાં નાણાં અટવાઈ ગયાં છે, 2) બન્ને કંપનીઓનાં રોકાણ સાધનોને ઉંચાં રૅટિંગ પ્રાપ્ત થયાં હતાં અને 3) બન્ને કંપનીઓમાં આંતરિક કથિત ગોટાળા, ગરબડ કે મિસ- મૅનેજમેન્ટ થયા હોવાના ગંભીર આરોપો થયા છે, જેની તપાસ લાંબા સમયથી ચાલુ છે અને કેટલાક સ્પષ્ટ પુરાવા પણ તપાસમાં બહાર આવતાં રહ્યા છે.

હવે આ મામલા કાનૂની આંટીઘૂંટીમાં અટવાયા હોવાથી રોકાણકારોની સમસ્યાનો ઉપાય કયારે અને કેટલો કે કેવો થશે એ સવાલ બની ગયો છે.

‘દીવાનોં’ સે યે મત પૂછો…

હાલ હોટ ચર્ચાનો વિષય બનેલી ડીએચએફએલ એટલે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિ. એક યા બીજા કારણસર તેનું દેવું ખૂબ વધી ગયું હતું અને તેણે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)નાં નાણઆં પરત કરવામાં વિલંબ કરવાને પરિણામે રૅટિંગ ઍજન્સીઓ – ક્રિસિલ અને ઇકરાએ તેના રૅટિંગને ડિફોલ્ટ કેટેગરીમાં મૂકી દીધું હતું. કેર રૅટિંગ ઍજન્સીએ તો આ કંપનીના લોંગ ટર્મ ડેટ સાધન (એનસીડી) તેમ જ ફિક્સ્ડ ડિપોઝિટને પણ ડિફોલ્ટ રૅટિંગ આપ્યું હતું, જેને પગલે કંપનીના આશરે 58,000 કરોડના પેપર્સ ડિફોલ્ટ કેટેગરીમાં આવી ગયા હતા.

આ ઘટનાથી રોકાણકારોના વિશ્વાસને એવો આઘાત લાગ્યો કે ડેટ સાધનોમાં પોતાનાં નાણાં ઉંચી સલામતી ધરાવતા હોવાનું માનતા રોકાણકારોનો ભ્રમ વધુ એક વાર તૂટ્યો હતો.

ઇન્સોલ્વન્સી કોની? નાદાર કોણ?

ડીએચએફએલે બૅન્કોનાં કરજ પણ ડુબાડી દીધાં હોવાથી આ મામલો ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ ગયો હતો. જોકે, હાલમાં બૅન્કોનાં નાણાં પાછાં મળવાનો મૂળ મુદ્દો બાજુએ રહી ગયો છે અને ડીએચએફએલના પ્રમોટરે સંપત્તિ વેચીને કરજ ચૂકવવા માટે કરેલી ઑફર વિશે ચર્ચા ચાલુ થઈ ગઈ છે.

ડીએચએફએલને અપાયેલા ઉંચા રૅટિંગને કારણે રોકાણકારો ભોળવાઈ ગયા હતા. હાલના અંદાજ મુજબ ડીએચએફએલે 87,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવવાની નીકળે છે, આ કિસ્સામાં ફિક્સ્ડ ડિપોઝિટ ધારકોને આશરે 75 ટકા તથા બોન્ડધારકોને 60 ટકા નુકસાન થવાનું અનુમાન મુકાય છે. આમ, ઈન્સોલ્વન્ટ કંપની બને છે અને નાદાર જેવી હાલત તેના રોકાણકારોની થાય છે.

હવે રિઝોલ્યુશન પ્લાન

દરમ્યાન, નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) માટેના પિરામલ ગ્રુપના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ આદેશ લાગુ પડશે કે નહીં એનો આધાર ઍપેલેટ ટ્રિબ્યુનલ અને સર્વોચ્ચ અદાલતમાં આવનારા અપીલના પરિણામ પર નિર્ભર છે. 

પિરામલે ગ્રુપે ડીએચએફએલ માટે 37,250 કરોડ રૂપિયાનો રિઝોલ્યુશન પ્લાન સુપરત કર્યો છે. કમિટી ઑફ ક્રેડિટર્સ, રિઝર્વ બૅન્ક તથા કોમ્પિટીશન કમિશન ઑફ ઇન્ડિયા આની પહેલાં જ આ પ્લાનને મંજૂરી આપી ચૂક્યાં છે. જોકે, ડીએચએફએલના અગાઉના પ્રમોટર કપિલ વાધવાને નૅશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રિબ્યુનલના આદેશ સામે સ્ટે અર્થે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

ઍપેલેટ ટ્રિબ્યુનલે વાધવાનની સેટલમેન્ટ ઑફર વિશે વિચારણા કરવા માટે કમિટી ઑફ ક્રેડિટર્સને અપાયેલા નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ના આદેશ પર સ્ટે મૂક્યો છે. આમ, આ કેસ હવે સર્વોચ્ચ અદાલત પાસે છે એવા સંજોગોમાં ટ્રિબ્યુનલે પિરામલનો પ્લાન મંજૂર કર્યો છે.  

એક રૂપિયાનું વેલ્યુએશન!!!

ડીએચએફએલને હસ્તગત કરવાની બિડ પિરામલ ગ્રુપે મૂકીને ડીએચએફએલની તેમ જ ફાઈનાન્સ કંપનીઓની અને સિસ્ટમની ગંભીર મજાક ઉડાવી હોય એવું લાગે છે. આ મજાક એ છે કે પિરામલ ગ્રુપે ડીએચએફએલના કહેવાતાં ડૂબેલાં નાણાંમાંથી કોઈ રિકવરી નહીં થાય એવું કહીને તેનું વેલ્યુએશન માત્ર એક રૂપિયાનું મૂક્યું છે. વાહ,45,000 કરોડ રૂપિયાની ગરબડ અને રિકવરી થશે માત્ર એક રૂપિયો! કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના જેવી આ વાત દીવાન હાઉસિંગ ફાઇનાન્સમાં થઈ છે. એક સમયે જેનાં સ્ટિકરો ટ્રેનમાં ચોંટાડવામાં આવતાં એ કંપની જોતજોતામાં અબજો રૂપિયામાં રમતી થઈ ગઈ અને હવે લાખો રોકાણકારોના અબજો રૂપિયા અટવાઈ ગયા છે. ભારતના, સંભવતઃ વિશ્વના, કૉર્પોરેટ ટેકઓવરનો આ એકમાત્ર કિસ્સો હશે, જેમાં ખરીદનાર કંપની કમાઈ જશે અને લાખો રોકાણકારોએ રાતા પાણીએ રોવાનો વારો આવશે.

આ જ કારણ છે કે ડીએચએફએલને હસ્તગત કરવાના પિરામલ ગ્રુપના આ પ્લાન સામે 63 મૂન્સ ટેક્નૉલૉજીસે પડકાર ફેંક્યો છે. 63 મૂન્સ ડીએચએફએલના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં રૂ।. 200 કરોડનું રોકાણ ધરાવે છે.

આથી તેણે આ કેસનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેના અભિપ્રાય મુજબ પિરામલનો પ્લાન કાયદાથી વિરુદ્ધ છે અને બૅન્કો અને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ધારકોના હિતમાં નથી.

ડીએચએફએલે લેણદાર બૅન્કોને નાણાં ચૂકવવામાં ડિફોલ્ટ કર્યા બાદ રિઝર્વ બૅન્કે તેનો કેસ નવેમ્બર 2019માં એનસીએલટીને રિફર કર્યો હતો. લેણદાર બૅન્કોએ આ કંપની પાસેથી 87,000 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. 

આઇએલઍન્ડએફએસમાં દસ વરસથી શરૂ થયેલી ગરબડ

આઇએલઍન્ડએફએસ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ. આ કંપનીની કામગીરીનાં કાળાં પરિણામ 2018થી બહાર આવવાનાં શરૂ થયાં હતાં. સપ્ટેમ્બર 2018માં સિડબીની 1,000 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યો હતો. એ જ વખતે તેની એક પેટા કંપનીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 500 કરોડ રૂપિયાની લોન પણ ચૂકવી નહીં. એ ઘટનાના ગણતરીના દિવસોમાં કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે આઇએલઍન્ડએફએસ ગ્રુપના બોર્ડને સુપરસીડ કરીને નવા બોર્ડની રચના કરવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ અરજી કરી. સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને બ્રોકરેજ હાઉસ પાસે આ ગ્રુપના 11 લાખ કરોડ રૂપિયા કરતાં વધુના બોન્ડ હતા. આઘાતજનક વાત એ છે કે આ ગ્રુપને AA+ ક્રેડિટ રૅટિંગ મળ્યું હતું, જ્યારે કે સંપૂર્ણ ગ્રુપમાં ગુપચુપ અનેક ગરબડો ચાલતી હતી અને તેણે ડિફોલ્ટ કર્યા બાદ ક્રેડિટ રૅટિંગ ઍજન્સીઓએ તરત જ તેનું રૅટિંગ ઘટાડી દીધું હતું.  

ફોરેન્સિક ઓડિટનું પરિણામ

સરકારે જાણીતા બૅન્કર ઉદય કોટકના અધ્યક્ષસ્થાને રચેલા નવા બોર્ડને સમસ્યાનો હલ લાવવાની જવાબદારી સોંપી, પરંતુ તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર સમસ્યા ઉકેલાવાને બદલે ગ્રુપના સમગ્ર તંત્રમાં અને દેશના નાણાકીય તંત્રમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છતું થયું છે. 

આંતરરાષ્ટ્રીય ઑડિટ કંપની ગ્રાન્ટ થોર્નટન (જીટી) દ્વારા એક ફોરેન્સિક ઑડિટના અહેવાલની જાહેરાત થઈ છે. ગ્રાન્ટ થોર્નટને આઇએલઍન્ડએફએસ એન્જિનિયરિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (આઇઈસીસીએલ)નું ફોરેન્સિક ઑડિટ કરીને કહ્યું છે કે આ ગ્રુપમાં 2018થી નહીં, પણ છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા હતા.

બાબાજી કા ઠુલ્લુ

કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે પેન્શન ફંડ, સરકારી સંસ્થાઓ, બોન્ડ ધરાવતા સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓનાં નાણાંની રિકવરી માટે આઇએલઍન્ડએફએસમાં નવા બોર્ડની રચના કરી હતી, પરંતુ આજે લગભગ ત્રણ વર્ષે એવી પરિસ્થિતિ છે કે ગ્રુપની એક કંપની વિશે પણ ફોરેન્સિક ઑડિટમાં ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે. તેનું પરિણામ લગભગ એ આવશે કે 40,000 કરોડ રૂપિયાના નુકસાન માટે જવાબદાર લોકો બચી જશે અને નુકસાન સહન કરનારાઓના હાથમાં બાબાજી કા ઠુલ્લુ રહી જશે. 

દરમિયાન, શુક્રવારે સાંજે આવેલા અહેવાલ મુજબ આઇએલએફએસ ગ્રુપના ભૂતપૂર્વ હેડ રવિ પાર્થસારથિની ચેન્નાઈની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે ધરપકડ કરી છે. આ ગ્રુપે આશરે 350 ગ્રુપ કંપનીઓ શરૂ કરીને અંદાજે એક લાખ કરોડ રૂપિયાની ગરબડ કરી હોવાનો આરોપ છે. 63 મૂન્સ ટેક્નૉલૉજીસે કરેલી ફરિયાદ સંબંધે ગ્રુપ સામે એફઆઇઆર રજિસ્ટર્ડ થઈ હતી.

ઈન શોર્ટ, આ બન્ને તોતિંગ કેસો ફાઇનાન્શિયલ માર્કેટ- ઇન્વેસ્ટમેન્ટ જગત માટે કલંક સમાન છે. આવા તો અનેક કિસ્સા છે, પરંતુ શું એ પછી તેમાંથી સરકાર, નિયમન તંત્રો, અન્ય કંપનીઓ અને રોકાણકારો બોધ લઈને સુધરશે ખરાં?

(સૌજન્યઃ મુંબઈ સમાચાર)

———————————————–

કૌભાંડી આઇએલઍન્ડએફએસમાં હજી પણ ભ્રષ્ટાચાર ખદબદતો હોવાની શંકાઃ ગ્રુપના નવા બોર્ડે પણ ફોરેન્સિક ઑડિટરને પૂરતી માહિતી પૂરી પાડી નથી

એનું નામ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ (આઇએલઍન્ડએફએસ) છે, પરંતુ એને ભારત પર બેઠેલી પનોતી કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. આ કંપનીએ સપ્ટેમ્બર 2018માં સિડબીની 1,000 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યો હતો. એ જ વખતે તેની એક પેટા કંપનીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 500 કરોડ રૂપિયાની લોન ચૂકવી નહીં. એ ઘટનાના ગણતરીના દિવસોમાં કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે આઇએલઍન્ડએફએસ ગ્રુપના બોર્ડને સુપરસીડ કરીને નવા બોર્ડની રચના કરવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ અરજી કરી. આ ગ્રુપ દેશ માટે પનોતી કહેવાય, કારણ કે સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને બ્રોકરેજ પાસે આ ગ્રુપના 11 લાખ કરોડ રૂપિયા કરતાં વધુના બોન્ડ હતા. ઢમ ઢોલ માંહે મોટી પોલની જેમ ગ્રુપને AA+ ક્રેડિટ રૅટિંગ મળ્યું હતું. સંપૂર્ણ ગ્રુપમાં અંદરખાને અનેક ગરબડો ચાલતી હતી અને તેણે ડિફોલ્ટ કર્યા બાદ ક્રેડિટ રૅટિંગ ઍજન્સીઓએ તરત જ તેનું રૅટિંગ ઘટાડી દીધું હતું.

સરકારે જાણીતા બૅન્કર ઉદય કોટકના અધ્યક્ષસ્થાને રચેલા નવા બોર્ડને સમસ્યાનો હલ લાવવાની જવાબદારી સોંપી, પરંતુ તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર સમસ્યા ઉકેલાવાને બદલે ગ્રુપના સમગ્ર તંત્રમાં અને દેશના નાણાકીય તંત્રમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છતું થયું છે.

છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા છે

તાજેતરની આ ઘટના એટલે ગ્રાન્ટ થોર્નટન કંપની દ્વારા એક ફોરેન્સિક ઑડિટના અહેવાલની જાહેરાત. ગ્રાન્ટ થોર્નટને આઇએલઍન્ડએફએસ એન્જિનિયરિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (આઇઈસીસીએલ)નું ફોરેન્સિક ઑડિટ કરીને તેનો અહેવાલ 6 મે, 2021ના રોજ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપમાં 2018થી નહીં, પણ છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા છે અને તેમાં ગ્રુપના સંચાલકો પણ સંડોવાયેલા હોવાની શંકા છે. નવાઈની વાત તો એ છે કે સરકારે જે નવા બોર્ડની નિમણૂક કરી છે તેણે પણ ફોરેન્સિક ઑડિટર ગ્રાન્ટ થોર્નટન (જીટી)ને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં ગલ્લાંતલ્લાં કર્યાં છે. નોંધનીય છે કે વરિષ્ઠ નિવૃત્ત સરકારી અમલદારોને નવા બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના અખત્યાર હેઠળ પણ ગ્રુપમાં હજી ગરબડ ચાલી રહી છે. જેમને બગડેલી બાજી સુધારવાની જવાબદારી સોંપવામાં આવી હતી એ જ લોકોએ ખોટી કે અપૂરતી માહિતી પૂરી પાડી છે. ચાળીસેક કિસ્સાઓમાં ઑડિટ માટે બૅન્ક સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યાં નથી.

ગોટાળામાં આઇએલઍન્ડએફએસના તત્કાલીન સંચાલકો પણ સંડોવાયેલા હતા

જીટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે 2011-12થી શરૂ થયેલા ગોટાળામાં આઇએલઍન્ડએફએસના તત્કાલીન સંચાલકો પણ સંડોવાયેલા હતા. રવિ પાર્થસારથિ, હરિ શંકરન, અરુણ સાહા, કે. રામચંદ, મુકુંદ સપ્રે (આઇઈસીસીએલના મૅનેજિંગ ડિરેક્ટર) અને એમ. ડી. ખટ્ટર સહિતના આ સંચાલકોએ ગ્રુપમાં ચાલી રહેલી ગરબડ વિશે પોતાના અંગત ઈ-મેઇલ મારફતે સત્તાવાર સંદેશવ્યવહાર કર્યો હતો. એ બધી વિગતો દેશના માથે બેઠેલી પનોતીને સમજવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ નવા બોર્ડની મહેરબાનીથી એ પણ શક્ય બન્યું નથી. નવા બોર્ડે જીટીને એ સંદેશવ્યવહારની વિગતો પૂરી પાડી નથી. જીટીને જેટલી સામગ્રી મળી તેના પરથી પણ પ્રચંડ મોટાં કૌભાંડો અને ગોટાળાઓ પ્રકાશમાં આવ્યાં છે. આથી જ રિપોર્ટના પ્રથમ પાના પર જીટીએ નોંધ કરી છે કે તેને પૂરા પાડવામાં આવેલા આઇઈસીસીએલના ફક્ત 40 ટકા ડેટાના આધારે તેણે ફોરેન્સિક ઑડિટનો અહેવાલ તૈયાર કર્યો છે.

આઇઈસીસીએલે પોતાના કાર્યકાળમાં જેટલા ખર્ચ કર્યા એમાંથી લગભગ 80 ટકા ખર્ચ કોઈ ને કોઈ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો, પરંતુ એમાંથી ફક્ત 22 ટકા ડેટા જીટીને પૂરો પાડવામાં આવ્યો હતો. પરિણામે, જીટી એ કંપનીના પ્રોજેક્ટ વિશે સર્વાંગી વિશ્લેષણ કરી શકી નથી.

જીટીએ તો 2019ની 13મી જૂનથી ડેટા માગવાનું શરૂ કર્યું હતું, પરંતુ અનેક ઈ-મેઇલ કર્યા પછી પણ માત્ર 22.5 ટકા પ્રોજેક્ટને લગતી 25થી 30 ટકા જેટલી જ માહિતી મળી. છેલ્લે તો ગયા વર્ષે 7 ઑક્ટોબરના રોજ કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે જીટીને ઈ-મેઇલમાં કહી દીધું કે બધો ઉપલબ્ધ ડેટા આપી દેવાયો છે, વધુ ડેટા નથી. દેખીતી વાત છે કે નવા બોર્ડ ઑફ ડિરેક્ટર્સની પરવાનગી વગર સીએફઓ આ ઈ-મેઇલ કરી શકે નહીં.

ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે

કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે પેન્શન ફંડ, સરકારી સંસ્થાઓ, બોન્ડ ધરાવતા સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓનાં નાણાંની રિકવરી માટે આઇએલઍન્ડએફએસમાં નવા બોર્ડની રચના કરી હતી, પરંતુ આજે લગભગ ત્રણ વર્ષે એવી પરિસ્થિતિ છે કે ગ્રુપની એક કંપની વિશે પણ ફોરેન્સિક ઑડિટ પૂરું કરવામાં ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે. શું નિવૃત્તિ સરકારી અમલદારોની નિમણૂક આના માટે કરવામાં આવી હતી! અને સરકારે ઉદય કોટક પર મૂકેલા ભરોસાનું શું! બોર્ડમાં કોટક ઉપરાંત સી. એસ. રાજન, જી. સી. ચતુર્વેદી, શ્રીનિવાસન નટરાજન, નંદકિશોર અને માલિની શંકર એ બધા ડિરેક્ટર્સ છે.

હજી પણ જૂના સંચાલકોના વફાદારો ગ્રુપમાં સક્રિય છે

જીટીના અહેવાલ વિશે જાણકારી મળ્યા બાદ જાણીતા પત્રકાર સૂચેતા દલાલે આઇએલઍન્ડએફએસના કોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ અને ચૅરમૅનનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

ફક્ત 40 ટકા ડેટા પરથી પણ ગ્રુપના ભૂતપૂર્વ સંચાલક રવિ પાર્થસારથિના વડપણ હેઠળના સંચાલકગણના વાંધાજનક વ્યવહારો વિશેના આઘાતજનક તથ્યો પ્રકાશમાં આવ્યાં છે. નોંધનીય છે કે પાર્થસારથિ લગભગ 25 વર્ષ સુધી આ મહાકાય ગ્રુપના વડા હતા અને તેનો ભાંડો ફૂટ્યો એના થોડા જ સમય પહેલાં તેમણે પદ છોડ્યું હતું.

જીટીના અહેવાલ પરથી વગર કીધે સ્પષ્ટ થઈ જાય છે કે હજી પણ જૂના સંચાલકોના વફાદારો ગ્રુપમાં સક્રિય છે અને તેઓ બધા ભ્રષ્ટ વ્યવહારોના ઢાંકપિછોડા કરવા માગે છે. જનતાનાં નાણાંની રિકવરીની નવા બોર્ડ સહિત કોઈને પડી નથી.

આઇઈસીસીએલ મૂળ માયતાસ ઇન્ફ્રા લિમિટેડ કંપની હતી

ફોરેન્સિક ઑડિટની ટીમને સહકાર નહીં આપવા બદલ શું નવું મૅનેજમેન્ટ જવાબદાર નથી? તેનું પરિણામ એ આવશે કે 40,000 કરોડ રૂપિયાના નુકસાન માટે જવાબદાર લોકો બચી જશે અને નુકસાન સહન કરનારાઓના હાથમાં બાબાજી કા ઠુલ્લુ આવશે.

હવે વાંચકોને જાણીને નવાઈ લાગશે કે આઇઈસીસીએલ મૂળ માયતાસ ઇન્ફ્રા લિમિટેડ કંપની હતી, જે કૌભાંડી સત્યમ ગ્રુપનો હિસ્સો હતી.

આમ, આઇઈસીસીએલનાં મૂળ અને કુળ કૌભાંડથી જ ભરેલાં છે. તેમાં આઇએલઍન્ડએફએસે ઘટાડો કરવાને બદલે વધારો જ કર્યો છે.

સત્યમ ગ્રુપમાં અકાઉન્ટિંગની ગરબડ બહાર આવી ત્યારે આઇએલઍન્ડએફએસે વર્ષ 2009માં આઇઈસીસીએલની ખરીદી કરી હતી. 2010-11માં માયતાસ ઇન્ફ્રાનું નામ બદલીને આઇઈસીસીએલ કરવામાં આવ્યું અને એના બીજા જ વર્ષથી એમાં ભૂત ગયા ને પલીત જાગ્યાની જેમ વધુ ગોટાળા થવા લાગ્યા. આઇએલઍન્ડએફએસ માયતાસ ઇન્ફ્રાનું પુનરુત્થાન કરશે એવી ધારણા હતી, પરંતુ જીટીના અહેવાલ પરથી તો એવું જ લાગે છે કે ખરીદી કરનારા ગ્રુપે કંપનીની મથરાવટી મેલી ને મેલી જ રાખી અને એનો ઉપયોગ પોતાના ગોરખધંધાઓ માટે કર્યો.

જીટીના ફોરેન્સિક ઑડિટમાં જણાવવામાં આવ્યું છે કે આઇઈસીસીએલનું આર્થિક સંકટ છુપાવવામાં આવ્યું હતું તથા તેના ઑડિટ અહેવાલોમાં બનાવટ કરવામાં આવી હતી. અનેક વ્હીસલબ્લોઅરોએ કૌભાંડો બહાર લાવવાની કોશિશ કરી, પરંતુ ગ્રુપના તત્કાલીન સંચાલકોએ બધાનો અવાજ દાબી દીધો.

સત્યમે માયતાસ ઇન્ફ્રાનો કર્યો નહતો એટલો ખરાબ ઉપયોગ આઇએલઍન્ડએફએસે આઇઈસીસીએલનો કર્યો

અહેવાલ મુજબ આઇઈસીસીએલની 31 માર્ચ 2018ના રોજની લાયેબિલિટી 5,306 કરોડ રૂપિયા હતી અને એમાં ભરપૂર પ્રમાણમાં નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હતી. સત્યમે માયતાસ ઇન્ફ્રાનો કર્યો નહતો એટલો ખરાબ ઉપયોગ આઇએલઍન્ડએફએસે આઇઈસીસીએલનો કર્યો હતો.

હવે સવાલ એ છે કે જીટીના અહેવાલ બાદ શું નવું બોર્ડ દેશની નૅશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઑથોરિટીને આ બધા ગોરખધંધાની જાણ કરશે? શું ફોરેન્સિક ઑડિટરને માહિતી નહીં આપવા બદલ નવા બોર્ડને જવાબદાર ગણવામાં આવશે? શું નવા બોર્ડની સામે સરકાર કોઈ પગલાં લેશે? છેલ્લે, સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે સામાન્ય નાગરિકોનાં નાણાંનું આટલી હદે સત્યાનાશ કરનારાઓને આ દેશમાં ક્યારે સજા થશે?

——————–

લોકપાલે પી. ચિદમ્બરમ સામે ફોજદારી કામ ચલાવવા માટે મંજૂરી આપવા છતાં આર્થિક બાબતોનું ખાતું નિયમોને ઘોળીને પી રહ્યું છે

દેશના નાણાકીય ક્ષેત્ર પર શું પી. ચિદમ્બરમે અજગરનો ભરડો લીધો છે?

કોઈ પણ વસ્તુને પ્રબળતાથી પકડી રાખવામાં આવી હોય ત્યારે અજગરનો ભરડો એવો શબ્દપ્રયોગ થાય છે. દેશના નાણાકીય ક્ષેત્ર પર પી. ચિદમ્બરમે જમાવેલી પકડ માટે પણ અજગરનો ભરડો જ કહેવું પડે એવું એક પછી એક કેટલાંય ઉદાહરણો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

હાલમાં પ્રકાશિત માહિતી મુજબ એક ફોજદારી ફરિયાદ સંબંધે ચિદમ્બરમ સામે કામ ચલાવવા માટે લોકપાલ અને કેન્દ્રીય દક્ષતા પંચે (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી) મંજૂરી આપી હોવા છતાં કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના ખાતાએ હજી સુધી તેના માટે હા ભણી નથી.

નાગરિકોને સજાગ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતી પીગુરુસ ડોટ કોમ (https://www.pgurus.com/) વેબસાઇટના એક અહેવાલ (https://www.pgurus.com/dea-protects-p-chidambaram-k-p-krishnan-ramesh-abhishek-in-a-criminal-complaint-filed-with-cbi-by-63-moons/#_ftn1) અનુસાર 63 મૂન્સ ટેક્નૉલૉજીસે ચિદમ્બરમ, નાણાં ખાતાના ભૂતપૂર્વ અતિરિક્ત સચિવ કે. પી. કૃષ્ણન અને ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેક વિરુદ્ધ ભ્રષ્ટાચાર અટકાયત ધારાની કલમ 17એ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) સમક્ષ કરાયેલી આ ફરિયાદમાં 63 મૂન્સે કહ્યું છે કે તેની પેટા કંપની એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં જુલાઈ 2013માં પૅમેન્ટ કટોકટી સર્જાઈ ત્યારે ઉક્ત ત્રણે વ્યક્તિઓએ પોતપોતાના સરકારી હોદ્દાઓનો દુરુપયોગ કરીને 63 મૂન્સને જાણીજોઈને નુકસાન પહોંચાડ્યું છે.

63 મૂન્સે આ કેસમાં લોકપાલ અને સીવીસી સમક્ષ ધા નાખી ત્યારે એ બન્ને સંસ્થાઓએ પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. સીવીસીએ તો એટલે સુધી કહ્યું હતું કે ફરિયાદમાં જણાવાયેલા ભ્રષ્ટાચારના આરોપ ગંભીર, નિશ્ચિત સ્વરૂપના અને ખરાઈ થાય એવા છે. તેણે 12 સપ્તાહની અંદર તપાસ પૂરી કરવાનો અને કાર્યવાહી માટેનાં સૂચનો સહિતનો અહેવાલ સુપરત કરવા માટે આર્થિક બાબતોના ખાતાને આદેશ સુદ્ધાં આપ્યો હતો. આર્થિક બાબતોના ખાતાએ નિયમ મુજબ 120 દિવસની અંદર ફરિયાદ સંબંધે કાર્યવાહી કરવી જરૂરી હોવા છતાં બે વર્ષ બાદ પણ હજી સુધી તેણે કોઈ જવાબ આપ્યો નથી.

આપણે અગાઉ આ બ્લોગમાં કહી ચૂક્યા છીએ કે પી. ચિદમ્બરમ દેશના આર્થિક ક્ષેત્રે પ્રચંડ વગ ધરાવે છે. ઉક્ત કેસ તેનું જ્વલંત ઉદાહરણ છે. દેશની માનનીય બે સંસ્થાઓ – લોકપાલ અને સીવીસીએ સ્પષ્ટપણે કહેવા છતાં આર્થિક બાબતોનું ખાતું આ ત્રણે વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી રહ્યું નથી તેના પરથી કહી શકાય કે ન્યાયને ઘોળીને પી જવાની બાબતમાં તેઓ માહેર છે.

પીગુરુસનું કહેવું છે કે 2જી કૌભાંડમાં ભ્રષ્ટ ગણાતી યુપીએ સરકારે પણ 24 કલાકની અંદર મંજૂરી આપી દીધી હતી. પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકે એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જી હતી અને તેનો હલ લાવવાનું આસાન હોવા છતાં એમ કર્યું નહીં. માત્ર આઠ દિવસમાં હલ થઈ શકે એવા એ કેસને આઠ વર્ષ પછી પણ એમ ને એમ રહેવા દેવાયો છે. એટલું જ નહીં, હાલમાં બનેલી એક ઘટનામાં લેણદારોને નાણાં ચૂકવવા માટેના મુંબઈ વડી અદાલતના આદેશનો અમલ અટકી જાય એ માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આમ, વડી અદાલતનો આદેશ બે સપ્તાહ મુલતવી રહી ગયો છે. આ બાબતે આવતી કડીમાં વાત કરીશું.

——————-

એનએસઈની ટેક્નિકલ ક્ષતિઃ ભુલાઈ ગઈ કે ભુલાવી દેવાશે?

સેબીની ચૂપકીદી અને નાણાં ખાતાની દલીલ ગળે ઊતરે એવી નથી!

એનએસઈ જેવા કેસમાં એક્સચેન્જ સામે, તેના સંબંધિત અધિકારીઓ સામે અને તેને ટેક્નૉલૉજી પૂરી પાડનાર કંપનીઓ સામે પણ ઍક્શન લેવાવી જોઈએ. આ સાથે રોકાણકારો કે બ્રોકરોને નુકસાન થયું હોય તેવા કિસ્સામાં તેમને એક્સચેન્જ વળતર પૂરું પાડે એવી કાનૂની જોગવાઈ કરવી જોઈએ.

આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની ટેક્નિકલ ખામી વિશે ગયા વખતે વિગતવાર વાત કરી હતી, કિંતુ નિયમનકાર સેબી જાણે આ કોઈ સામાન્ય ઘટના હોય તેમ ચૂપચાપ બેઠું છે. તાજેતરમાં એટલે કે ઘટનાના ત્રણ દિવસ બાદ નાણાપ્રધાને નિવેદન કરી એનએસઈની ઘટના દેશ માટે નુકસાનકારક ગણાય એવું કહ્યું, પરંતુ દેશને નુકસાન કરાવનાર એ એક્સચેન્જ સામે કોઈ ઍક્શનની વાત કરી નહીં. એક્સચેન્જ તો શું તેની કોઈ વ્યક્તિને પણ જવાબદાર ઠરાવાઈ નથી. ગઇ 24મી ફેબ્રુઆરીએ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં સર્જાયેલી યાંત્રિક ખામી એટલે કે ટેક્નિકલ ગ્લિચને લીધે એક્સચેન્જને ચાર કલાક કામકાજ બંધ રાખવાની ફરજ પડી હતી, જેમાં અબજો રૂપિયાના વ્યવહારો અટવાઇ ગયા હતા અને એક્સચેન્જે રાબેતા મુજબના સત્ર બાદ વધારાના કલાકો માટે ટ્રેડિંગ સત્ર રાખવું પડ્યું હતું. ભારતના પ્રથમ ક્રમાંકના એક્સચેન્જમાં આ નાલેશીભરી ઘટના બાદ પણ કોઈપણ અધિકારીને એના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી અને જાણે કંઈ બન્યું જ ન હોય એવો ઘાટ ઘડાયો છે. 

આપણે અહીં વરસો જૂના હર્ષદ મહેતા પ્રકરણને યાદ કરીએ તો એ સમયે તે સ્કૅમના નામે સિક્યૉરિટીઝ માર્કેટમાં તળિયાઝાટક ફેરફારો કરવામાં આવ્યા અને એક્સચેન્જ ક્ષેત્રે સ્પર્ધા થવી ઘટે એવું કહીને બીએસઈ સામે એનએસઈની સ્થાપના કરવામાં આવી હતી. સ્પર્ધા તો ઊભી થઈ ગઈ, પરંતુ એ તંદુરસ્ત છે એવો દાવો કોઈ કરી શકતું નથી. ઉલટાનું, એ સ્પર્ધાના નામે એનએસઈની જાણે મોનોપોલી થઈ ગઈ. જેની સામે લડી શકે એવા ત્યારના નવા એક્સચેન્જ એમસીએક્સ સ્ટોક એક્સચેન્જની પ્રમોટર કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (હાલનું નામ ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ લિ.)ને બીજા પ્રકરણમાં સંડોવીને તેને ફિટ એન્ડ પ્રોપર નથી એવા આરોપ સાથે બિઝેનેસમાંથી દૂર કરી દેવાઇ હતી, કારણ કે તે એક્સચેન્જ અને કંપની એનીએસઈને ફાઈટ આપવા તેમ જ તેને કટ્ટર સ્પર્ધામાં પાછળ પાડી દેવા સમર્થ હતી. આથી એ સમયના નાણાપ્રધાન પી. ચિદમ્બરમે તેમ જ તેમના બે સરકારી સાથીઓએ કેવી રમત રમી હતી એ જાહેર છે, જેમાં એકસાથે નવ એક્સચેન્જીસ વેચી દેવાની એફટીને ફરજ પડાઇ. એફટી ગ્રુપ ટ્રેડિંગમાં સક્ષમ હતું એટલું જ નહીં, ટેક્નૉલૉજીમાં પણ પાવરફુલ હતું. આજે પણ આ કંપની (૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ) ટેક્નૉલૉજી માટે અવ્વલ ગણાય છે. કમનસીબે, મોદી સરકાર તરફથી પી. ચિદમ્બરમને કંઈ થતું નથી અને તેમના ફેવરીટ એક્સચેન્જને પણ કંઇ કરી શકાતું નથી. પાવરફુલ કહેવાતું  નિયમન તંત્ર સેબી પણ તેની સામે ચૂપકીદી સેવી લે છે. હવે આ એનએસઈ ટેક્નિકલ ક્ષતિ પ્રકરણમાં પણ તપાસના નામે મામલો ભુલાવી દેવાય એવું બનવાની શક્યતા ઊંચી  જણાય છે.

એનએસઈની બાબતે સેબી કાયમ મૌન 

એનએસઈ આજની તારીખે ભારતનું સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ અને ડેરિવેટિવ્ઝમાં સમગ્ર વિશ્વમાં સૌથી મોટું એક્સચેન્જ બની ગયું છે, પરંતુ એ કઠણાઇ એ છે કે તે ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ અનેક ખામીઓથી ભરેલું હોવા છે અને છતાં એના ઉપાય માટે કોઈ પગલું હજી સુધી લેવામાં આવ્યું નથી.

24મી ફેબ્રુઆરીની લેટેસ્ટ ઘટના બાદ પણ કોઈ નક્કર ઍક્શન આવશે કે કેમ એ સવાલ છે. આપણે કૉ-લૉકેશન સ્કેમ વિશે અગાઉ વાત કરી હતી, જેમાં પણ સેબી અને સરકાર એનએસઈને છાવરતી હોય એવી છાપ પડી. આ કૉ-લૉકેશન કૌભાંડ એટલે ચોક્કસ બ્રોકરોને અન્ય કરતા માર્કેટમાં સોદા માટે ખાસ વહેલી અલગ સુવિધા કરી અપાઈ હતી, જેનો લાભ ચોક્કસ સ્થાપિત-વગદાર હિતો લઈ ગયાં હતાં. સેબી એ વખતે પણ મૌન રાખી બેઠું હતું. આવા અપરાધ બદલ વિદેશોમાં આકરી સજા અને ઍક્શન લેવાતી હોય છે. 

ક્લીયરિંગની ઇન્ટરઓપરેબિલિટીનું શું થયું?

એનએસઈએ યાંત્રિક ખામી બદલ કહ્યું છે કે તેની ટેલીકોમ લિંકની અસ્થિરતાને કારણે એની ક્લીયરિંગ તથા અન્ય સિસ્ટમ્સની જોખમ વ્યવસ્થાપન યંત્રણા પર વિપરીત અસર થવાથી ટ્રેડિંગ બંધ કરી દેવું પડ્યું હતું. એક્સચેન્જ હંમેશાં ખામીરહિત કામકાજની સુવિધા આપવાનો પ્રયાસ કરે છે એવું પણ કહેવામાં આવ્યું. ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, જાપાન, જર્મની અને યુનાઇટેડ કિંગડમમાં છેલ્લાં બે વર્ષોમાં આવી અનેક ખામીઓ સર્જાઈ ચૂકી હોવાનો પાંગળો બચાવ પણ તેણે કર્યો, પરંતુ એ ભૂલી ગયું કે ક્લીયરિંગ સિસ્ટમ માટે દેશમાં ક્લીયરિંગ હાઉસીસની ઇન્ટરઓપરેબિલિટી આપવામાં આવી છે. એક એક્સચેન્જનું ક્લીયરિંગ કામકાજ બરોબર ચાલતું ન હોય તો બીજા એક્સચેન્જની ક્લીયરિંગ યંત્રણાનો ઉપયોગ કરી શકાય એવો વિકલ્પ દેશમાં ઉપલબ્ધ છે. એ ઉપરાંત એક્સચેન્જની પાસે ડિઝાસ્ટર રિકવરી સાઇટ પણ છે, તેમ છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. એનએસઈએ કરેલા લૂલા બચાવની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે, પરંતુ એમાંથી એકેયનો પારદર્શક રીતે જવાબ આપવાની કોશિશ એક્સચેન્જમાંથીય નથી થઈ અને સિક્યૉરિટીઝ માર્કેટના નિયમનકાર – સેબી તરફથી પણ કરવામાં આવી નથી. 

ક્લીયરિંગ હાઉસની ઇન્ટરઓપરેબિલિટી

એનએસઈના ક્લીયરિંગ હાઉસને પણ બંધ રાખવામાં આવ્યું ત્યારે ઇન્ટરઓપરેબિલિટીનો મુદ્દો મુખ્ય બન્યો હતો. સેબીએ 27 નવેમ્બર, 2018ના રોજ જાહેર કર્યું હતું કે એ એક્સચેન્જમાં થયેલા સોદાઓનું ક્લીયરિંગ અને સેટલમેન્ટ બીજા એક્સચેન્જના ક્લીયરિંગ હાઉસમાં કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં ગત 24મી ફેબ્રુઆરીએ ઇન્ટરઓપરેબિલિટી ઉપયોગમાં લઈ શકાઈ નહીં અને એમ નહીં થવા માટે એનએસઈએ ગળે ઊતરે એવું કારણ પણ આપ્યું નથી. આ બાબતે કહેવામાં આવી રહ્યું છે કે ક્લીયરિંગ યંત્રણાની ઇન્ટરઓપરેબિલિટી બરોબર ચાલતી હોત તો એનએસઈ બંધ પડ્યા બાદ બીએસઈ પર વોલ્યુમ 8 ગણું વધી ગયું હોત, પરંતુ એવું થયું નહીં. 

બીએસઈનું ટર્નઓવર વધવાની દલીલ

સેબીએ ટેક્નિકલ ખામીના મુદ્દે એનએસઈ સામે કડકમાં કડક પગલાં ભરવાં જોઈએ, પરંતુ હકીકતમાં નિયમનકારે એનએસઈનો પક્ષ લેવાતો હોય એમ કહ્યું કે ઇન્ટરઓપરેબિલિટીનો ઉપયોગ કરી શકાયો હોવાથી જ બીએસઈ પર ઈક્વિટી સેગમેન્ટમાં વોલ્યુમ વધીને 40,600 કરોડ રૂપિયા થઈ ગયું હતું. બીએસઈનું પાછલા 30 દિવસનું સરેરાશ ટર્નઓવર આશરે 5,200 કરોડ રૂપિયા હતું એવું સેબીએ કહ્યું છે. જોકે, આંકડાઓ પરથી કહી શકાય કે બીએસઈ પર વોલ્યુમ વધવાનું કારણ ઇન્ટરઓપરેબિલિટી હોય એવું લાગતું નથી. એનએસઈની ટેક્નિકલ ખામીના દિવસે બીએસઈ પર બોશ કંપનીના 29,000 કરોડ રૂપિયાના શેરનું બ્લોક ડીલિંગ થયું હોવાથી ટર્નઓવર વધ્યું હતું. આમ, બીએસઈના એ દિવસના ટર્નઓવરમાંથી 29,000 કરોડ રૂપિયાની બાદબાકી કરી નાખીએ તો ટર્નઓવરનો આંકડો 13,000 કરોડની આસપાસ થાય, જે સામાન્ય કરતાં બમણા કરતાં થોડો વધારે હતો. જો  ઇન્ટરઓપરેબિલિટી શક્ય બની હોત તો બીએસઈનું વોલ્યુમ 8થી 10 ગણું વધી ગયું હોત. નવાઈની વાત તો એ છે કે એનએસઈએ પોતે જ કબૂલ્યું છે કે એ દિવસે એના ક્લીયરિંગ હાઉસમાં ઓનલાઇન રિસ્ક મૅનેજમેન્ટ સિસ્ટમ કામ કરી રહી નહોતી. બજારમાં એનએસઈની ઈજારાશાહીની સ્થિતિ રચાઈ હોવાનો આક્ષેપ કરતાં સેબીને કરાયેલી ફરિયાદમાં કહેવાયું છે કે એનએસઈ ક્લીયરિંગ લિમિટેડ કામ કરતું બંધ થયું એ અનૈતિક તથા સ્પર્ધાને દબાવી દેનારી સ્થિતિ કહેવાય. સેબીએ તો વિશ્વમાં અન્યત્ર પણ ટેક્નિકલ ખામીઓ થાય છે એવું કહીને પોતાની અને એનએસઈની જવાબદારીમાંથી હાથ ધોઈ લેવાનો પ્રયત્ન કર્યો હોવાનું બજારના જાણકારોનું કહેવું છે. 

અનેક ગોટાળા છતાં કાર્યવાહીનો અભાવ

વિશ્લેષકો કહે છે કે એનએસઈ પર ગત થોડાં વર્ષોમાં અનેકવાર ગોટાળા બહાર આવ્યા હોવા છતાં એનાં થાબડભાણાં થઈ રહ્યાં છે. 2011માં ક્લાયન્ટ કોડ મોડિફિકેશન દ્વારા કરવેરાની ચોરી, 2012માં એનએસઈના ટોચના મૅનેજમેન્ટમાં થયેલી નિમણૂકો, 2009થી 2012ના ગાળામાં અસંબંધિત બિઝનેસની ખરીદી કરીને સેબીના નિયમોનો કરાયેલો ભંગ તથા 2010થી 2014 સુધીના કૉ-લૉકેશન કૌભાંડનો કેસ એ બધાં પ્રકરણોમાં એનએસઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. આમાં મોટાભાગના કેસ ગંભીર અપરાધ સમાન ગણાય, તેની સામે ઍક્શન પણ ગંભીર જ હોવી જોઈએ. શું બીએસઈમાં આમ થયું હોય તો સેબી અને નાણાં ખાતું આટલી જ શાંતિથી બેઠાં હોત?   

આખરે નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહેવું પડ્યું કે બે એક્સચેન્જ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી હોવી જોઈએ. શું વાત છે? નાણાં મંત્રાલયને પણ મોડે-મોડે સમજ આવે છે. શું હવે સેબી કે નાણાં ખાતું એનએસઈની ટેકનિકલ ગરબડ માટે કોઈને જવાબદાર ગણશે ખરાં? યાદ રહે, આ એક્સચેન્જ આ વરસે આઈપીઓ લાવવાની યોજના ધરાવે છે.

—————–

એનએસઈની ટેક્નિકલ ક્ષતિ એક ગંભીર અપરાધઃ સેબી સામે ફરી એક ગંભીર પડકાર

એનએસઈની ટેક્નિકલ નૈયા હાલકડોલકઃ માઝી જો નાવ ડૂબોયે, તો ઉસે કૌન બચાયે…..

24 ફેબ્રુઆરીના રોજ સર્જાયેલી એનએસઈની ગંભીર ટેક્નિકલ ખામીનો કિસ્સો લાંબીલચક તપાસમાં દબાઈને વિસરાઈ ન જાય તો સારું. સેબી આ વખતે કેવી ઍક્શન લે છે તેના પર સમગ્ર માર્કેટ અને વિદેશી ઇન્વેસ્ટરોની પણ નજર રહેશે

– જયેશ ચિતલિયા

તમારે તમારા બ્રોકર મારફત શેર ખરીદવા છે અને બ્રોકર કોઈ બીજી વ્યવસ્થા કર્યા વિના તમને કહી દે કે મારું નેટવર્ક કામ નથી કરતું, મારા માળખામાં ટેક્નિકલ ક્ષતિ ઊભી થઈ છે તો તમે શું કરો? ચાલો આવો જ બીજો સવાલઃ તમારે નાણાંની તરત જરૂર હોવાથી શેર વેચવા છે યા પ્રોફિટ બુક કરવો છે, તો આવા કેસમાં શું કરો? બ્રોકરની ટેક્નિકલ ખામી સુધરે અને સોદા થાય એ પહેલાં તો ભાવ તૂટી જાય અને તમને નુકસાન થઈ જાય તો શું? તમને થાય કે મારા નુકસાનની રકમ બ્રોકરે ભરી આપવી જોઈએ, તમે આવો દાવો કરી શકો? હવે જરા જુદું વિચારીએ; જે એક્સચેન્જ પર તમે સોદા કરો છો એ એક્સચેન્જ જ ટેક્નિકલ ખામીને કારણે બંધ પડી જાય તો? શું એક્સચેન્જ તમને અને બ્રોકરને ગયેલી ખોટ બદલ કમ્પેન્સેશન (નુકસાન ભરપાઈ) આપશે? સેબી એ એક્સચેન્જને નુકસાની ભરપાઈ કરવાનો આદેશ આપશે? તમે સમજી ગયા હશો કે અમે નૅશનલ સ્ટૉક એક્સચેન્જની તાજી ઘટનાની વાત કરી રહ્યા છીએ, જો કે સેબી આવું કંઈક કરશે કે કેમ એ મસમોટો સવાલ છે. એનએસઈ પર આવી ટેક્નિકલ ખામી અગાઉ દસ વાર થઈ ચૂકી છે અને તેનું કોઈ વળતર કોઈને મળ્યું નથી કે સેબીએ જવાબદાર મૅનેજમેન્ટ સામે કોઈ નક્કર ઍક્શન લીધી નથી. સવાલ માત્ર એનએસઈનો નથી, આ બાબત દરેક એક્સચેન્જ અને ક્લીયરિંગ હાઉસ, ડિપોઝિટરી, બૅન્કો, વગેરેને પણ લાગુ પડી શકે છે. ખાસ કરીને જયારે સાયબર ક્રાઈમ (અપરાધો) વધી રહ્યા છે ત્યારે આવી બાબત વધુ સંવેદનશીલ બની જાય છે. ઍકાઉન્ટ્સ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, સોશિયલ મીડિયાનાં ઍકાઉન્ટ્સ, સિસ્ટમ હૅક થવાના કિસ્સા કયારેય પણ અને કોઈની પણ સાથે બની શકે છે. જોકે, સાયબર ક્રાઈમ વિના સર્જાયેલી આવી ટેક્નિકલ ખામી પણ અપરાધ જ ગણાય.  

ટેક્નિકલ ખામીની અસર લાખો લોકો પર

બુધવારે 24મી ફેબ્રુઆરીએ દેશના નંબર વન ગણાતા નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) પર જે ટેક્નિકલ ખામી સર્જાઈ તે આસાધારણ ગંભીર તો હતી જ, પરંતુ આની પહેલાં પણ એનએસઈ પર દસ વખત નાની-મોટી ટેક્નિકલ ખામીઓ સર્જાઈ હતી. આવી ટેક્નિકલ ખામી કોને કહેવાય? તેની કોના પર કેવી અસર થાય? શું આ બાબત કોઈ મોટાં સ્થાપિત હિતોની રમત તો નથી ને?

સ્ટૉક માર્કેટ હોય કે બીજે ક્યાંય પણ હોય, ટેક્નિકલ ગ્લિચ – ખામીનો અર્થ એ થાય કે તેના સોદાસંબંધી  કામકાજના-વ્યવહારના સોફ્ટવેર અથવા હાર્ડવેર અથવા કનેક્ટિવિટી કે બ્રોકરો સાથેના જોડાણમાં સિસ્ટમની ખામી, જેને લીધે સોદા કે નાણાકીય વ્યવહાર થંભી જાય. આમ, સોદા થંભી જવાથી લાખો ઇન્વેસ્ટરો અને ટ્રેડરો કરોડો-અબજો રૂપિયાના સોદાઓ દાવ પર લાગી જાય. શેરબજારનું કામકાજ હવે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ અથવા ઈલેક્ટ્રોનિક સ્વરૂપે થતું હોવાથી તેની ટેક્નૉલૉજીનું માળખું (ઈન્ફ્રાસ્ટ્રકચર) તેમ જ એ સાથે સંકળાયેલી એક-એક બાબત પરફેક્ટ હોવી અનિવાર્ય ગણાય. આમાં ખામી સર્જાવાનો અર્થ એ થાય કે ટેક્નૉલૉજીના મોરચે એક્સચેન્જ બેદરકાર-બેધ્યાન-બેજવાબદાર છે. આવી ભૂલ કે ક્ષતિની અસર રોકાણકારોએ અને બજારે કરોડો રૂપિયામાં ભોગવવી પડતી હોય છે અને ગ્લોબલ સ્તરે ભારતીય એક્સચેન્જનું નામ-ઇમેજ કે વિશ્વસનીયતા ખરડાય એ જુદી. જ્યાં વિદેશી રોકાણકારો રોજના ધોરણે અબજો ડૉલરનું રોકાણ કરતા હોય છે. ટેક્નિકલ ખામીના કિસ્સાનો ભોગ અગાઉ બીએસઈ પણ બન્યું છે, એટલું જ નહીં, ગ્લોબલ એક્સચેન્જીસમાં પણ ટેક્નિકલ ક્ષતિ સર્જાવાના કિસ્સાઓ બન્યા છે, જોકે, ત્યાં ઍક્શન અને પરિણામ ઝડપથી આવતાં હોય છે.

થોડા જ સમય પહેલાં ખાનગી ક્ષેત્રની એક અગ્રણી બૅન્કમાં ટેક્નિકલ ખામી સર્જાતાં રિઝર્વ બૅન્કે તેને નવા ડેબિટ-ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન કસ્ટમર્સ લેવા પર અંકુશ મૂક્યો હતો અને સૌપ્રથમ તેની ટેક્નૉલૉજી સિસ્ટમ વધુ સક્ષમ-સજ્જ કરવા કહ્યું હતું. કારણ કે બૅન્કની ખોટકાયેલી સિસ્ટમમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ચાલે જ નહીં તો ગ્રાહક કેવો ફસાઇ જાય?

અબજો રૂપિયાના અટકી પડેલા વ્યવહારોની જવાબદારી કોની?

વાસ્તવમાં શેરબજાર પર રોજિંદા અબજો રૂપિયાના વ્યવહારોની જવાબદારી રહેતી હોવાથી તેની સિસ્ટમનું બારીક નિરીક્ષણ થતું રહે છે, તેનાં ટેસ્ટિંગ પણ સમયાંતરે કરાતાં રહે છે. આમ કરવું તેની ફરજ હોય છે. નિયમનકાર સંસ્થા તરીકે સેબી (સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈનિડયા) એ પણ તેના પર ધ્યાન આપવાનું હોય છે. એનએસઈ આ બાબતે નસીબદાર ગણાય કે તેમાં વારંવાર ટેક્નિકલ ખામી સર્જાવા છતાં સેબી તેના પ્રત્યે ઉદાર રહ્યું છે. આને વધુ પડતી ઉદારતા ન ગણાય? સેબીની આ ઉદારતા કોના ભોગે? 24 ફેબ્રુઆરીએ એનએસઈમાં ગંભીર ટેક્નિકલ ખામી સર્જાયા બાદ પણ સેબીએ તેને આ ખામી કયા કારણસર સર્જાઈ તેનો અહેવાલ સુપરત કરવા બસ જણાવી દીધું. કહેવાય છે કે આવી જ બાબત અન્ય એક્સચેન્જ સાથે બની હોત તો સેબી એકદમ આકરું થઈ ગયું હોત અને કડકમાં કડક ઍક્શન લીધી હોત. ખૈર, એનએસઈની છાપ તો જાણે એ સરકારી એક્સચેન્જ હોય એવી પહેલેથી રહી છે અથવા રાખવામાં આવી છે. જ્યારે કે આ એક્સચેન્જમાં સૌથી વધુ હિસ્સો (તેની માલિકી) ખાનગી (વિદેશી સહિત) રોકાણકારોનો છે. કદાચ તેથી જ એનએસઈ સરકારનું યા સેબીનું લાડકું રહ્યું હોવું જોઈએ. તેમાં પણ વળી ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના એનએસઈ પર વિશેષ આશીર્વાદ રહ્યા છે. ચિદમ્બરમ પર હાલ ગંભીર આરોપો અંગે ચોક્કસ કોર્ટ કેસો ચાલી રહ્યા છે. આમ પણ તેઓ શેરબજારના ખેલાઓ માટે જાણીતા છે; અને તેમનો સુપુત્ર પણ. જોકે, આમ તો આ આખી વાત રાજકીય દિશામાં ચાલી જાય એવી છે, કિંતુ આપણે અહીં રાજકીય વાતો કરવી નથી, અલબત્ત, રાજકીય સ્થાપિત હિતો શેરબજાર મારફત ચુપચાપ, ચાલાકીથી અને વિદેશ માર્ગે અબજોના ખેલા કરતા હોય છે.

નંબર વન એક્સચેન્જની ઇમેજના ધજાગરા

જો આ એક્સચેન્જ નંબર વન છે, તેના પર ખૂબ જ ઊંચું ટર્નઓવર-વોલ્યુમ થતું હોય તો એનએસઈમાં વારંવાર આમ ટેક્નિકલ ખામી સર્જાવાનું કારણ શું? કયાં અધૂરપ રહી જાય છે, કોણ જવાબદાર? શું આટલી ગંભીર બેદરકારી માટે મૅનેજમેન્ટને જવાબદાર ન ગણાય? સેબીનું વલણ કેમ પોકળ રહે છે? સેબીના નિયમ મુજબ દરેક એક્સચેન્જે દર ત્રણ મહિને તેની સિસ્ટમ ટેસ્ટ કરવાની હોય છે, તેનું મોક ટ્રેડિંગ કરવાનું હોય છે. તેની ડિઝાસ્ટર સાઇટનું પણ ટેસ્ટિંગ કરતા રહેવાનું હોય છે. રાધર, કોઈપણ એક્સચેન્જ હોય, ટેક્નિકલ ખામીની અસર લાખો લોકો પર પડતી હોય છે. એનએસઈની વાત આવે છે ત્યારે અગાઉ તેના પર કૉ-લૉકેશન સંબંધી અબજોની કથિત ગરબડના આરોપ થયા હતા, જેમાં ચોક્કસ બ્રોકરોને વહેલું એક્સેસ આપી ટ્રેડિંગ કરવાની સુવિધા કરી અપાતાં તેઓ જંગી લાભ લઈ ગયા હતા અને અન્ય લોકો સાથે અન્યાય થયો હતો. આ મામલે સેબીની તપાસ થઈ હતી. શરૂમાં ભારે ઍક્શન લેવાની વાતો થઈ, ત્યારબાદ એના પર ઠંડું પાણી રેડી દેવાયું. એ કેસમાં મૅનેજમેન્ટના સૌથી મોટાં માથાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું, તેમને રાજીનામું આપી દેવાની ફરજ પણ પડાઈ હતી, પણ પછી શું? કંઇ નહીં, એ સાહેબો તો મુક્ત થઈ ગયા.

ઇન્વેસ્ટરો વિના વાંકે દંડાયા

ટેક્નિકલ ખામીને કારણે એક્સચેન્જનું કામકાજ બંધ થઈ જવું એ રોકાણકારો માટે ભારે જોખમી બની શકે એવું હોય છે, કારણ કે રોકાણકારોએ શેર ખરીદ્યા હોય અથવા વેચ્યા હોય તો તેનો અમલ અટકી જઈ શકે છે. જેમને લાંબા ગાળાની પોઝિશન લેવાનો કોન્ટ્રેકટ કર્યો હોય, જેમને શોર્ટ સેલ (ખોટું વેચાણ) કર્યું હોય, જેમને લોસ કે પ્રોફિટ બુક કરવા હોય, વગેરે જેવા કિસ્સામાં મામલો અદ્ધર લટકી જઈ શકે છે. કામકાજ બંધ થયા બાદ જયારે પુનઃ શરૂ થાય ત્યારે ખરીદનારને એ ભાવ ન મળે, વેચનારને તેનો ભાવ ન મળે, પ્રોફિટ કે લોસ બુક કરનારને એની તક ન મળે એવું બની શકે. જેના ઓર્ડર્સ મુકાઇ ગયા હોય એવા લાખો શેર્સ સિસ્ટમમાં અટવાઈ જાય એવું બની શકે. આ ખામીને કારણે ઉપરાંત માર્કેટ બંધ થઈ જવા પર કોઈ શેરની લે-વેચ જ કરી શકે નહી. એ દરમ્યાન કોઈ એવી ઘટના બને, જેમાં સોદા કરવા સાવ જ જરૂરી બની જતું હોવા છતાં કરવા ન મળે તો એ મામલો રોકાણકાર હોય કે ટ્રેડર્સ હોય, જે પણ હોય તેને મોંઘો પડી શકે છે. આવા સંજોગોમાં રોકાણકારોને ખોટ ભોગવવાની પણ આવી શકે છે. જો આ રીતે એક્સચેન્જની ભૂલ કે ખામીને લીધે રોકાણકારોએ નુકસાન ભોગવવાનું આવે તો શું રોકાણકારોને તેનું વળતર કોઈ આપે ખરું? યાદ કરો, આઈપીઓ-ડિમેટ ઍકાઉન્ટ સ્કેમ, જેમાં બનાવટી અરજદારોને કારણે સાચા અરજદારોએ સંભવિત લાભ ગુમાવવાનો આવ્યો હતો. એ સમયે સેબીએ એ અસરગ્રસ્ત રોકાણકારોને તેમનું વળતર મળે એવો આદેશ આપ્યો હતો, કિંતુ કેટલાં લોકો સુધી એ વળતર પહોંચ્યા એનો હિસાબ બહાર આવ્યો નહોતો. જોકે, તાજી ઘટનામાં ટેક્નિકલ ખામીને કારણે ઇન્વેસ્ટરોને થયેલી ખોટનું શું? આવો અન્યાય રોકાણકારોને શા માટે?

એનએસઈની સ્પષ્ટતા કેટલી પોકળ?

બુધવારની ઘટના બાબતે એનએસઈએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે તેના બે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સની લિન્કમાં સમસ્યા ઊભી થઈ હતી, જે ઉકેલી શકાઈ નહોતી. જોકે, એનએસઈ આવી કટોકટીમાં તેની મુંબઈની ડિઝાસ્ટર સાઈટ કે ચેન્નાઈની ડિઝાસ્ટર સાઈટનો પણ ઉપયોગ કેમ કરી શક્યું નહોતું એ સવાલ પણ ઊઠે છે. એક્સચેન્જનો ટેક્નૉલૉજી હેડ પણ જવાબ આપી શકયો નહોતો. અહીં એ નોંધવું મહત્વનું છે કે થોડા મહિના પહેલાં ટોકિયો એક્સચેન્જમાં ટેક્નિકલ સમસ્યા ઊભી થઈ હતી ત્યારે તેના ચીફે રાજીનામું આપી દીધું હતું. તેમ જ થોડો વખત પહેલાં સિંગાપોર એક્સચેન્જમાં ટેક્નિકલ નિષ્ફળતા સર્જાતાં તેના સીઈઓને એના પદ પરથી દૂર કરાયા હતા. આવી કડક કારવાઇ આપણા દેશમાં કેમ થતી નથી? માત્ર પદથી દૂર કરવા પર્યાપ્ત નથી, તેમની (જવાબદાર) સામે  પૂરી તપાસ પણ થવી જોઈએ. આ અબજોના ખેલામાં ટેક્નિકલ ખામીના નામે કોઈ કળા કરી ગયું છે કે કેમ, કોઈ રમત રમી ગયું છે કે કેમ, તેની શક્યતા ચકાસવી જોઈએ. કારણ કે આ રમત પણ અબજો રૂપિયાની હોય છે. આ એક અતિ ગંભીર વિષય છે, આ પ્રકરણ માત્ર લાંબી લચક તપાસ હેઠળ દબાઈ જવું જોઈએ નહી. આવી તપાસના નાટકો આપણા દેશમાં વરસોથી થતા રહ્યા છે, તેના અનેક કિસ્સા આપણે જોયા છે અને તેના પરિણામ પણ.

ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ કોની માટે છે?

આવા સમયમાં એક્સચેન્જીસ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટીની સુવિધા હોવી જોઈએ, જેથી એક એક્સચેન્જમાં કંઈ ખામી ઊભી થાય અને સોદા બંધ થઈ જાય તો બીજામાં સોદાની સવલત મળી શકે. સેબી સામે એક આક્ષેપ એવો પણ થાય છે કે  કાયમ બીએસઈને એનએસઈ કરતાં ઓછું મહત્વ આપે છે, ખરેખર તો બે એક્સચેન્જ રેગ્યુલેટરની નજરે સમકક્ષ હોવા જોઈએ. તેમને  સમાન તક મળવી જોઈએ. સેબીના આવા ભેદભાવવાળા વલણની  સજા મોટેભાગે માર્કેટ અને તેના ખેલાડીઓ ભોગવવાની આવે છે. આ પ્રકરણમાં સેબીએ એનએસઈ પાસે  ટેક્નિકલ ખામી સંબંધી ખુલાસા માગ્યા છે, પણ એ જવાબ આવશે કયારે? સેબી તેની સામે કરશે શું? રોકાણકારોને થયેલા નુકસાનનું શું? નંબર વન એક્સચેન્જની ઈમેજનું શું? રોકાણકારોના વિશ્વાસ અને રક્ષાનું શું ? એનએસઈ જબ્બર પ્રોફિટ કરતું એક્સચેન્જ છે, આ એક્સચેન્જ તેના ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડમાંથી નાણાં કેમ ન વાપરી શકે? આ જ તો સમય છે, જ્યાં રોકાણકારોને તેમની ખોટનું વળતર મળવું જોઈએ, એ જ તો તેમની રક્ષા ગણાય. ઇન શોર્ટ, એનએસઈની ભૂલની સજા બ્રોકરો અને ઇન્વેસ્ટરો શા માટે ભોગવે? કોણ ન્યાય આપશે તેમને? નાણાં ખાતું? સેબી કે ખુદ એનએસઈ? આશા રાખવા જેવું છે ખરું?

—————————–

એનએસઈએલ પ્રકરણે 63 મૂન્સને નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરાવનારા પી. ચિદમ્બરમ કયા મોંઢે નોટ ફિટ ઍન્ડ પ્રોપર બ્રોકરોનો બચાવ કરવા દોડી ગયા?

ગુનેગાર ક્યાંક કોઈક કડી મૂકીને જતો હોય છે અને કાયદાના લાંબા હાથ એના સુધી પહોંચી જાય છે એ બન્ને વાતો આપણે જોયેલી-સાંભળેલી છે. હાલમાં એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર થયેલા ટોચના પાંચ બ્રોકરોનો બચાવ કરવા માટે પી. ચિદમ્બરમ મેદાને પડ્યા ત્યારે એમના છૂપા સંબંધ જાણે પ્રકાશમાં આવી ગયા હોય એવું બન્યું.

આ જ પી. ચિદમ્બરમ જ્યારે કેન્દ્રમાં નાણાપ્રધાન હતા ત્યારે જુલાઈ 2013માં એનએસઈએલની 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી અને એ કેસના નામે એમણે એનએસઈએલની પ્રમોટર કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) વિરુદ્ધ ફોરવર્ડ માર્કેટ્સ (એફએમસી) મારફતે નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ બહાર પડાવ્યો હતો. હવે એ જ ભૂતપૂર્વ નાણાપ્રધાને વકીલ બનીને નોટ ફિટ ઍન્ડ પ્રોપર ઠરેલા બ્રોકરોનો બચાવ કરવાની હાલમાં કોશિશ કરી હતી. સદ્ નસીબે સર્વોચ્ચ અદાલતે એવું થવા દીધું નથી.

બન્યું એવું છે કે એનએસઈએલના કેસમાં ટોચના પાંચ બ્રોકરોને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કરનારા સેબીના આદેશ સંબંધે એનએસઈએલનો પક્ષ સાંભળવાનો હુકમ સર્વોચ્ચ અદાલતે કર્યો છે.

બ્રોકરો – – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડે પોતાની સામે સેબીએ જારી કરેલા નોટ એન્ડ ફિટ પ્રોપરના આદેશને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં પડકાર્યો છે. આ બાબતે એનએસઈએલે કહ્યું છે કે બ્રોકરોના પક્ષની સુનાવણીની સાથે સાથે એનએસઈએલને પણ સેટમાં રજૂઆત કરવાની તક મળવી જોઈએ. આથી તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેને અદાલતે સ્વીકારી લીધી છે.

નોંધનીય છે કે પીઢ પત્રકાર શાંતનુ ગુહા રે લિખિત પુસ્તક ‘ધ ટાર્ગેટ’માં પી. ચિદમ્બરમની સાથે સાથે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકનું નામ પણ સાંકળવામાં આવ્યું છે. હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે એફએમસીએ કોના કહેવાથી નોટ ફિટ ઍન્ડ પ્રોપર આદેશ બહાર પાડ્યો હતો. એનએસઈએલની પેમેન્ટ કટોકટી 2013માં બહાર આવી હતી, પરંતુ ગેરરીતિ કર્યાનો આક્ષેપ ધરાવનારા બ્રોકરો આબાદ છટકી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ 2015માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે ટોચની પાંચ કોમોડિટી બ્રોકિંગ કંપનીઓ – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડ દ્વારા એનએસઈએલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે રમેશ અભિષેકે એ અહેવાલ બહાર આવવા જ દીધો નહીં. આખરે એફએમસીનું સેબીમાં વિલીનીકરણ થયા બાદ સેબીએ ઉક્ત બ્રોકરો સંબંધે તપાસ હાથ ધરી અને 2019માં પાંચે બ્રોકરોને બ્રોકરોને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કર્યા હતા. બ્રોકરોએ સેબીના આદેશને સેટમાં પડકાર્યો છે.

એનએસઈએલનું કહેવું છે કે સેબીએ બ્રોકરો વિરુદ્ધના અનેક આક્ષેપો બાબતે વિચાર કર્યો નથી. આથી આ કેસમાં તેને સેટમાં સુનાવણીની તક મળવી જોઈએ. સેટે એ અરજીનો ટેક્નિકલ આધાર પર અસ્વીકાર કર્યો તેથી એનએસઈએલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેનો ઉક્ત ચુકાદો મંગળવારે 24મી ફેબ્રુઆરીએ અદાલતે આપ્યો હતો.

63 મૂન્સે નોટ ફિટ ઍન્ડ પ્રોપર આદેશને કારણે પોતાને થયેલા નુકસાન બદલ પી. ચિદમ્બરમ ઉપરાંત ભૂતપૂર્વ સનદી અધિકારીઓ – કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો કર્યો છે એ વાત આપણે અગાઉ આ બ્લોગમાં લખી ગયા છીએ.

ચિદમ્બરમે સર્વોચ્ચ અદાલતમાં બ્રોકરો વતી દલીલો કરી એ જાણીને સમગ્ર નાણાકીય વર્તુળોમાં આઘાતની લાગણી પ્રસરી હતી. એનએસઈએલનું પણ કહેવું છે કે ચિદમ્બરમના કાળમાં ફોરવર્ડ માર્કેટ્સ કમિશને અનુચિત રીતે એનએસઈએલની બાબતે પ્રમોટર કંપનીને નોટ ફિટ એન્ડ પ્રોપરની કલમ લાગુ કરી, જેને કારણે કંપનીને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ઉક્ત બાબતોને ધ્યાનમાં રાખતાં સવાલ એ જાગે છે કે 63 મૂન્સને નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરાવનારા પી. ચિદમ્બરમ કયા મોંઢે નોટ ફિટ ઍન્ડ પ્રોપર બ્રોકરોનો બચાવ કરવા દોડી ગયા હતા. શું એમને એનએસઈએલ કેસમાં પોતાની સંડોવણી ખૂલ્લી પડવાનો પણ હવે ડર રહ્યો નથી? શું તેઓ દેશના કાયદાઓને ઘોળીને પી ગયા છે કે પછી કાયદાઓને અને અદાલતોને પોતાની જાગીર સમજીને ચાલી રહ્યા છે?

તેઓ જે સમજતા હોય, જનતાને હવે એમનાં કરતૂતોની એક પછી એક ઘટનાક્રમના આધારે જાણ થઈ રહી છે અને એવું કહેવાવા લાગ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાય તોળાઈને ખરા દોષિતોને સજા ચોક્કસ થશે.

—————————–

આધુનિક ખિસ્સાકાતરુઓથી સાવચેત રહેજો!

ડિજિટલ યુગમાં ચોરી-લૂંટ પણ ડિજિટલ

સોશ્યલ મીડિયા અને ઓનલાઈન નાણાકીય વ્યવહાર સાથે સંકળાયેલા લોકો સાવધાનઃ તમારા ડેટાનો દુરુપયોગ ક્યાં થાય છે એ સમજી લો!

- જયેશ ચિતલિયા

તમારી પાસે બૅન્ક એકાઉન્ટ તો હશે જ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પણ હોઈ શકે, તમે ફેસબુક, વોટ્સ ઍપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, વગેરે જેવા કોઈક સોશ્યલ મીડિયા પર પણ અવશ્ય  હશો, એટીએમમાં વારંવાર જતા હશો, ઓનલાઈન પૅમેન્ટ કરતા હશો, લોન લીધી હશે યા લેવા માગતા હશો, હવેના ડિજિટલ અને ઓનલાઈન યુગમાં જ્યાં પણ નાણાકીય વ્યવહારો થાય છે ત્યાં હવે પછી તમે સાવધ નહીં રહો તો તમારી નજર સામે તમને લૂંટી લેવા ઇચ્છતા લેભાગુઓ ૨૪x૭ સક્રિય બની ગયા છે, તેથી જ નજર હટી કે દુર્ઘટના ઘટી જેવી ઘટના બનતાં વાર નહીં લાગે…

આમ તો ગયા સપ્તાહમાં એક ગુજરાતી અખબારે સાયબર ક્રાઇમના અને ઓનલાઇન અપરાધોના કિસ્સાઓની ઝલક આપી હતી, પરંતુ આ સમસ્યા આટલેથી પતી જતી નથી. આવા અપરાધોના કિસ્સા હવે નવા-નવા સ્વરૂપે વધતાં રહેવાના એવું ચોક્કસ કહી શકાય. તેની શરૂઆત થઈ ગઈ છે, રિઝર્વ બૅન્ક સહિતની વિવિધ સંસ્થાઓ આ સંબંધી ચેતવણી આપતી રહી છે, લોકો આ વિષયમાં જાગ્રત નહીં થાય તો છેતરાઈ જતાં વાર નહીં લાગે. આપણે આ વિષયને જરા જુદા સંદર્ભમાં, અલગ સ્વરૂપે અને અન્ય દાખલા સાથે સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે અહીં એવી વાત-ચર્ચા કરવી છે, જે દરેક માનવીને સ્પર્શે છે, ખાસ કરીને તે સોશ્યલ મીડિયા સાથે સંકળાયેલા લોકો માટે વિશેષ ચેતવણી રૂપ છે.

હવે ચોર-લૂંટારુ ઘરે આવ્યા વગર જ લૂંટ કરશે

કોઈ ચોર તમારા પૈસા યા તમારી ચીજ-વસ્તુઓ ચોરી કરીને લઈ જવા માટે ઘરે નહીં આવે એ મતલબની કોઈ ખાતરી આપે તો તમને ચોક્કસ રાહત થાય કે હાશ, શાંતિ! હવે ચોરીના ભયથી મુક્તિ મળી ગઈ કહેવાય. પણ પછી તરત જ  અમે તમને એમ કહીએ કે તમારા હાથમાંથી, તમને પટાવીને તમારા જ પૈસા તમારી નજર સામેથી લઈ જવા ઘણા બધા લોકો આવશે, તમને ખયાલ ન આવે એવી રીતે આવશે, તમને દેખાશે પણ નહીં, તમારાથી ખુબ દૂર પણ હશે તોય તમને લૂંટી જશે, તો તમે માનો? ન માનો, કેમ કે તમને થશે કે મારી પાસેથી, મારી નજર સામેથી વળી કોણ મારા પૈસા ચોરી કે લૂંટી જાય? જો તમે આવું વિચારતા હો તો તમે ભ્રમમાં છો. પરિણામે, તમને સાવચેત કરવા જરૂરી છે. આપણે અગાઉ બસ કે ટ્રેનમાં ખિસ્સાકાતરુથી સાવધ રહેજો એવું સાંભળતા – કહેતા, એવું લખેલું પાટિયું વાંચતા, તેમ છતાં આપણું ખિસ્સુ કપાતું પણ ખરું. હવે આપણે બધાને કહેવું પડે છે કે સાયબર ક્રાઇમ, ડિજિટલ ક્રાઇમથી સાવધ રહેજો, ચોક્કસ ફોન, ઈ-મેઈલ, મેસેજ, ઈનામની વાત, બૅન્કના વ્યવહારો, એટીએમ કે ઓનલાઈન વ્યવહાર, ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ), ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પિન નંબર, વગેરે જેવી બાબતોમાં સાવધ રહેવું પડે છે.

પોતાની અંગત માહિતી જાહેર કરીને આપણે પોતે જ ફસાઈએ છીએ

ફેસબુક પર તમે રજિસ્ટર્ડ થાવ ત્યારે તમારી કેટલીય બાબતો જગજાહેર થઈ જાય છે. ઘણા તો વળી સામે ચાલીને જાહેર કરતા રહે છે. આમ જાણતા-અજાણતા કેટલીય એવી અંગત માહિતી બહાર આવી જાય છે, જેનો ગેરલાભ લેવા માટે લેભાગુ-ચોરોને તક મળી જાય છે. ફેસબુક, વોટ્સએપ, ઉપરાંત ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ સહિતનાં વિવિધ માધ્યમો લોકોને આકર્ષે છે અને તમારી અંગત લાઇફ ખૂલતી જાય છે. હજી તો ઘણાં એવાં માધ્યમ છે, જેમાં તમારા ડેટા લેવાતા જાય છે, તમારા ખિસ્સાં ખાલી કરવા ઈચ્છતી ટોળકીઓ સક્રિય થતી જાય છે. આ બાબતો હવે રોજિંદી બની ગઈ છે. આ વ્યવહારોમાં કયા લેભાગુઓ, હેકર્સ, વગેરે કઈ રીતે આપણા નાણાં ચોરી જશે કે હડપ કરી જશે એ ખબર પડતી નથી, શેરોના ડિમેટ એકાઉન્ટ બાબતે પણ આવું બનતું રહે છે, અર્થાત્ આપણા નાણાકીય વ્યવહારો પર નજર રાખતા ચોક્કસ લેભાગુઓ (નવા પ્રકારના ચોર-લૂંટારુઓ) માટે આ પ્રવૃત્તિ કમાણીનો ધંધો બનતી જાય છે.

આ લોકો આપણી વિગત એક યા બીજા માર્ગે મેળવી લે છે, તમને પુરાવા સાચા લાગે એવા પેપર્સ પણ મોકલે છે. મીઠું-મીઠું બોલી આપણને બાટલીમાં ઉતારી લે છે. કેવાયસી (નો યોર કસ્ટમર)નાં ધોરણો હેઠળ આપણે ઘણી જગાએ આપણી વિગતો સુપરત કરવાની આવતી હોય છે. આ ડેટા ચોરાઇ કે વેચાઈ  જતાં વાર લાગતી નથી. પૅન નંબર, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડિમેટ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ, બૅન્ક અકાઉન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, વગેરે માર્ગે આપણા ડેટા જાહેરમાં ફરવા લાગે છે. લેભાગુઓ માટે આ ડેટા ચોરીની પ્રવૃત્તિ સલામત ગણાય છે અને તેથી હવે તે આવા લેભાગુઓનો ધંધો બની ગઈ છે.

લોન લઈ જાવ લોન!

એક તરફ બૅન્કો લોન આપતાં પહેલાં દસ સવાલ કરે છે અને બીજી તરફ સામેથી લોન આપનાર કંપનીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. આજકાલ આપણને સૌને વિવિધ કંપનીઓ તરફથી લોન ઓફર થઈ રહી છે ત્યાં સુધી તો ઠીક, કિંતુ આ લોન આપનારા તમને સીધું કહી જ દે છે કે અમે તમારી માટે ચોક્કસ રકમની લોન મંજૂર કરી દીધી છે. આમાં બનાવટી વ્યક્તિનાં નામ પણ હોય છે અથવા ચોક્કસ પ્રકારે તમારા ડેટા, ફોન નંબર હેક પણ થયા હોય છે. નાના-નાના ધંધા કરનારા લોકોને આવી લોન ઓફર સારી – આકર્ષક લાગે છે અને તેઓ પણ દિનદહાડે લૂંટાઈ જાય છે. પરંતુ આ રીતે લૂંટાયા બાદ કોણ જાહેર કરે કે પોતે ભોગ બન્યા છે, ખરું કહો તો, ઉલ્લુ બન્યા છે. આ લેભાગુ કંપનીઓ આપના નાણાકીય ડેટા ભેગા કરતી રહેતી હોય છે, જેના આધારે બકરા શોધે છે. જેમને નાણાંભીડ હોય અને સખત જરૂર હોય તેઓ આવી ઓફરોથી તરત આકર્ષાઈ જાય છે.

ક્વિક લોન – ક્વિક ફ્રોડ

આવી લોન ઓફર, મોટેભાગે મંજુરી સાથેની લોન ઓફર, સોશ્યલ મીડિયા કે ઓનલાઈન માધ્યમથી આવે છે, જે ખાનગી ક્ષેત્રની કંપનીઓ (ટોળકીઓ એમ સમજવું) મારફત થાય છે. આ કંપનીઓ મહદ્અંશે બોગસ અથવા લેભાગુ કંપનીઓ હોય છે. લોનના નામે આ લોકો જરૂરતમંદ લોકોને છેતરે છે, તેમને લોન તો મળતી જ નથી, કિંતુ લોનના નામે તેમની પાસેથી ચોક્કસ રકમ ફી યા કમિશન પેટે વસુલી લેવામાં આવે છે. રિઝર્વ બૅન્કે તાજેતરમાં આવી લોન પ્રત્યે લોકોનું ધ્યાન દોરીને ખાસ ચેતવણી આપી છે. રિઝર્વ બૅન્કના કહેવા અનુસાર અનધિકૃત તેમ જ મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓફર થતી લોન (ધિરાણ) સામે સાવધ રહેવું જોઈએ. આ ધિરાણ ઓફર કરનારા મોટાભાગે ગેરકાયદેસર આ પ્રવૃત્તિ કરતા હોય છે, તેમની રિકવરીની વિધિ કે પ્રથા પણ ગેરકાનૂની અને અનૈતિક હોય છે. તેમના વ્યાજદર પણ નિયમન વિનાના હોય છે. આ સમગ્ર પ્રેક્ટિસ જ ગેરકાયદેસર ગણાય, જેથી આમાં ન પડવામાં કે આવી ઓફરોથી દૂર રહેવામાં સાર અને શાણપણ છે. રિઝર્વ બૅન્કનું માનવું છે કે સામાન્ય વ્યક્તિઓ અને નાના વેપારીઓ, જેમને બૅન્ક કે નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવાનું મુશ્કેલ પડે છે. તેઓ આવી ખાનગી મોબાઈલ ઍપ મારફતે યા સોશ્યલ મીડિયા મારફતે થતી લોનની ઓફરમાં ખેંચાઈ  જાય છે. આ બધા અનધિકૃત ડિજિટલ મંચ છે. તો તકલીફ વિનાની (હેસલ ફ્રી) અને ઝડપી લોન (ક્વિક લોન) ઓફર કરે છે. બાકી તો આ લોનની જાળમાં ફસાનાર જ્યારે તે ભરપાઈ કરી શકતા નથી ત્યારે બહુ ઝડપથી પારાવાર તકલીફમાં પડી જાય છે.

રિઝર્વ બૅન્ક શું કહે છે, ધ્યાન આપો!

રિઝર્વ બૅન્ક ભારપૂર્વક કહે છે કે માત્ર પરવાનાધારક બૅન્કો અને એનબીએફસી જ જાહેર ધિરાણ આપી શકે છે. રિઝર્વ બૅન્કે આ માટે ચોક્કસ માર્ગરેખા નિયત કરી જ છે. રિઝર્વ બૅન્કની આ માર્ગરેખાનું ફિનટેક કંપનીઓ પાલન કરતી નથી. આ કંપનીઓ તેમની લોનની રિકવરી માટે પણ અનુચિત રસ્તાઓ અપનાવે છે, જે માન્ય હોઈ શકે નહીં. હાલમાં સંખ્યાબંધ આવી ઍપ લોન ઓફરની પ્રવૃત્તિ કરી રહી છે, તેમની અનૈતિક પ્રૅક્ટિસની નોંધ રિઝર્વ બૅન્કે લીધી છે તેમ તે વિવાદ અને ચર્ચાનો વિષય પણ બની છે. આ બધાં પર સાયબર ક્રાઇમ સેલની નજર પણ છે.  

કૌન બનેગા કરોડપતિ (કેબીસી) કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન આરબીઆઈ (રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા) આકર્ષક ઈનામો, લોટરી, વસિયતમાં મળતી પ્રોપર્ટીઝ, બૅન્કની વિગતો,  ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ), વગેરે જેવા મામલામાં ફસાઇ જવું નહીં અને વિશેષ સાવચેત રહેવું, એવું બોલી-બોલીને  વિવિધ સૂચના-ચેતવણી આપે છે, જે આપણે વારંવાર સાંભળીએ છીએ. આરબીઆઈ વિવિધ માર્ગે જાગ્રતિ ઝુંબેશ ચલાવતી રહેશે. જેઓ જાગૃત રહેશે તે બચશે, જેઓ સાવચેત નહીં રહે તેઓ ગમે ત્યારે આવી આધુનિક ચોરીનો ભોગ બની શકે છે.   

———————————-